Valsad માં અંધશ્રદ્ધાનો કિસ્સો : બંધ મકાનમાં તાંત્રિક વિધિ કરી ખજાનો શોધવાનો પ્રયાસ, સરપંચે અટકાવ્યો
- Valsad માં અંધશ્રદ્ધાનો કિસ્સો : બંધ મકાનમાં તાંત્રિક વિધિ કરી ખજાનો શોધવાનો પ્રયાસ, સરપંચે અટકાવ્યો
- ઊંટડી ગામમાં તાંત્રિક વિધિનો ખુલાસો : ખાડો ખોદી નારિયેળ મૂકી ખજાનાની અફવા, સ્થાનિકોમાં ભય
- અંધશ્રદ્ધા સામે સરપંચની કાર્યવાહી : વલસાડમાં બલીના આશયથી તાંત્રિક વિધિ અટકાવી
- સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો : વલસાડના બંધ ઘરમાં ખજાનાની શોધમાં તાંત્રિક ક્રિયા
- આદિવાસી વિસ્તારમાં અંધશ્રદ્ધાનો મામલો : ઊંટડીમાં તાંત્રિકને ભગાડી કાયદેસર કાર્યવાહીની તજવીજ
Valsad : વલસાડ તાલુકાના ઊંટડી ગામમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક બંધ મકાનમાં ખજાનો હોવાની માન્યતાને લઈને ઘરમાલિકના કુટુંબીજનો તાંત્રિક વિધિ કરી રહ્યા હતા. આ વિધિમાં ઘરની અંદર 4 ફૂટથી વધુ ઊંડો ખાડો ખોદીને નારિયેળ મૂકીને તાંત્રિક ક્રિયા કરવામાં આવી રહી હતી. ગ્રામજનોના આક્ષેપ પ્રમાણે, આ વિધિ છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલી રહી હતી.
Valsad : ઊંટડી ગામમાં તાંત્રિક વિધિનો ખુલાસો
ગતરોજ બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો. સ્થાનિક આદિવાસીઓમાં આને લઈને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઇન્ચાર્જ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને વિધિને અટકાવી દીધી હતી. તાંત્રિકને પણ ત્યાંથી ભગાડી મુકવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટની ટીમે સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ઇન્ચાર્જ સરપંચ સાથે વાતચીત કરી છે. સરપંચે જણાવ્યું કે, "આ ઘટના ગઈ કાલની છે. અમે સ્થળ પર પહોંચીને તમામ કાર્યવાહી અટકાવી અને તાંત્રિકને ભગાડ્યો હતો. ઘરમાલિકના કુટુંબીજનો દ્વારા આ વિધિ કરવામાં આવી રહી હતી. અમને શંકા છે કે આમાં કોઈ બલી આપવાનો ઇરાદો પણ હોઈ શકે છે." તેમણે વધુમાં કહ્યું કે, સમગ્ર મામલાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઊંટડી ગામમાં અંધશ્રદ્ધાનો આ કિસ્સો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આવી ઘટનાઓને કારણે ગામમાં અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. અધિકારીઓને આવી અંધશ્રદ્ધા સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.


