AHMEDABAD PLANE CRASH સમયે પાયલટનો ATC ને સંદેશ, 'મે ડે,.... અમે નહીં બચીએ'
- અમદાવાદ પ્લેન ક્રેશમાં પાયલોટનો અંતિમ મેસેજ સામે આવ્યો
- પાવર ઓછો થઇ રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
- આ મામલાની તપાસ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તપાસ બેસાડાઇ
AHMEDABAD PLANE CRASH : અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં પાઇલટ સુમિત સભરવાલ (AIR INDIA PILOT SUMIT SABHARWAL) દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને મોકલવામાં આવેલ છેલ્લો સંદેશ બહાર આવ્યો છે. તેમના અંતિમ મેસેજમાં સુમિત, મેડે, મેડે, મેડે..... થ્રસ્ટ મળતું નથી, પાવર ઓછો થઇ રહ્યો છે, વિમાન ઉપર નથી આવી રહ્યું, અમે નહીં બચીએ, તેમ કહી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં મેઘાણીનગરના આઇજીપી ગ્રાઉન્ડ નજીક પ્લેન ક્રેશ થઇને પડે છે. જે હોસ્ટેલ બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું તેમાં 34 લોકોના મોત થયા છે. આ દરમિયાન, મૃત્યુઆંક 275 પર પહોંચી ગયો છે. વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા.
ખડગે આજે અમદાવાદ જશે
આજે શનિવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદની મુલાકાત લેનાર છે. આ મુલાકાત દરમિયાન તેઓ ઘટના સ્થળની મુલાકાત લેશે અને મૃતકોના સંબંધીઓને મળશે. અગાઉ પીએમ મોદી પણ અમદાવાદ પહોંચ્યા હતા, અને તેમણે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી, ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ પણ ગયા હતા, જ્યાં તેઓ અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફર રમેશ કુમાર વિશ્વાસને પણ મળ્યા હતા.
માર્ગદર્શિકા આપશે
બીજી તરફ આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ અકસ્માતોને રોકવા માટે બનાવવામાં આવેલી હાલની માનક સંચાલન પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે. આ સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શિકા આપશે.
જે બન્યું તે અવિશ્વસનીય છે
આ અકસ્માત અંગે ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે 12 જૂન ગ્રુપ માટે સૌથી કાળો દિવસ હતો. તેમણે કર્મચારીઓને લખેલા પત્રમાં આ વાત કહી છે. તેમણે લખ્યું કે, જે બન્યું તે અવિશ્વસનીય છે અને આપણે બધા દુઃખ અને આઘાતમાં છીએ. એક પણ વ્યક્તિને ગુમાવવી એ ખૂબ જ દુઃખદ છે. આ ટાટા ગ્રુપના સૌથી કાળા દિવસોમાંનો એક છે. અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે ભારત, બ્રિટન અને અમેરિકાની તપાસ એજન્સીઓ અમદાવાદ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે તપાસમાં જે કંઈ બહાર આવશે તે પારદર્શિતા સાથે શેર કરવામાં આવશે.
આ પણ વાંચો --- AHMEDABAD PLANE CRASH ની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના


