વિરાટ કોહલી 15 વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં કરશે વાપસી: જાણો શેડ્યૂલ
- 15 વર્ષે Virat Kohli Vijay Hazare માં રમશે: ડીડીસીએની પુષ્ટિ
- કિંગ કોહલી 24 ડિસેમ્બરથી શરૂ થતી વિજય હઝારે ટ્રોફીમાં રમશે
- ડીડીસીએએ દિલ્હી ટીમ માટે તેમની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી
- કોહલી 15 વર્ષના લાંબા ગાળા પછી આ ડોમેસ્ટિક ટ્રોફીમાં વાપસી કરી રહ્યા છે
- તે બેંગલુરુના RCB હોમ ગ્રાઉન્ડ પર ઓછામાં ઓછા 2 મેચ રમશે
Virat Kohli Vijay Hazare : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમી રહ્યા છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ કિંગ કોહલી વિજય હઝારે ટ્રોફીમાં પણ રમતા જોવા મળશે. 50 ઓવરની આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટની શરૂઆત 24 ડિસેમ્બરથી થવા જઈ રહી છે.
ડીડીસીએ (DDCA)ના પ્રેસિડેન્ટ રોહન જેટલીએ કોહલીની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. કોહલી આશરે 15 વર્ષના લાંબા ગાળા બાદ વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હીની ટીમ માટે વાપસી કરવા તૈયાર છે. તો ચાલો જાણીએ કે વિજય હઝારે ટ્રોફીમાં કોહલી ક્યારે અને કઈ ટીમો સામે ટકરાશે.
વિજય હઝારે ટ્રોફીમાં કોહલી કેટલા મેચ રમશે?
વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે રાંચીમાં રમાયેલી પહેલી વન-ડેમાં પોતાની ૫૨મી સદી ફટકારીને 135 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. હવે તેઓ ૩ ડિસેમ્બરના રોજ બીજી મેચમાં ઉતરશે. સાઉથ આફ્રિકા સિરીઝ 6 ડિસેમ્બરના રોજ પૂરી થઈ જશે, જ્યારે ટીમ ઇન્ડિયાની આગામી વન-ડે સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે.
આ સંજોગોમાં, કોહલી વિજય હઝારે ટ્રોફીની લીગ મેચો માટે ઉપલબ્ધ રહેશે. તેઓ આશરે 15 વર્ષ પછી આ ટ્રોફીમાં વાપસી કરી રહ્યા છે. છેલ્લે તેમણે વર્ષ 2010માં વિજય હઝારે ટ્રોફીની મેચ રમી હતી, જેમાં તેમણે દિલ્હીની કેપ્ટનશીપ કરી હતી.
કોહલીનો હોમ ગ્રાઉન્ડ બેંગલુરુમાં ધમાકો
આ ટુર્નામેન્ટમાં બધી ટીમો લીગ સ્ટેજમાં કુલ 7 મેચ રમશે, પરંતુ કોહલી બધી મેચ રમશે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. જોકે, કોહલી દિલ્હી માટે ઓછામાં ઓછા 2 મેચ તો ચોક્કસ રમશે.
દિલ્હીની ટીમ પોતાની બધી લીગ મેચો બેંગલુરુમાં રમશે, જેમાં ૫ લીગ મેચ બેંગલુરુ પાસેના અલુર (Alur) ખાતે અને બે મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ કોહલીની આઈપીએલ ટીમ RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) નું હોમ ગ્રાઉન્ડ પણ છે.
ફિટનેસ અને વર્લ્ડ કપ 2027 માટે તૈયારી
હકીકતમાં, BCCIએ તેના કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ માટે ઘરેલુ ટુર્નામેન્ટ રમવું અનિવાર્ય બનાવ્યું છે. ટેસ્ટ અને T20Iમાંથી નિવૃત્તિ લીધા બાદ કોહલી હવે માત્ર વન-ડે ફોર્મેટ જ રમે છે. આથી, તેઓ પોતાની ફિટનેસ અને ફોર્મને જાળવી રાખવા માટે વિજય હઝારે ટ્રોફીમાં ઉતરશે. આ પગલું તેમનો વર્લ્ડ કપ ૨૦૨૭માં રમવાનો માર્ગ પણ સ્પષ્ટ કરી શકે છે.
કોહલીના લિસ્ટ-A કરિયરની વાત કરીએ તો, તેમણે અત્યાર સુધીમાં 340 લિસ્ટ-A મેચ રમી છે અને તેમાં 15,832 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી 56 સદી અને 83 અર્ધસદી નીકળી છે.
વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬માં દિલ્હીનું સંપૂર્ણ શેડ્યૂલ
વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-૨૬ માટે દિલ્હીની ટીમનું શેડ્યૂલ નીચે મુજબ છે:
દિલ્હીની ટીમ પોતાની પહેલી મેચ 24 ડિસેમ્બરના રોજ આંધ્ર સામે રમશે.
તેઓ ૨૬ ડિસેમ્બરના રોજ ગુજરાત સામે અને 29 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર સામે ટકરાશે.
વર્ષના અંતિમ દિવસે, 31 ડિસેમ્બરના રોજ દિલ્હીનો મુકાબલો ઓડિશા સામે થશે.
નવા વર્ષમાં, 3 જાન્યુઆરીના રોજ દિલ્હી સર્વિસીસ સામે, 6 જાન્યુઆરીના રોજ રેલ્વેઝ સામે રમશે.
લીગ સ્ટેજમાં દિલ્હીની છેલ્લી મેચ 8 જાન્યુઆરીના રોજ હરિયાણા સામે રમાશે.
આ પણ વાંચો : સૈયદ મુશ્તાક અલીમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સદી!