જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં ભીષણ આગની ઘટનામાં 20 મુસાફરોના મોત
- જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં ભીષણ આગ
- બસની દુર્ઘટનામાં અત્યાર સુધી 20 લોકોના મોતના સમાચાર
- બસ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારે PM એ સહાયની કરી જાહેરાત
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં 20 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. પોખરણના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય મહંત પ્રતાપ પુરી દ્વારા આ મૃત્યુઆંકની પુષ્ટિ કરવામાં આવી છે. આ ગોઝારો અકસ્માત બપોરે 3:30 વાગ્યે જેસલમેરથી લગભગ 20 કિલોમીટર દૂર થૈયાત ગામ પાસે થયો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે.
જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં ભીષણ આગ
આ અકસ્માતને જોનારા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે બસ બપોરે 3 વાગ્યે 50 થી વધુ મુસાફરો સાથે જેસલમેરથી રવાના થઈ હતી. થૈયાત ગામ પાર કરતા જ બસના પાછળના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું અને ગણતરીની મિનિટોમાં જ આખી બસ ભીષણ આગની લપેટમાં આવી ગઈ હતી. આ દરમિયાન મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. જોકે, ઘણા મુસાફરો તાત્કાલિક બારીઓ અને દરવાજાઓમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.અકસ્માત થતાં જ આસપાસના ગ્રામજનો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે નજીકના પાણીના સ્ત્રોતોમાંથી પાણી અને રેતીનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો.
જેસલમેર બસમાં ભીષણ આગની ઘટના મામલે ફાયર વિભાગે આપી માહિતી
આ ઘટના અંગે ફાયર ઓફિસર પૃથ્વીપાલ સિંહ રાઠોડે માહિતી આપી હતી કે ફાયર બ્રિગેડની ટીમ માહિતી મળ્યાના 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, "જ્યારે અમે પહોંચ્યા, ત્યારે અમને કોઈ જીવતું મળ્યું નહીં જેને અમે બચાવી શક્યા હોત.પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને પીડિતોના પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે.
મૃતકોના પરિવારજનો માટે ₹2 લાખની સહાયની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરની ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "રાજસ્થાનના જેસલમેરમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું." પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનોને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.
આ પણ વાંચો: ભારતમાં 15 ઓક્ટોબરથી US માટે તમામ પોસ્ટલ સેવાઓ ફરી શરૂ થશે, MSME ને થશે મોટો ફાયદો