સેન્ટ્રલ જીએસટીના કલાસ-1 અને કલાસ-2 અધિકારીને ACB Gujarat ની ટીમે 2 હજાર લેતા પકડ્યા
ACB Gujarat : 10-15 હજારનો પગાર ધરાવતા કરાર આધારિત અને આઉટ સોર્સવાળા ગુજરાત સરકાર (Gujarat Government) ના કર્મચારીઓ મોટી રકમની લાંચ લેતા પકડાયાના અનેક દાખલાં છે. ACB Gujarat ની ટીમે વાપી-વલસાડ CGST Office માં ગોઠવેલી એક ટ્રેપમાં કેન્દ્ર સરકારના કલાસ-1 અને કલાસ-2 એમ બે અધિકારીઓ નાની અમથી બે હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. આ ઘટનાની એસીબીએ જાહેરાત કરતાં તે ટોક ઑફ ધ સોશિયલ મીડિયા (Talk of the Social Media) બની ગઈ છે.
ACB Gujarat એ લાંચિયા બાબુને કેવી રીતે પકડ્યા ?
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય (Finance Ministry Central Government) ના રેવન્યુ વિભાગમાં આવતા સેન્ટ્રલ જીએસટી કચેરી (વાપી-વલસાડ) એ ફૂલછોડના કુંડાનો ઑર્ડર આપ્યો હતો. ઑર્ડર અનુસાર 29 હજાર રૂપિયાના ફૂલછોડના કુંડા મોકલી આપનાર વ્યક્તિએ 29 હજારનું બિલ CGST Office Vapi-Valsad માં આપ્યું હતું. બિલ મંજૂર કરવા પેટે અધિકારીઓએ 2 હજાર રૂપિયાની લાંચ માગતા ફરિયાદીએ ACB Gujarat નો સંપર્ક કર્યો હતો. વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન.ગોહિલે (PI S N Gohil) આજરોજ વાપી CGST કચેરી ખાતે ટ્રેપ ગોઠવી હતી. જે ટ્રેપ દરમિયાન એકાઉન્ટ ઑફિસર રવિશંકર ઝા (વર્ગ-1) ની ઉપસ્થિતિમાં તેમની જ ઑફિસમાં આસિ. એકાઉન્ટ ઑફિસર કપિલ જૈને (વર્ગ-2) હેતુલક્ષી વાતચીત કરી 2 હજારની લાંચ સ્વીકારી હતી. આથી Team ACB એ બંનેની ધરપકડ કરી છે.
એસીબીને 2 હજારમાં મોટો શિકાર મળ્યો
માત્ર 2 હજાર રૂપિયાની લાંચ લેવાના મામલામાં સેન્ટ્રલ જીએસટીના કલાસ વન અને કલાસ ટુ એમ બે અધિકારી પકડાતા તેઓ રડવા લાગ્યા હતા. 47 વર્ષીય એકાઉન્ટ ઑફિસર રવિશંકર શ્યામાકાંત ઝા વર્ષ 2006થી સરકારી નોકરીમાં છે અને તેમનો પગાર રૂપિયા 1 લાખ છે. જ્યારે 35 વર્ષીય આસિ. એકાઉન્ટ ઑફિસર કપિલ જૈન વર્ષ 2016થી ફરજ બજાવી રહ્યાં છે અને હાલમાં 80 હજારનો માસિક પગાર મેળવી રહ્યાં છે.


