બાંગ્લાદેશમાં કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 9 લોકોના મોત,8ની હાલત ગંભીર
- Bangladesh Fire: બાંગ્લાદેશમાં કાપડની ફેકટરીમાં લાગી ભીષણ આગ
- ઢાકા સ્થિત મીરપુરના રૂપનગરમાં એક કાપડ ફેક્ટરીમાં લાગી આગ
- આ આગની દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે
બાંગ્લાદેશના ઢાકા સ્થિત મીરપુરના રૂપનગરમાં એક કાપડ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં નવ લોકોનાં મોત થયા છે અને આઠ ઘાયલ થયા છે. કેમિકલ વેરહાઉસમાં બ્લીચિંગ પાઉડર અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા ઝેરી પદાર્થો સંગ્રહાયેલા હતા. અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે ઝેરી ગેસના કારણે મૃત્યુ થયા હશે. ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Bangladesh Fire બાંગ્લાદેશમાં કાપડની ફેકટરીમાં લાગી આગ
બાંગ્લાદેશમાં એક ગારમેન્ટ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં લાગેલી ભીષણ આગના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાજધાની ઢાકાના મીરપુર વિસ્તારમાં આવેલા રૂપનગરના સિયલબારી ખાતે આવેલી 'સરદાર ગારમેન્ટ્સ ફેક્ટરી' અને તેની બાજુના શાહ આલમ કેમિકલ વેરહાઉસ માં મંગળવારે સવારે લગભગ 11: 40 વાગ્યે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત નીપજ્યા છે અને આઠ અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
Bangladesh Fire: ગૂંગળામળથી 9 લોકોના મોતની આશંકા
ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ (FSCD)ના અધિકારીઓએ ગારમેન્ટ ફેક્ટરીના પહેલા અને બીજા માળેથી નવ મૃતદેહો કબજે કર્યા છે. FSCDના અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે ઝેરી ગેસના શ્વાસ લેવાને કારણે આ તમામ લોકોના મોત થયા હશે. આ કેમિકલ વેરહાઉસમાં બ્લીચિંગ પાઉડર, પ્લાસ્ટિકની વસ્તુઓ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા અત્યંત જોખમી રસાયણોનો સંગ્રહ હતો, જેના કારણે આગ વધુ ભયંકર બની હતી અને તેને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલી પડી હતી.
આગની જાણ થતાં જ ફાયર સર્વિસના નવ યુનિટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગારમેન્ટ ફેક્ટરીની આગને નિયંત્રિત કરી લેવાઈ છે, પરંતુ કેમિકલ વેરહાઉસમાંથી રસાયણો લીક થતા હોવાથી આસપાસના વિસ્તારમાં જોખમ હજી પણ યથાવત્ છે.
આ પણ વાંચો: ચીને વિશ્વની સૌથી મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી, જાણો તેની ખાસિયત


