Ahmedabad News: BJP MLA અને કોર્પોરેટરને કડવો અનુભવ, નિકોલમાં સ્થાનિકોએ હિસાબ માંગ્યો
- BJP ના સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો
- ચોમાસામાં થયેલ હાલાકીને લઈ લોકોમાં જોવા મળ્યો આક્રોશ
- MLA બાબુભાઈ જમનાદાસ પટેલ પણ હતા હાજર
Ahmedabad News: BJP MLA અને કોર્પોરેટરને કડવો અનુભવ થયો છે. જેમાં સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. નિકોલ વિસ્તારમાં સ્થાનિક લોકોએ કામનો હિસાબ માંગ્યો છે. ચોમાસામાં થયેલ હાલાકીને લઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. BJP MLA બાબુભાઈ જમનાદાસ પટેલ પણ હાજર હતા. જેમાં પાણી નિકાલનું નિરાકરણ આવ્યું ના હોવાની રજૂઆત કરાઇ હતી.
માત્ર મત લેવા માટે આવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો
માત્ર મત લેવા માટે આવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તથા MLA એ સમસ્યા લેખિતમાં આપવાની રજૂઆત કરી છે. જેમાં ભાજપના MLA-કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો છે. નિકોલમાં નેતાઓ રાઉન્ડમાં આવતા જ લોકોએ સ્મશાન, ફોન ન ઉઠાવતા સહિતના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા બાદ હવે દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના કોર્પોરેટરોને પ્રજાજનોએ પોતાનો રોષ ઠાલવ્યો છે.
BJPના MLA સહિતના નેતાઓ રાઉન્ડમાં નીકળ્યા
નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ રાઉન્ડમાં નીકળ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, કોર્પોરેટર બળદેવભાઈ પટેલ ફોન ઉપાડતા નથી. સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા. જે અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
BJP કોર્પોરેટર બળદેવ પટેલ અને MLA બંને ઉગ્ર થઈ ગયા હતા
લોકોએ એકબાદ એક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો, જેને લઇને એક તબક્કે કોર્પોરેટર બળદેવ પટેલ અને ધારાસભ્ય બંને ઉગ્ર થઈ ગયા હતા. પરંતુ છેવટે ધારાસભ્યએ તમારે કોઈ કામ હોય તો મને મળવા આવવાનું, ફોન કરવાનો એવું કહીને શાંત પાડ્યા હતા. પ્રજાજનોને રોડ, પાણી, ગટર, સફાઈ અને લાઈટની સુવિધાના કામો કર્યા છે, તે જણાવવાની જગ્યાએ કોર્પોરેટર બળદેવ પટેલ લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યા એવું બધું બતાવવા લાગ્યા હતા.
પ્રજાની વાત ન સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો
પ્રજાની વાત ન સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. કોર્પોરેટરોની કામગીરીને લઈને નારાજગી જોતા એક તબક્કે ધારાસભ્ય પણ ત્યાંથી કોર્પોરેટરોને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજથી 3 વર્ષ પહેલાં નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલને કૃષ્ણનગર વિસ્તારમાં ટીપી સ્કીમના અમલીકરણ મામલે લોકોએ કારમાંથી ઉતારી જાહેરમાં માર માર્યો હતો.


