Kutch : સોનાના દાગીના અને લાખો રૂપિયા ઘરેથી ચોરી ભાગી રહેલાં બે મિત્રોને ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ ખાતેથી પકડ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch Ahmedabad) ની એક ટીમ સોમવારની સાંજે એક અલગ જ મિશન પર હતી. મિશન હતું Kutch ખાતેથી ભાગી નીકળેલા બે મિત્રોને શોધી કાઢી તેમના પરિવાર સુધી પહોંચાડવાનું. બીજી એક વાત એવી હતી કે, કચ્છ છોડીના નાસી ગયેલા મિત્રો પાસે લાખો રૂપિયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સંદેશો મળ્યાના સવા કલાકમાં જ ભાગદોડ કરીને એરપોર્ટ ખાતેથી બંને મિત્રો તેમજ રોકડ/સામાન સાથે ઝબ્બે કર્યા.
Kutch Police એ કેમ કર્યો ક્રાઈમ બ્રાંચનો સંપર્ક ?
કચ્છના ભુજ શહેર (Kutch Bhuj) માં રહેતા એક યુવક અને સગીર (18 વર્ષથી નાની વય) ના બે મિત્રો સોમવારથી ગુમ થઈ ગયા હતા. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Bhuj A Division Police Station) ખાતે સોમવારની સાંજે સાતેક વાગે ગુમ થયેલા યુવક અને સગીરના પરિવારજનોએ જાહેરાત કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ (PI A M Patel) ને જાણવા મળ્યું હતું કે, ઘરેથી નાસી ગયેલા બંને મિત્રો સોનાના બિસ્કીટ, દાગીના અને લાખો રૂપિયા ચોરી કરી સાથે લઈ ગયા છે. આથી PI A M Patel એ બંને મિત્રોના મોબાઈલ ફોન નંબરના આધારે તેમના લૉકેશન મેળવતા તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા હોવાની જાણકારી મળી હતી. પીઆઈ પટેલની બેચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એલ. સાળૂંકે (PI M L Salunke) અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે ફરજ બજાવતા હોવાથી રાતે 8.30 કલાકે તેમનો સંપર્ક કરી સમગ્ર વાતથી વાકેફ કર્યા અને મદદ માગી.
આ પણ વાંચો -Gujarat ACB ના ઇતિહાસમાં ડિજિટલ કરપ્શનનો પ્રથમ કેસ, ક્યૂઆર કૉડ મોકલી તલાટીએ લાંચ લીધી
ક્રાઈમ બ્રાંચ કેવી રીતે પહોંચી બંને મિત્રો સુધી ?
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને માહિતી મળતાની સાથે જ પીઆઈ સાળૂંકેએ પથિક સૉફટવેર (Pathik Software) ની મદદથી બંને મિત્રો ક્યાં રોકાયા હતાં તેની માહિતી મેળવી લીધી. એક ટીમને હૉટલ ખાતે દોડાવવામાં આવી, પરંતુ બંને મિત્રો થોડીક જ મિનિટો અગાઉ ત્યાંથી નીકળી ગયા હતા. હૉટલ સંચાલકની પૂછપરછમાં બંને મિત્રો એરપોર્ટ ખાતે ગયા હોવાની માહિતી મળી હતી. કારણ કે, હૉટલ સંચાલકની મદદથી જ તેમણે એર ટિકિટ ખરીદી હતી. એર ટિકિટની માહિતી હાથ લાગતાં વેંત ટીમ ક્રાઈમ બ્રાંચે (Team Crime Branch) તુરંત એરપોર્ટ ડી સ્ટાફને દોડતો કર્યો. જો કે, બંને મિત્રો બોર્ડિંગ પાસ મેળવીને સિક્યુરિટી ચેક ઈન સુધી પહોંચી ગયા હતા. જેથી CISF ની મદદથી બંનેને રાતે પોણા દસ વાગે એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા તેમજ તેમનો સામાન પણ પરત મગાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -Gujarat High Court ના લાઈવ સ્ટ્રીમીંગનો વીડિયો વાયરલ થયો, ચાંદખેડા PI ને હાઇકોર્ટે ઝાટક્યા
ભુજ પોલીસ અને પરિવારજનો બંનેને લઈ ગયા
સમગ્ર મામલો Kutch ના ભુજ ખાતેનો હોવાથી બંને મિત્રોને તેમના માતા-પિતા અને ભુજ પોલીસના બે કર્મચારીઓને સોંપવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઘરેથી ભાગી નીકળેલા બિલ્ડર પુત્ર સહિતના બંને જણા અગાઉ પણ આવી હરકત કરી ચૂક્યાં છે. મોજશોખના રવાડે ચઢેલા બંને મિત્રો પૈકી એકે ઘરેથી લાખો રૂપિયા અને માતાના દાગીના /બિસ્કીટ ચોરી કર્યા હતા. વિમાન માર્ગે મોજશોખ કરવા નીકળેલા યુવકે કચ્છ ભુજ છોડતા પહેલાં સોનાના બિસ્કીટ/દાગીના સહિતની કેટલીક મતા તેના મિત્રને સાચવવા આપી હતી અને લાખો રૂપિયા પોતાની સાથે રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભુજ પોલીસે બંને મિત્રોની પુછપરછ આરંભી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


