અમદાવાદના ઘોડાસર બ્રિજ હત્યા કેસ પોલીસે કર્યો સોલ્વ ; સગીર હત્યારાની ધરપકડ- જાણો કેમ કર્યું મર્ડર
- અમદાવાદના ઘોડાસર બ્રિજ હત્યા કેસમાં સગીર આરોપીની ધરપકડ : પૈસાના ઝઘડામાં ચાકુના ઘા મારી હત્યા
- અમદાવાદના ઘોડાસર બ્રિજ હત્યા કેસ પોલીસે કર્યો સોલ્વ ; સગીર હત્યારાની ધરપકડ- જાણો કેમ કર્યું મર્ડર
- થોડા દિવસ અગાઉ ઘોડાસર બ્રિજ નીચેથી મળી આવ્યો હતો મૃતદેહ; પોલીસે શરૂ કરી હતી તપાસ
- મૃતદેહ મળી આવતા પોલીસ બેડામાં થઈ હતી દોડધામ; બે દિવસમાં થઈ હતી બીજી હત્યા
અમદાવાદ : અમદાવાદના ઘોડાસર બ્રિજ નીચે રવિવાર, 24 ઓગસ્ટ 2025ના રોજ બનેલી હત્યાની ઘટનામાં ઇસનપુર પોલીસે એક સગીર આરોપીની ધરપકડ કરી છે. મૃતક જાવીદ ખાન ઉર્ફે કલ્લુ જમીરખાન પઠાણ (30)ની ચાકુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજ અને ગુપ્તચર માહિતીના આધારે આરોપી સગીરને ઝડપી પાડ્યો છે, જે બ્રિજ નીચે ભંગાર વેચવાનું કામ કરે છે. હત્યા પાછળનું કારણ મૃતકની વારંવાર પૈસા માંગવાની આદત અને આરોપી સાથેનો ઝઘડો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ઘોડાસર બ્રિજ નીચે રવિવારે સવારે જાવીદ ખાન ઉર્ફે કલ્લુ જમીરખાન પઠાણનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ઇસનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મૃતક અને આરોપી છેલ્લા છ-સાત મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા. બંને ઘોડાસર બ્રિજ નીચે રહેતા હતા. મૃતક જાવીદ ખાન છેલ્લા બે-ત્રણ વર્ષથી અમદાવાદના અલગ-અલગ બ્રિજ નીચે રહેતો હતો અને તેની પૈસા માંગવાની આદત હતી.
આ પણ વાંચો- ગડ્ડી ગેંગનો આતંક ખત્મ : સુરત પોલીસે ચાનું સ્ટોલ તો શાકભાજીનો લગાવ્યો ઠેલો; ત્રણને ઝડપી પાડ્યા
પૈસાની લેવડ-દેવડના કારણે મર્ડર
પોલીસની પૂછપરછમાં આરોપી સગીરે કબૂલ્યું કે જાવીદ ખાને તેની પાસે વારંવાર પૈસાની માંગણી કરી હતી, જેમાં અગાઉ 2,000થી 3,000 રૂપિયા આપ્યા હતા. રવિવારે ફરી એકવાર પૈસાની માંગણીને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી જે કાયદાના સંઘર્ષમાં રહેલો સગીર (17 વર્ષ) છે, તેણે ગુસ્સામાં આવીને રવિવારી બજારમાંથી ખરીદેલી છરી વડે જાવીદના ગળા અને પેટના ભાગે ઘા મારી હત્યા કરી હતી.
આરોપી સગીર બ્રિજ નીચે રહીને ભંગાર વેચવાનું કામ કરે છે અને તેણે માત્ર 2-3 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલો છે અને તેની પાસે અગાઉના કોઈ ગુનાહિત રેકોર્ડની વિગતો નથી, પરંતુ તેનું આવેગજન્ય વર્તન અને પૈસાની તંગીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ઇસનપુર પોલીસે ઘટનાસ્થળે લાગેલા CCTV ફૂટેજ અને સ્થાનિક ગુપ્તચર માહિતીના આધારે આરોપીની ઓળખ કરી હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો- ગિરનાર અંબાજી શક્તિપીઠ મંદિરના મહંત વિવાદમાં નવો વળાંક : નવા મહંતની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ


