Ahmedabad Seventh day School હત્યા કેસમાં શાળાએ લીધો આ નિર્ણય
- Seventh day School: મણિનગર, ખોખરાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ
- ગઇકાલે શાળા અને દુકાનો બંધ રાખવાના વાયરલ મેસેજ બાદ નિર્ણય લેવાયો
- તકેદારીના ભાગરૂપે શાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Ahmedabad Seventh day School: અમદાવાદના મણિનગર, ખોખરાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદની પરિસ્થિતિને લઈ નિર્ણય લેવાયો છે. ગઇકાલે શાળા અને દુકાનો બંધ રાખવાના વાયરલ મેસેજ બાદ નિર્ણય લેવાયો છે. મણીનગર, ખોખરાની શાળા સંચાલકોએ શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે. તથા જે વિદ્યાર્થીઓ શાળામાં આવી રહ્યાં છે તેમને પરત મોકલાઈ રહ્યાં છે. તેમજ તકેદારીના ભાગરૂપે શાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાની ઘટનાએ શહેરમાં હડકંપ મચાવ્યો
ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાની ઘટનાએ શહેરમાં હડકંપ મચાવ્યો છે. પ્રાથમિક તપાસમાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના પગલે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ રાજ્યના શિક્ષણ વિભાગમાં વિગતવાર રિપોર્ટ સબમિટ કર્યો છે. આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્તના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કીની નજીવી બાબતે ઝઘડો થયો
19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કીની નજીવી બાબતે ઝઘડો થયો, જે દરમિયાન ધો. 8ના સગીર વિદ્યાર્થીએ નયન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. ઇજાગ્રસ્ત નયનનું 20 ઓગસ્ટની સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું. DEOની તપાસમાં જાણવા મળ્યું કે ઘટનાને છુપાવવાનો પ્રયાસ થયો હતો.
સમયસર સારવારમાં બેદરકારી થઇ
સ્કૂલે આ ઘટના વિશે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને તાત્કાલિક જાણ કરી ન હતી, જે નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. સમયસર સારવારમાં બેદરકારી થઇ છે. ઘટના બાદ નયનને તાત્કાલિક સારવાર આપવામાં નિષ્ફળતા દાખવવામાં આવી, જેના કારણે તેની સ્થિતિ વણસી. ભૂતકાળની ઘટનાઓ પર પણ પડદો પાડ્યો હતો. સેવન્થ ડે સ્કૂલમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની હતી, પરંતુ શાળા મેનેજમેન્ટે આવી ઘટનાઓને છુપાવીને કોઈ નક્કર પગલાં લીધાં ન હતાં.
DEOની કાર્યવાહી
જિલ્લા શિક્ષણ અધિકારીએ સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને નોટિસ જારી કરી છે, અને ઘટનાના સીસીટીવી ફૂટેજ, ઘટનાનો વિગતવાર રિપોર્ટ અને સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અંગેની માહિતી સબમિટ કરવા આદેશ આપ્યો છે. DEOએ રાજ્યના શિક્ષણ વિભાગને સબમિટ કરેલા રિપોર્ટમાં સ્કૂલની બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સેવન્થ ડે સ્કૂલને થોડા દિવસો માટે પ્રત્યક્ષ (ઓફલાઈન) શિક્ષણ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનાને પગલે અમદાવાદ શહેરની અન્ય શાળાઓને પણ વિદ્યાર્થી સુરક્ષા બાબતે કડક તાકીદ કરવામાં આવી છે. DEOએ તમામ શાળાઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા, સીસીટીવી સિસ્ટમને અદ્યતન રાખવા, અને કોઈપણ ઘટનાની તાત્કાલિક જાણકારી વહીવટી તંત્રને આપવા આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગે આવી ઘટનાઓ નિવારવા માટે શાળાઓમાં વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્ય કાઉન્સેલિંગ અને શિસ્તની નીતિઓને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો: Gujarat Rain: મહારાષ્ટ્ર બાદ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ