Surat: શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી પામ્યા લોકપ્રિય શિક્ષક ચેતન હિરપરા
- સુરતના લોકપ્રિય શિક્ષક ચેતન હિરપરાની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી થઈ (Best Teacher State Award)
- ચેતન હિરપરાએ પોતાની મહેનત, ધગશ અને લગનથી મહારાજા કેમ્પસને સામાજિક સમરસ બનાવ્યું છે
- મહારાજા કેમ્પસમાં વકીલ, ડોક્ટર, એન્જિનિયર અને સરકારી કર્મચારીઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવવા પડાપડી કરે છે
Surat: ગુજરાત સરકાર દર વર્ષે શિક્ષકોની કામગીરી બિરદાવવા માટે કુલ 30 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક (Best Teacher State Award) એનાયત કરે છે. વર્ષ 2025 માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કુલ 30 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. આ 30 શિક્ષકો પૈકીના એક એટલે સુરત લોકપ્રિય શિક્ષક ચેતન હિરપરા (Chetan Hirpara). ચેતન હિરપરા મહારાજા કેમ્પસ (Maharaja Campus) માં આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક - 334 ના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચેતન હિરપરાની પસંદગી શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક (Best Teacher State Award) માટે કરાય તે સ્વાભાવિક જ છે કારણ કે, તેમનું જીવન કવન જ એટલું પ્રેરણાત્મક છે.
ચેતન હિરપરા વિષયક (Chetan Hirpara)
ચેતન હિરપરાએ વતન છતડિયામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. તેમણે ધોરણ-12 સાયન્સમાં પાસ કર્યા બાદ સ્નાતક (B.Sc.) અને અનુસ્નાતક (M.Sc.) નો અભ્યાસ ભાવનગરમાં કર્યો. તેમને શિક્ષક બનીને સમાજ ઘડતર કરવું હતું તેથી તેમણે ભાવનગરમાંથી જ B.Ed.નો અભ્યાસ પણ કર્યો. અભ્યાસ બાદ જી. જી. ઝડફિયા વિધાલયમાં શરૂઆતમાં શિક્ષક અને પછી આચાર્ય તરીકે ફરજ બજાવી. આ દરમિયાન તેમને વિદ્યાભારતી-ગુજરાત પ્રદેશના વિભાગમંત્રી તરીકે માનદ સેવા કરી. વર્ષ 2009માં સુરત વિસ્તારની જ કામરેજ ખાતેની રામકબીર હાઈસ્કૂલમાં જોડાયા. આ શાળામાંથી ફાજલ પડયા બાદ સરકાર દ્વારા એમને વ.દે. ગલિયારા ઉચ્ચતર માધ્યમિક શાળા-કઠોરમાં મૂકવામાં આવ્યા. અહીં તેમણે નોકરીની સાથે સાથે તેમણે M.A.(Edu) ની ડિગ્રી પણ મેળવી. તેમણે પ્રાથમિક શાળાના આચાર્ય થવા માટેની આચાર્ય અભિયોગ્યતા કસોટી (HTAT) પરીક્ષા વર્ષ 2012 માં પાસ કરી. હવે તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા સંચાલિત શ્રી ગિજુભાઈ બધેકા પ્રા. શાળા-૧૨૨, કમલ પાર્ક, વરાછા ખાતે આચાર્ય (HTAT) તરીકે જોડાયા. વર્ષ 2017 માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત દ્વારા શહેરના ઉત્રાણ વિસ્તારમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક - 334 શરુ કરવામાં આવી. હાલમાં ચેતન હિરપરા આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
મહારાજા કેમ્પસ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત દ્વારા શહેરના ઉત્રાણ વિસ્તારમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક - 334 શરુ કરવામાં આવી હતી. આ શાળા 'મહારાજા કેમ્પસ' તરીકે ઓળખાતા સંકુલમાં આવેલી છે. આ સંકુલમાં વિધાર્થીઓના ધસારાને ધ્યાનમાં લઈ અનુક્રમે શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક - 346, લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક - 355 અને સુમન હાઇસ્કૂલ નં. 19 શરૂ કરવામાં આવી. હાલમાં આ કેમ્પસમાં બાલવાડીથી લઈ ધો. 12 કોમર્સ સુધી અંદાજિત 4200 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ મહારાજા કેમ્પસનું શિક્ષણ અને તેની કાર્યપદ્ધતિ સમગ્ર સુરતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેના મુખ્ય કારણોમાં ચારેય પ્રધાનાચાર્યોનું ઉત્કૃષ્ટ અને પરિણામલક્ષી સંકલન, શાળા વ્યવસ્થાપન સમિતિઓનો સક્રિય ફાળો, વાલીઓ દ્વારા શાળાનાં વિવિધ પ્રકલ્પોમાં અનન્ય યોગદાનનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા લેવાતી NMMS, CGMS, PSE, CET, ચિત્રકામ પરીક્ષા તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લેવાતી સંસ્કૃતિ-જ્ઞાનને લગતી પરીક્ષાઓ જેવી જ્ઞાનવર્ધક અને કૌશલ્યવર્ધક બાહ્ય પરીક્ષાઓમાં આ કેમ્પસનાં વિધાર્થીઓ ગુજરાતમાં ટોપ ટેનમાં હોય છે. કલા અને રમતગમત ક્ષેત્રે પણ આ કેમ્પસનાં વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા મેળવે છે. આ શાળાની ખાસ વિશેષતાઓ વિદ્યાર્થીઓનાં વાલીઓ છે કે જેઓ બાળકોના ઘડતર માટે સતત પ્રયત્નશીલ છે અને તમામ કાર્યક્રમોમાં ખભેથી ખભા મિલાવી ઊભાં હોય છે. આ બાબતની એક અલગ છાપ સમાજમાં છે. તેથી જ પોતાના બાળકને સ્કૂલમાં એડમિશન મેળવવા માટે વકીલ, ડોક્ટર, એન્જિનિયર અને સરકારી નોકરી કરનારા લોકો આવી રહ્યા છે.
શાળા કક્ષાએ સમાજ નિર્માણ માટેના પ્રયત્નો
વર્ષ 2025 માટે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી પામેલા સુરતના લોકપ્રિય શિક્ષક ચેતન હિરપરા સ્પષ્ટપણે માને છે કે, સમાજ નિર્માણ થકી જ આદર્શ રાષ્ટ્ર નિર્માણ કરી શકાય છે. તેથી જ તેમણે શાળા કક્ષાએ જ સમાજ નિર્માણ માટેના અનેક પ્રયત્નો કર્યા છે. તેમણે અનેક યોજના દ્વારા શાળા કક્ષાએ જ સમાજ નિર્માણના સુચારુ પ્રયત્નો કર્યા છે. જેમાં વિદ્યારંભ સંસ્કાર, સુદામા સાયકલ યોજના, માતૃ-વાત્સલ્ય યોજના, સ્વેટર સંજીવની યોજના, જન્મોત્સવ, મહારાજા કેમ્પસ સ્વયંસેવક યોજના, મુષ્ટિધાન યોજના, અન્નદાન યોજના, વડીલોનો વડલો, બાલગોકુલમ, માનવતાની મહેંદીનો સમાવેશ થાય છે. (Best Teacher State Award)
આ પણ વાંચોઃ Independence Day 2025 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં ધ્વજ વંદન કર્યુ, રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી


