ગોધરા SRP ગ્રૂપના ASI નો મિત્ર અને સિહોર તાલુકા પંચાયતમાં નોકરી કરતા કૌટુંબિક મામા વતી પોલીસવાળો ભાણો લાંચ લેવા જતાં ACB Trap માં સપડાયો
Gujarat ACB ની બે ટીમે 19 નવેમ્બરના રોજ ગોધરા એસઆરપી ગ્રુપના એએસઆઈ અને અમદાવાદ મ્યુનિ. કૉપો.ના કૉન્ટ્રાક્ટ બેઝ સુપરવાઈઝરને 1.44 લાખની લાંચના છટકા (ACB Trap) માં આબાદ ઝડપ્યા હતા. આ ઘટનાને માંડ બે દિવસ વિત્યાં છે. સિહોર તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે નોકરી કરતા કૌટુંબિક મામા વતી 2 લાખની લાંચ લેવા ગયેલો અમદાવાદનો પોલીસ કૉન્સ્ટેબલ અને તેનો સાથી ACB Trap માં સપડાઈ ગયા છે. આ મામલામાં મુખ્ય આરોપી અને તેનો વહીવટદાર હજુ સુધી Team ACB ના હાથમાં આવ્યા નથી.
ભાઈબંધ વતી લાંચ લેવા જતા મિત્ર ACB Trap માં આવી ગયો
ગોધરા એસઆરપી ગ્રુપ 5 (Godhra SRP Group 5) માં ચાલતી 'ધી કર્મચારી ધિરાણ ગ્રાહક સહકારી મંડળી' ના મંત્રી એવા એએસઆઈ રોશનકુમાર અનિલભાઈ ભુરિયાએ અમદાવાદના વેપારી પાસે 1.44 લાખની લાંચ માગી હતી. અમદાવાદ શહેર ખાતેથી ગિફટ આર્ટિકલ્સનો ધંધો કરતા વેપારીએ ગત સપ્ટેમ્બર મહિનામાં મંડળીના સભાસદોને વાર્ષિક ભેટ આપવા માટે 670 નંગ ગિફ્ટ આર્ટિકલ્સનો ઑર્ડર આપ્યો હતો. આ સમયે એએસઆઈ રોશનકુમાર ભુરિયાએ થોડો ઘણો વ્યવહાર કરવો પડશે તેમ કહ્યું હતું. ગિફ્ટ આર્ટિકલ્સ મોકલી આપતા 8,37,500 રૂપિયાની ચૂકવણી કરી દેવાઈ હતી, પરંતુ બિલની કુલ રકમના 30 ટકા લેખે 2.51 લાખ રૂપિયાની લાંચ રોશન ભુરિયાએ માગતા 97 હજાર રોકડા અમદાવાદ ખાતે ડામોર પ્રિન્સ ઉર્ફે વિક્કી મુકેશભાઈને આપ્યા હતા. બાકી રકમ 1.44 લાખ લેવા માટે રોશન ભુરિયાનો મિત્ર સુપરવાઈઝર સોલિડ વેસ્ટ કલેકશન પૂર્વ ઝોન એએમસી ડામોર પ્રિન્સ ઉર્ફે વિક્કી વેપારીની ઑફિસ જતાં રૂપિયા સ્વીકારતા ACB Trap માં આવી ગયો હતો. જ્યારે રોશન ભુરિયાને Ahmedabad SP Ring Road ઓઢવ વિશાલા એસ્ટેટ ખાતે આવેલા AMC Parking ખાતેથી એસીબીની બીજી ટીમે ઝડપી લીધો હતો. અત્રે નોંધનીય છે કે, રોશન ભુરિયા અને ડામોર પ્રિન્સ ઉર્ફે વિક્કી ઝાલોદ પાસેના ગામડી ગામના વતની છે અને નાનપણના મિત્રો છે.
ભાવનગરના સ્થાને અમદાવાદમાં લાંચ લેવાતા બોડકદેવનો કૉન્સ્ટેબલ ભેરવાયો
ફરજ દરમિયાન કૌભાંડ કરનારા કરાર આધારિત કલસ્ટર કૉ ઑર્ડિનેટરને પુનઃ નોકરી આપવા ભાવનગરની સિહોર તાલુકા પંચાયત (Sihor Taluka Panchayat) માં વિસ્તરણ અધિકારી દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણે લાંચ માગી હતી. દશરશ ચૌહાણે તેના ખાનગી વહીવટદાર વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલ વતી પૂર્વ કલસ્ટર કૉ ઑર્ડિનેટરને પુનઃ નોકરી, બાકી પગાર આપવા તેમજ પોલીસ ફરિયાદ નહીં કરવા પેટે 2 લાખ લાંચ માગી હતી. પૂર્વ કલસ્ટર કૉ ઑર્ડિનેટર લાંચ આપવા તૈયાર નહીં હોવાથી તેમણે એસીબી અધિકારીનો સંપર્ક કર્યો હતો. એસીબીના ફરિયાદી કામ અર્થે અમદાવાદ ખાતે આવ્યા હોવાની જાણ થતાં લાંચિયો દશરથ ચૌહાણ 2 લાખની લાંચ લેવા ઉતાવળીયો બની ગયો હતો. ફરિયાદી અમદાવાદના પ્રહલાદનગર ખાતે આંખની હૉસ્પિટલમાં હાજર હતા તે સમયે દશરથ ચૌહાણે બોડકદેવ પોલીસ સ્ટેશન (Bodakdev Police Station) માં કૉન્સ્ટેબલ તરીકે નોકરી કરતા કૌટુંબિક ભાણાને 2 લાખ લેવા મોકલ્યો હતો. કૉન્સ્ટેબલ રૂતુરાજસિંહ ધીરૂભાઈ પરમાર એક ખાનગી વ્યક્તિ જીગર ઠક્કરને લાંચ લેવા સાથે લઈ ગયા હતા. કૉન્સ્ટેબલ રૂતુરાજ પરમારના કહેવાથી જીગર ઠક્કરે 2 લાખ સ્વીકારતાની સાથે બંને જણા ACB Trap માં આવી ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી દશરશ ચૌહાણ અને વિરેન્દ્ર ગોહેલ લાંચ કેસની જાણ થતાં ફરાર થઈ ગયા છે.
આ પણ વાંચો - ફરજ પર તણાવ! ઝાલોદના BLO ની તબિયત લથડી, હોસ્પિટલમાં ખસેડાયા