Ahmedabad: રામ-સીતાનું 'ટેટૂ' પરિવારને જોડતો 'સેતુ'! ફિલ્મી નહીં બલકે આ છે રિયલ કહાની
- Ahmedabad થી યુપીના બાંદા જિલ્લામાં આવેલા થનૈલ ગામનું અંતર આશરે 1400 કિલોમીટર
- ગામમાં રહેતા પંકજ યાદવ અને નિરજ યાદવ ગાઢ મિત્રો હતા
- પંકજ જન્મથી બોલી કે સાંભળી શકતો નહતો
Ahmedabad: રામ-સીતાનું 'ટેટૂ' પરિવારને જોડતો 'સેતુ'! ફિલ્મી નહીં બલકે આ રિયલ કહાની છે. અમદાવાદથી યુપીના બાંદા જિલ્લામાં આવેલા થનૈલ ગામનું અંતર આશરે 1400 કિલોમીટર છે. ગામમાં રહેતા પંકજ યાદવ અને નિરજ યાદવ ગાઢ મિત્રો હતા. પંકજ જન્મથી બોલી કે સાંભળી શકતો નહતો. બન્ને નજીકમાં એક મેળામાં મહાલવા ગયા હતા. જાણો આગળની ઘટના....
વર્ષો પહેલા હિન્દી ફિલ્મોમાં જોવા મળતી કહાની જેવો કિસ્સો
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વર્ષો પહેલા હિન્દી ફિલ્મોમાં જોવા મળતી કહાની જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આજથી 16 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાંથી ગુમ થયેલા યુવકનું એક ટેટૂના આધારે તેના પરિવાર સાથે મિલન થયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બાંદા જિલ્લાના નારાયણી તાલુકાના થનૈલ ગામમાં રહેતો પંકજ ઉર્ફે રાહુલ યાદવ આજથી 16 વર્ષ પહેલા ઘરેથી ભાગીને ટ્રેનમાં બેસી ગયો હતો. ટ્રેનમાં પંકજ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ગયો હતો, જ્યાં થોડા દિવસ તે ભટકતો રહ્યો હતો. આ દરમિયાન રેલવે પોલીસની નજર પંકજ પર પડી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, પંકજ બોલી કે સાંભળી શકતો નથી. આથી રેલવે પોલીસે પંકજને નવરંગપુરા પોલીસ સ્ટેશન નજીક આવેલ બહેરા-મુંગાની શાળામાં દાખલ કરાવી દીધો હતો. છેલ્લા 7 વર્ષથી પંકજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ રહેતો હતો. તેના ભોજન, કપડા સહિત અન્ય જરૂરિયાતોનો ખર્ચ પણ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ ઉઠાવતો હતો.
Ahmedabad: નીરજે પંકજના હાથ પર રામ-સીતાનું ટેટુ જોતા તેને ખાતરી થઈ ગઈ
થોડા સમય પહેલા નવરંગપુરાની મુસ્લિમ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નીરજ યાદવની નજર પંકજ પર પડી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશન નજીક ચાની કિટલી પર નીરજે પંકજના હાથ પર રામ-સીતાનું ટેટુ જોતા તેને ખાતરી થઈ ગઈ કે, આ તેનો બાળપણનો મિત્ર છે. આથી નીરજે નવરંગપુરા પોલીસને જાણ કરી કે, આ ટેટુ અમે બન્નેએ વર્ષો પહેલા ગામના મેળામાં એકસાથે બનાવડાવ્યું હતુ. આખરે નવરંગપુરા પોલીસે પંકજના પરિવારજનોને ફોન પર સંપર્ક સાધ્યો અને વીડિયો કોલ દ્વારા પુષ્ટિ પણ કરાવી હતી.
જે બાદ નવરંગપુરા પોલીસે પંકજના પરિવારને અમદાવાદ બોલાવતા તેનો મોટો ભાઈ નાથુ યાદવ આવ્યો હતો. જે પોતાના ભાઈ પંકજને પોતાની સાથે ઘરે લઈ ગયો હતો.
હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને નવરંગપુરા પોલીસની પ્રસંશા કરી
આ ઘટનામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને નવરંગપુરા પોલીસની પ્રસંશા કરી છે. તેમણે લખ્યું છે કે, નવરંગપુરા અમદાવાદ પોલીસે 7 વર્ષથી સંભાળ રાખેલ એક મૂંગા-બહેરા દિવ્યાંગ વ્યક્તિને તેમના પરિવાર સાથે ફરીથી જોડીને અદ્ભુત માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. એક ટેટૂએ જાદુ કર્યો! પોલીસને તેમની સમર્પણ ભાવના માટે સલામ....
આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરની પાનોલી GIDC માં ભીષણ આગનો બનાવ, આખું ગામ ભડકે બળ્યું હોય એવા ભયંકર દૃશ્યો