ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ : ઉસ્માન ગનીએ એક જ ઓવરમાં 45 રન ફટકાર્યા? દિગ્ગજો આશ્ચર્યમાં
- અફધાની ક્રિકેટર ઉસ્માન ગનીએ બનાવ્યો અનોખો રેકોર્ડ
- ઈંગ્લેન્ડમાં રમાયેલી ECS T10 મેચમાં રચ્યો ઈતિહાસ
- એક જ ઓવરમાં 6 સિક્સ સાથે 45 રન બનાવ્યા
- લંડન કાઉન્ટી ક્રિકેટ અને ગિલ્ડફોર્ડ વચ્ચે હતી મેચ
Usman Ghani Record : અફઘાનિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન ઉસ્માન ગનીએ તાજેતરમાં ઇંગ્લેન્ડમાં રમાયેલી એક ECS T10 ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો છે. સામાન્ય રીતે આપણે એક ઓવરમાં છ છગ્ગા ફટકારવાની વાત સાંભળતા હોઈએ છીએ, પરંતુ ગનીએ આનાથી પણ વધુ કમાલ કરી બતાવ્યો. તેણે એક જ ઓવરમાં 45 રન બનાવીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું અને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો.
ઉસ્માન ગનીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ
આ ઘટના 1 ઓગસ્ટના રોજ લંડન કાઉન્ટી ક્રિકેટ ક્લબ અને ગિલ્ડફોર્ડ વચ્ચેની મેચ દરમિયાન બની હતી. લંડન કાઉન્ટી ક્લબ તરફથી ઓપનિંગ કરવા આવેલા ઉસ્માન ગનીએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. મેચની નવમી ઓવરમાં ગિલ્ડફોર્ડના બોલર વિલ એર્નીનો સામનો કરતાં ગનીએ એક પછી એક ધમાકેદાર શોટ્સ ફટકાર્યા. આ ઓવરમાં તેણે 6 + નો-બોલ, 6, 4 + વાઈડ, 6, 4 + નો-બોલ, 6, 0, 6, અને 4 રન બનાવ્યા. આ 45 રનમાંથી 42 રન તો માત્ર ગનીના બેટમાંથી આવ્યા હતા, જ્યારે બાકીના 3 રન નો-બોલ અને વાઈડના રૂપમાં મળ્યા હતા.
અફધાની ક્રિકેટર ઉસ્માન ગનીએ બનાવ્યો અનોખો રેકોર્ડ | Gujarat First#UsmanGhani #T10 #LondonCountyCricket #SportsNews #GujaratFirst pic.twitter.com/VEn2O8SaDG
— Gujarat First (@GujaratFirst) August 2, 2025
43 બોલમાં અણનમ 153 રન
આ રેકોર્ડબ્રેક ઇનિંગ્સમાં ગનીએ માત્ર 43 બોલમાં અણનમ 153 રન ફટકાર્યા હતા, જેમાં 17 છગ્ગા અને 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઈક રેટ 355.81 નો હતો, જે અત્યંત પ્રભાવશાળી છે. તેના ઓપનિંગ પાર્ટનર ઇસ્માઇલ બહરામીએ પણ 19 બોલમાં 61 રનનું યોગદાન આપ્યું હતું. આ બંનેની ધમાકેદાર બેટિંગને કારણે લંડન કાઉન્ટી ટીમે 10 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, ગિલ્ડફોર્ડની ટીમ 155 રન જ બનાવી શકી અને 71 રનથી મેચ હારી ગઈ.
2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ
29 વર્ષીય ઉસ્માન ગની અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના નિયમિત ઓપનિંગ બેટ્સમેન છે, જેમણે 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધી તેણે 17 વન-ડે અને 35 T20 મેચ રમી છે. તેના નામે ODI માં એક સદી અને બે અર્ધસદી છે, જ્યારે T20 ફોર્મેટમાં તેણે ચાર અર્ધસદી સહિત 786 રન બનાવ્યા છે. વર્ષ 2023માં, ગનીએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી બોર્ડમાં "પ્રામાણિક પસંદગી સમિતિ" અને યોગ્ય વ્યવસ્થાપન નહીં થાય, ત્યાં સુધી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેશે.
આ પણ વાંચો : જયસ્વાલની તોફાની બેટિંગ સામે ઈંગ્લેન્ડ કેપ્ટન ઓલી પોપ ડરી ગયો! ભય છુપાવવા અમ્પાયરને કહ્યું જૂઠું


