Nepal માં રાજકિય સંકટ વચ્ચે યુવાવર્ગ આ નેતાને PM તરીકે જોવા માંગે છે! જાણો તેમના વિશે
- Nepal માં Gen-Zના હિંસક પ્રદર્શનના લીધે સ્થિતિ બેકાબૂ
- દેશમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવતા સ્થિતિ વણસી
- નેપાળમાં યુવાવર્ગમાં બાલેન્દ્ર શાહ ખુબ લોકપ્રિય નેતા છે
નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ સામે યુવા વર્ગે હિંસક વિરોધ પ્રદર્શન કરતા નેપાળની રાજકિય સ્થિતિ બેકાબૂ બની છે. આ હિંસક વિરોધ વધુ વકરતા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપી દીધી છે. હવે નેપાળના યુવા વર્ગ કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહને વચગાળાના વડાપ્રધાન પદે જોવા માંગે છે. બાલેન્દ્ર શાહ જેઓ બાલેન તરીકે દેશમાં ખુબ લોકપ્રિય છે. બોલેન્દ્ર શાહ એક રેપર,
એન્જિનિયર અને રાજકારણી છે, જેના લીધે નેપાળના યુવાનોમાં લોકપ્રિય નેતા છે.
Nepal માં આ નેતા યુવાવર્ગમાં લોકપ્રિય છે
ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય બાલેન્દ્ર શાહ જે 2022થી કાઠમંડુના 15મા મેયર તરીકે સેવા આપી રહ્યા છે, નેપાળના યુવાનો માટે આશાનું કિરણ બન્યા છે. 1990માં કાઠમંડુમાં જન્મેલા બાલેને સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક અને ભારતની વિશ્વેશ્વરૈયા ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. રાજકારણમાં પ્રવેશ પહેલાં તેઓ નેપાળના રેપ સંગીતમાં ખુબ જાણીતા છે, જ્યાં તેમના ગીતો ભ્રષ્ટાચાર, અસમાનતા અને સામાજિક મુદ્દાઓને ઉજાગર કરતા હતા. તેમનું ગીત “બલિદાન” યુટ્યૂબ પર 70 લાખથી વધુ વખત જોવાયું છે, જે યુવાનોમાં તેમની લોકપ્રિયતાનો પુરાવો છે.
Nepal માં રેપર-નેતા બાલેન્દ્ર શાહ
નોંધનીય છે કે 2022ની સ્થાનિક ચૂંટણીમાં બાલેને અપક્ષ ઉમેદવાર તરીકે કાઠમંડુની મેયરપદની ચૂંટણી લડી અને 61,767 મતો સાથે નેપાળી કોંગ્રેસના શ્રીજના સિંહ અને CPN-UMLના કેશવ સ્થાપિતને હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. તેમના ચૂંટણી પ્રચારે કચરા વ્યવસ્થાપન, ટ્રાફિક નિયંત્રણ, ગેરકાયદેસર બાંધકામો અને શહેરી અવ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે પરંપરાગત નેતાઓ દ્વારા અવગણવામાં આવ્યા હતા. આ જીતે સાબિત કર્યું કે રાજકીય પક્ષના સમર્થન વિના પણ મોટી જીત સંભવ છે.
મેયર તરીકે બાલેન્દ્ર શાહે પોતાની અનોખી શૈલી જાળવી રાખી છે. તેઓ શહેરી સભાઓનું લાઇવ સ્ટ્રીમિંગ કરે છે, ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવે છે અને મ્યુનિસિપલ અધિકારીઓને ફરજ નિભાવવા પડકારે છે. તેમની આ પ્રગતિશીલ અને પારદર્શી શૈલીએ યુવાનોમાં તેમને હીરો બનાવ્યા છે. બાલેને ભ્રષ્ટાચાર અને રાજકીય નિષ્ક્રિયતા સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો, જેના કારણે તેઓ રાજકીય નેતાઓ સાથે વિવાદોમાં પણ રહ્યા છે.હાલના વિરોધ પ્રદર્શનો દરમિયાન, બાલેને યુવાનોનું સમર્થન કર્યું, પરંતુ 28 વર્ષથી ઓછી ઉંમરના પ્રદર્શનકારીઓની શરતને કારણે તેઓ સ્વયં હાજર રહી શક્યા નહીં. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું, “આ યુવા પેઢીનો આંદોલન છે, અને હું તેમની આકાંક્ષાઓને સમજવા માંગું છું. રાજકીય પક્ષોએ આ આંદોલનનો લાભ ન લેવો જોઈએ.” ઓલીના રાજીનામા બાદ તેમણે યુવાનોને શાંતિ જાળવવા અને દેશની સંપત્તિનું નુકસાન ટાળવા અપીલ કરી છે.
Nepal માં હિેસક પ્રદર્શનમાં 20થી વધુના મોત
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારના આરોપો સામે શરૂ થયેલા આંદોલનોમાં 20થી વધુ લોકોના મોત અને સેંકડો ઘાયલ થયા બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. પ્રદર્શનકારીઓએ સંસદ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાનોને નિશાન બનાવ્યા, જેના કારણે ઓલીએ રાજીનામું આપવું પડ્યું. આ સંકટમાં બાલેન્દ્ર શાહ યુવાનોના પ્રિય નેતા તરીકે ઉભર્યા છે, જેઓ તેમને વચગાળાના વડાપ્રધાન તરીકે જોવા માંગે છે
આ પણ વાંચો: Nepal : રાષ્ટ્રપતિ પૌડેલના રાજીનામાની વાત ખોટી, પૂર્વ PMના પત્નીને જીવતા સળગાવ્યા, મોત


