Asia Cup ફાઇનલમાં Tilak Varma ના જાદુનો શ્રેય સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સને આપ્યો
- Mumbai Indians ગુરુકુળ : Tilak Varma ની પ્રશંસા કરી સૂર્યાએ
- સૂર્યકુમાર યાદવે Asia Cup ફાઈનલ જીતનો શ્રેય MIને આપ્યો
- સૂર્યકુમાર યાદવે કહ્યું : MI એ યંગ સ્ટાર તિલકને તૈયાર કર્યો
Asia Cup 2025 ની ફાઇનલમાં ભારતની પાકિસ્તાન સામેની રોમાંચક જીતનો મુખ્ય હીરો યુવા બેટ્સમેન તિલક વર્મા (Tilak Varma) રહ્યો. એક સમયે જ્યારે ભારતે માત્ર 20 રનના સ્કોર પર 3 મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી હતી, ત્યારે તિલકે અડધી સદી ફટકારીને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ટીમને ઉગારી. તેની ઇનિંગ્સની પરાકાષ્ઠા અંતિમ ઓવરમાં હરિસ રઉફના બોલ પર લગાવેલો વિજયી છગ્ગો હતી, જેણે ભારતને ટાઇટલ અપાવ્યું. તિલકના આ શાનદાર અને સંયમિત પ્રદર્શન બાદ, ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેના સાથી ખેલાડીની પ્રશંસા કરી અને તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઇઝીને આપ્યો. સૂર્યાએ MI ની ટીમને એક 'ગુરુકુળ' સમાન ગણાવી, જ્યાં ખેલાડીઓ દબાણ હેઠળ પ્રદર્શન કરવા માટે તૈયાર થાય છે.
મુંબઈ ઈન્ડિયન્સ એક ગુરુકુળ
મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં, સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું કે તિલક વર્મા જેવો યુવા ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરના દબાણને શા માટે સારી રીતે સંભાળી શકે છે. સૂર્યાએ કહ્યું, "આપણે બધા – હું, બુમરાહ, તિલક, રોહિત ભાઈ અને હાર્દિક – ભારત માટે રમતા પહેલા IPL માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમથી રમ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સ એક ગુરુકુળ જેવું છે. મુંબઈ ઇન્ડિયન્સ એક ગુરુકુળ છે જ્યાં તેઓ ખેલાડીઓનો વિકાસ કરે છે. અમે ત્યાં (IPLમાં) આવા દબાણ હેઠળ બેટિંગ કરીએ છીએ, અને જ્યારે અમે ભારત માટે રમીએ છીએ, ત્યારે અમે તે બધા દબાણને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. તેથી, જ્યારે તે ભારત માટે રમ્યો, ત્યારે તે પહેલાથી જ તૈયાર હતો." સૂર્યકુમારે ભારપૂર્વક જણાવ્યું કે તિલક આવી દબાણની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે અજાણ્યો નહોતો, કારણ કે તેણે પહેલા પણ આવી મેચોમાં મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે.
વાસ્તવિક તિલક વર્મા અમને ફાઇનલમાં બતાવ્યો
તિલક વર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ક્ષમતાનો પરિચય ગયા વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન આપ્યો હતો, જ્યાં તેણે સતત 2 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સદી ફટકારી હતી. સૂર્યાએ તિલકને યાદ કરતાં કહ્યું, "જ્યારે અમે દક્ષિણ આફ્રિકામાં હતા અને તેણે 2 સદી ફટકારી હતી, ત્યારે અમને ખબર હતી કે તિલક વર્મા આવી ગયો છે." જોકે, સૂર્યાએ સ્વીકાર્યું કે ફાઇનલની સ્થિતિ તિલકના માનસિક સંયમની સાચી કસોટી હતી. "પરંતુ તેણે અમને ફાઇનલમાં વાસ્તવિક તિલક વર્મા બતાવ્યો. તેણે અમને બતાવ્યું કે વાસ્તવિક તિલક વર્મા કોણ છે."
When the game is done, only the champions will be remembered and not the picture of a 🏆 pic.twitter.com/0MbnoYABE3
— Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2025
શિસ્ત અને સંયમ
તિલક વર્માના પ્રદર્શનની સૌથી પ્રશંસનીય બાબત તેનો સંયમ અને પરિસ્થિતિ મુજબ રમવાની શિસ્ત હતી, જેનો ઉલ્લેખ સૂર્યકુમારે ખાસ કરીને કર્યો. સૂર્યકુમાર યાદવે સમજાવ્યું કે કેવી રીતે તિલકે ફાઇનલમાં પોતાના મનપસંદ શોટ્સ રમવાનું ટાળ્યું: "જો કોઈએ જોયું હોય, તો રિવર્સ સ્વીપ અને સ્વિચ હિટ તેના મનપસંદ શોટ છે. તે તેને એટલો પ્રેમ કરે છે કે તે તેને રમ્યા વિના રહી શકતો નથી. પરંતુ જો તમે નજીકથી જુઓ, તો તેણે ફાઇનલમાં એક પણ વખત આ શોટ રમ્યો ન હતો. તો હું આ શિસ્ત વિશે વાત કરી રહ્યો છું." સૂર્યાના મતે, આટલી નાની ઉંમરે મહત્ત્વની ફાઇનલ મેચમાં પોતાના મનપસંદ અને જોખમી શોટ્સને બાજુ પર મૂકીને ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરવી એ ખરેખર પ્રશંસનીય છે.
આ પણ વાંચો : Viral Afghan girl : ભારતની જીત બાદ આ યુવતી કેમ થઇ રહી છે વાયરલ?


