રોહિત શર્માએ માત્ર 14 રન બનાવી રચ્યો ઇતિહાસ: દિગ્ગજોને છોડ્યા પાછળ
- રોહિતએ 14 રન ફટકારી રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે 9000 રન પૂરા કર્યા (Rohit 9000 Runs Record)
- રોહિતએ દ. આફ્રિકા સામે ODIમાં 9000 આંતરરાષ્ટ્રીય રનનો માઈલસ્ટોન પૂરો કર્યો
- આ સાથે તેમણે રાહુલ દ્રવિડનો (9004 રન) રેકોર્ડ તોડ્યો
- ભારતમાં 9000 રન કરનાર સચિન અને કોહલી બાદ રોહિત ત્રીજા ક્રિકેટર બન્યા
- ભારતીય ટીમે સતત 20મી આંતરરાષ્ટ્રીય મેચમાં ટોસ ગુમાવ્યો
Rohit 9000 Runs Record : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રોહિત શર્માએ બુધવાર, 3 ડિસેમ્બરના રોજ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે મેચમાં એક વિશિષ્ટ સિદ્ધિ પોતાના નામે કરી છે. જોકે આ મેચમાં તે કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા, પરંતુ એક અનોખો રેકોર્ડ જરૂર બનાવ્યો હતો. રોહિતે આ મુકામ બીજી વનડે મેચની શરૂઆતમાં જ હાંસલ કરી લીધો હતો.
ઘરઆંગણે 9000 ઇન્ટરનેશનલ રનનો માઈલસ્ટોન
રોહિત શર્મા ભારતની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં 9,000 રન પૂરા કરનાર ચોથા ભારતીય બેટ્સમેન બની ગયા છે. આ શાનદાર સિદ્ધિ સાથે તેમણે મહાન ભૂતપૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા છે. હવે તે ભારતમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયા છે. આ બીજી વનડે મેચમાં ઉતરતા પહેલા રોહિત શર્માના નામે ભારતમાં તમામ ફોર્મેટમાં 8,991 રન નોંધાયેલા હતા.
રોહિત શર્માએ પોતાની ઇનિંગ્સ દરમિયાન જ્યારે 14 રન પૂરા કર્યા ત્યારે તે આ ઐતિહાસિક આંકડા પર પહોંચી ગયા હતા. ખાસ વાત એ હતી કે, તેમણે નાન્દ્રે બર્ગરના બોલ પર સતત ત્રીજો ચોગ્ગો ફટકારીને રાહુલ દ્રવિડના 9,004 રનના રેકોર્ડને પણ પાર કરી લીધો હતો. હાલમાં, રોહિત શર્માના ભારતમાં કુલ 9,005 આંતરરાષ્ટ્રીય રન થયા છે, જે દ્રવિડના રેકોર્ડ કરતાં માત્ર એક રન વધુ છે.
ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
આ યાદીમાં રોહિત શર્માથી આગળ માત્ર ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ જ છે: સચિન તેંડુલકર (14,192 રન) અને વિરાટ કોહલી (12,373 રન). રોહિતે આ સિદ્ધિ દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય પિચો પર તેમનો દબદબો કાયમ છે.
સતત 20મી વખત ટોસ હારવાનો સિલસિલો
જોકે રોહિત શર્મા માટે આ મેચ વ્યક્તિગત રીતે રેકોર્ડથી ભરપૂર રહી હતી, પરંતુ ટીમ ઇન્ડિયા માટે ટોસ હારવાનો નિરાશાજનક સિલસિલો યથાવત્ રહ્યો હતો. આ મેચમાં વાપસી કરી રહેલા દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય મેચોમાં સતત 20મી વખત છે જ્યારે ભારતીય ટીમ ટોસ હારી છે. આ સિલસિલો ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચથી શરૂ થયો હતો, જે હજી પણ અકબંધ છે.
આ પણ વાંચો : વિરાટ કોહલી 15 વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં કરશે વાપસી: જાણો શેડ્યૂલ