Ahmedabad : CEPT યુનિવર્સિટી નગરપાલિકાઓનો કરશે અભ્યાસ
- વિકસિત ભારત પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાશે સંશોધન
- નગરપાલિકાઓમાં સ્ટાફની ઘટ સૌથી મોટો પડકાર
- પ્રતિનિધિઓના અભાવે કેટલું નુકસાન થાય છે તેનો પણ રિપોર્ટ આપશે
અમદાવાદની CEPT યુનિવર્સિટી નપાનો અભ્યાસ કરશે. વિકસિત ભારત પ્રોજેક્ટ અંતર્ગત સંશોધન હાથ ધરાશે. જેમાં નગરપાલિકાઓમાં સ્ટાફની ઘટ સૌથી મોટો પડકાર છે. હાલની વ્યવસ્થામાં નાણાંના ઉપયોગ અંગે અભ્યાસ કરવામાં આવશે. તથા પ્રતિનિધિઓના અભાવે કેટલું નુકસાન થાય છે તેનો પણ રિપોર્ટ કરવામાં આવશે.
રાજ્યની નગરપાલિકાઓમાં સ્ટાફના ઘટના કારણે સૌથી મોટો પડકાર
અમદાવાદની CEPT યુનિવર્સિટી દ્વારા રાજ્યની નગરપાલિકાઓને લઈને એક મહત્વપૂર્ણ અભ્યાસ અને સંશોધન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષા વિભાગ હેઠળ વિકસિત ભારત પ્રોજેક્ટ અંતર્ગત આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. જે અનુસંધાને CEPT યુનિવર્સિટી રાજ્યની 32 નગરપાલિકાઓનો અભ્યાસ કરશે. CEPT યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ દ્વારા શરૂ કરાયેલ અભ્યાસમાં પ્રારંભિક તબક્કે એક મહત્વપૂર્ણ બાબત ધ્યાને આવી છે જે સૌથી મહત્વપૂર્ણ છે. પ્રારંભિક તબક્કે શરૂ કરાયેલ અભ્યાસમાં સામે આવ્યું છે કે રાજ્યની નગરપાલિકાઓમાં સ્ટાફના ઘટના કારણે સૌથી મોટો પડકાર છે.
ચૂંટાયેલ પ્રતિનિધિઓ ન હોવાના કારણે નગરપાલિકાઓને નુકસાન થાય છે
આ ઉપરાંત ધ્યાને આવ્યું છે કે નગરપાલિકાઓમાં ઉપરી અધિકારીઓની અવારનવાર ટૂંકા સમયે ગાળા દરમિયાન બદલી કરી દેવામાં આવતી હોય છે, જેના કારણે જે તે શહેર કે વિસ્તારમાં વિકાસના કામમાં વિલંબ સર્જાતો હોય છે. આગામી નગરપાલિકાઓના વિકાસ સંદર્ભે શું થવું જોઈએ અને તેના માટે ફંડ કેવી રીતે મેળવી શકાય તે માટે પણ સલાહ સૂચન સંશોધન બાદ આપવામાં આવશે.
રિપોર્ટમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સંકલન અંગે પણ અભ્યાસ કરવામાં આવશે
નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર દ્વારા તો આર્થિક સહાય કરવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિક સ્તરે અલગ અલગ પ્રકારના આવકના સ્ત્રોત ઊભા કરી અને હાલની વ્યવસ્થામાં કઈ રીતે નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ શકે અંગે પણ અભ્યાસ કરવામાં આવશે. ચૂંટાયેલ પ્રતિનિધિઓ ન હોવાના કારણે નગર પાલિકાઓને કેટલું નુકસાન થાય છે એ પણ રિપોર્ટમાં જણાવાશે. આ રિપોર્ટમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સંકલન અંગે પણ અભ્યાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: Surat : મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો, સુસાઈડ નોટ આવી સામે


