અમરેલી : 'બિપોરજોય' વાવાઝોડાની અસર, સગર્ભા મહિલાને સુરક્ષિત ખસેડવામાં આવી
બિપોરજોય વાવાઝોડું હવે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બન્યું છે ત્યારે વહિવટીતંત્ર પણ ઓછામાં ઓછું નુકશાન થાય તે માટેના આગોતરા પગલાં લઇ રહ્યું છે. દરિયા કાંઠાના જીલ્લામાં રાજ્યના 9 મંત્રીઓ પહોંચી ગયા છે અને તંત્ર સાથે સંકલન કરીને કામગિરી કરી રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે.પીએમ મોદીએ પણ રાજ્ય સરકાર સાથે બેઠક યોજીને કામગિરીની સમિક્ષા કરીને આદેશો આપ્યા છે.
મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને જેમ જેમ સાયકલોંન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ અમરેલી જિલ્લાના જાફરાબાદ, પીપાવાવ, શિયાળબેટ, ચાંચ બંદર પર વધુ સુરક્ષા અને સાવચેતી તંત્ર દ્વારા લેવાઈ રહી છે. ત્યારે શિયાળ બેટની સગર્ભા મહિલા લલિતાબેન લાલજીભાઈ શિયાળને બોટ મારફતે પીપાવાવ પોર્ટ કિનારે લાવવામાં આવી હતી. ત્યાર બાદ 108 દ્વારા આ સગર્ભા મહિલાને રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અત્યાર સુધી સગર્ભા મહિલાઓને સુરક્ષાને સાવચેતીના ભાગરૂપે શિયાળ બેટ, ચાંચ બંદર પરથી સ્થળાંતર કરી દેવામાં આવી છે.
રાજ્યના 9 બંદર પર અતિ ભયજનક 9 નંબરના સિગ્નલ
બિપોરજોય અત્યંત ખતરનાક બનતા રાજ્યના 9 બંદર પર અતિ ભયજનક 9 નંબરના સિગ્નલ લગાવાયા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા તથા નવલખી, જામનગર, સલાયામાં 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઓખા બંદરે પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
દ્વારકામાં દિવાલ ધરાશાયી
દ્વારકામા બિપોરજોય વાવાઝોડાની વધારે અસર જોવા મળી રહી છે અને દ્વારકાના ભડકેશ્વર દરિયા કિનારે દરિયાઈ મોજાના કારણે ભેખડ ખસી પડી છે. દરિયામાં ભારે કરંટ હોવાથી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને તેના કારણે કિનારા પરની ભેખડ ધસી પડી છે. ભારે પવનના કારણે દરિયા કિનારા વિસ્તારમાં લોકોને ના જવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : વરસાદની આગાહી, 12થી 16 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની વકી


