Ahmedabad Rain: શહેરમાં વરસાદી માહોલ, વિવિધ વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ
- Ahmedabad Rain: વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે
- વરસાદી માહોલમાં વિઝિબિલિટી પર અસર જોવા મળી
- ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા
Ahmedabad Rain: અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં શહેરના SG હાઇવે પર હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. તેમજ વરસાદી માહોલમાં વિઝિબિલિટી પર અસર જોવા મળી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ છે. જેમાં ખોખરા , મણિનગર, ઇસનપુર વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ છે. જોકે વરસાદની ગતિમાં સમયાંતરે વધ -ઘટ જોવા મળી રહી છે.
આજે સવારથી જ અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
આજે સવારથી જ અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના વટવા વિસ્તારમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અમદવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવાની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના અમરાઈવાડીથી જશોદાનગર જવાના રોડ પર પણ પાણી ભરાયા છે. વરસાદના પાણી ભરાવવાને કારણે ત્યાંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, અમરાઈવાડીમાં વર્ષોથી પાણીનો નિકાલ થતો નથી. પાણી નિકાલ માટે વારંવાર ફરિયાદ કરી પણ કોઈ ઉકેલ આવતો નથી.
Ahmedabad Rain: નારોલ પાસે આવેલી મોની હોટલ પાસેનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થયો
નેશનલ હાઈવે 8 પર પણ પાણી ભરાયા છે. ત્યારે નારોલ પાસે આવેલી મોની હોટલ પાસેનો સર્વિસ રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. અંદાજિત 500 મીટર જેટલા રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. વાહન ચાલકો મુખ્ય હાઈવે પર રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે. તેમજ વિઝિબિલિટી ઓછી હોવાથી હાઈવે પર અકસ્માતનો ભય જોવા મળ્યો છે. સરસપુર વિસ્તારમાં પણ વોરાના રોજા પાસે પાણી ભરાયા હતા. જોકે અહીં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ રીતે પાણી ભરાવવાની સમસ્યા જોવા મળે છે. છતાં આ સમસ્યાનું કંઈ નિરાકરણ આવતું નથી. વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે.
ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો
ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 25 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


