મહિલાએ વર્ષ 2001 માં ખરીદેલું કૂકર મેઇન્ટેનન્સ વિના આજે પણ કાર્યરત
- ૨૦૦૧માં ખરીદેલું સૂર્ય કૂકર કોઇ પણ મેઇન્ટેન્સ વિના આજે પણ એવું જ ચાલે છે
- સૂચિતાબેન શાહ દાળભાત, ભરેલી શાકભાજી, ખીચડી, શોલે જેવા વ્યંજનો બનાવવા માટે સવાર – બપોર સૂર્યકૂકરનો ઉપયોગ કરે છે
- સૂર્યકૂકરમાં મલાઇમાંથી ઘી પણ બનાવી શકાય છે અને મગફળીના દાણા પણ શેકી શકાય છે
Solar Cooker : વડોદરાની એક ગૃહિણીએ (Vadodara Home Maker) છેલ્લા ૨૪ વર્ષથી તેમના ‘રસોઇ સહાયક’ તરીકે સૂર્ય કૂકરને (Kitchen Assistant - Solar Cooker) અપનાવ્યું છે. દોઢેક દાયકાથી આ ગૃહિણી રોજ પોતાના ઘરની રસોઇ સૂર્ય કૂકરમાં બનાવે છે. પ્રથમ દ્રષ્ટિએ આ વાત માનવામાં ના આવે પણ, સત્ય છે. વર્ષ 2001 ના સમયગાળામાં તેમણે ખરીદેલું સૂર્ય કૂકર આજે પણ કોઇ પણ મેઇન્ટેન્સ વિના સારી રીતે ચાલે અને ઘરમાં મોટા ભાગની રસોઇ તેમાં જ બને છે.
ચાર ડબ્બા ધરાવતું સૂર્ય કૂકર ખરીદ્યું
સૌરઊર્જાથી ચાલતા સૂર્ય કૂકર (Solar Cooker) આજે વિસરાવાની કગાર ઉપર છે પણ, વડોદરાના સૂચિતાબેન કીર્તનભાઇ શાહ આજે પણ તેમની મોટાભાગની રસોઇ સૂર્ય કૂકરમાં જ બનાવે છે. અહીં સંગમ ચાર માર્ગ ઉપર આવેલા ખાદી ગ્રામ ઉદ્યોગ કેન્દ્રમાંથી તેમણે વર્ષ 2001 ના વર્ષમાં રૂપિયા માત્ર 650 માં ચાર ડબ્બા ધરાવતું સૂર્ય કૂકર ખરીદ્યું હતું.
ચોમાસામાં ત્રણ મહિના કૂકર કામ ના લાગે
આટલા સમય ગાળા દરમિયાનમાં માત્ર બે જ વખત ડબાને કાળો કલર કરવો પડ્યો છે. ચોમાસાના ત્રણ માસને બાદ કરતા બાકીના મહિનાઓમાં આ સૂર્ય કૂકર ચકાચક ચાલે છે. તે તેમના ઘરના ધાબા ઉપર સવારે નવેક વાગ્યે દક્ષિણ દિશામાં સૂર્ય કૂકર (Solar Cooker) મૂકી દે અને ફક્ત બે જ કલાકમાં શાક, દાળભાત કે અન્ય વ્યંજન તૈયાર થઇ જાય છે. સાંજની રસોઇ માટે એકાદ વાગ્યે સૂર્ય કૂકર ફરી ધાબે ચઢી જાય ! સૂર્ય કૂકર ખરીદ્યું ત્યારે તેની સાથે આવેલી માર્ગદર્શક પુસ્તિકમાં આપેલી તમામ વાનગીઓ, વ્યંજનો સૂચિતાબેન શાહ આ સૂર્ય કૂકરમાં બનાવે છે.
ભોજન વધારે સ્વાદિષ્ટ હોય
સૂર્ય કૂકરમાં (Solar Cooker) બનતું ભોજન સ્વાદમાં કેવું હોય છે ? એ પ્રશ્ન થયો સ્વાભાવિક છે. તેનો ઉત્તર આપતા શ્રીમતી શાહ કહે છે, અમારા ઘરે રોટલી, ભાખરી ગેસ સ્ટવ ઉપર બને છે અને શાક, દાળભાત કે ખીચડી સૂર્ય કૂકરમાં બને છે. ગેસ ઉપર બનાવેલા ભોજન કરતા સૌર કૂકરમાં બનેલું ભોજન વધારે સ્વાદિષ્ટ હોય છે. એના કારણે જ અમે આટલા વર્ષોથી આ કૂકર વાપરીએ છીએ.
બળવાની કે દાળ બેસી જવાની ચિંતા રહેતી નથી
સૂચિતાબેન સૂર્યકૂકર (Solar Cooker) વિશે જણાવે છે કે, સૂર્યકૂકરમાં સૂર્યની ધીમી અને સ્થિર ગરમીમાં ખોરાક ક્યારેય બળતો નથી. તે વધારે ગરમીમાં પણ સલામત રહે છે." આ એક એવી ગુણવત્તા છે, જે આધુનિક રસોઈમાં ભાગ્યે જ મળે છે. તમે કોઇ કામે બહાર જાવ છો અને સૂર્ય કૂકર ચઢાવી દીધું તો બળવાની કે દાળ બેસી જવાની કોઇ ચિંતા રહેતી નથી.
આ પ્રક્રિયાથી ઘીનો ઉપયોગ ઓછો
સૂચિતાબેનની સૌથી આશ્ચર્યજનક બાબત તો તેમની લાડુ બનાવવાની રીત છે. તે લાડુનો લોટ, ગોળ/ખાંડ અને ઘી મિશ્ર કરીને ફક્ત સૂર્યકૂકરના (Solar Cooker) ડબ્બામાં મૂકી દે છે. માત્ર બે કલાકમાં, લાડુ વાળવાનું મિશ્રણ તૈયાર! આ પ્રક્રિયાથી ઘીનો ઉપયોગ એટલો ઓછો થાય છે કે કોલેસ્ટ્રોલની સમસ્યા ધરાવતા લોકો પણ મન મૂકીને લાડુનો સ્વાદ માણી શકે છે. મલાઇમાંથી ઘી પણ સૂર્ય કૂકરની મદદથી કાઢી શકાય છે. બટાકા પૌવા બનાવવા કે મગફળીના દાણા તેઓ સૂર્ય કૂકરની મદદથી શેકે છે. સૂર્ય કૂકરમાં શેકેલી મગફળી દેખાવે એવી જ રહે છે. પણ ખાઇએ એટલે ખબર પડે કે તે શેકાયેલી છે ! આ ઉપરથી ખબર પડે છે કે ભોજના પોષક તત્વો અકબંધ રહે છે.
સિલિન્ડર ત્રણથી સાડા ત્રણ માસ સુધી ચાલતું
હાલમાં તેમના ઘરે એલપીજીથી ગેસ આવે છે. પરંતુ, એ પૂર્વેની વાત કરીએ તો સૂર્ય કૂકર (Solar Cooker) વસાવ્યું નહોતું ત્યારે, બે માસે એક ગેસ સિલિન્ડરની જરૂરિયાત રહેતી હતી. આ કૂકરનો ઉપયોગ કર્યા બાદ સિલિન્ડર ત્રણથી સાડા ત્રણ માસ સુધી ચાલતું હતું. વળી, રસોઇ દરમિયાન નીકળતી વરાળ કે ગેસથી આડઅસરથી તેઓ બચી શક્યા છે.
'સૌર ઊર્જા' ના સંકલ્પને ખરા અર્થમાં બળ આપે
સૂચિતાબેન શાહનો આ પ્રયોગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) 'સૌર ઊર્જા' ના સંકલ્પને ખરા અર્થમાં બળ આપે છે. વૈશ્વિક સ્તરે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ દ્વારા સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળી રહ્યું છે, ત્યારે સૂચિતાબેન દેશની લાખો મહિલાઓ માટે એક જ્યોત સમાન છે.
આ પણ વાંચો ------ Jio AI Classroom લોન્ચ, એક પણ રૂપિયો ખર્ચ્યા વગર AI શીખી શકાશે


