Kolkata Rape : બેરહેમીથી દુષ્કર્મ અને હત્યા કરી આરોપી ઘેર જઇ સુઇ ગયો...
- કોલકાતાની એક હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા
- આ કેસમાં આરોપી મ્યુનિસિપલ બોડીનો સ્વયંસેવક
- આરોપી ગુનો આચરી ઘેર જઇને સુઇ ગયો
- આરોપીએ પુરાવાનો નાશ કરવાનો પૂરો પ્રયાસ કર્યો
Kolkata Rape : કોલકાતાની એક હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા (Kolkata Rape) ના મામલામાં ન્યાયની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન હવે આ મામલે વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. જેના પરથી જાણવા મળ્યું કે હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલ વ્યક્તિ પહેલા પોતાના ઘરે પરત ફર્યો હતો અને જાણે કંઇ બન્યું ના હોય તેમ પછી આરામથી સૂઈ ગયો હતો. બીજા દિવસે સવારે તેણે પુરાવાનો નાશ કરવા માટે કપડાં ધોયા. જોકે આરોપીએ પુરાવાનો નાશ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં પોલીસને આરોપીના પગરખા પર લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આ કેસમાં આરોપી મ્યુનિસિપલ બોડીનો સ્વયંસેવક હોવાનું કહેવાય છે.
આરોપીના પગરખા પર લોહીના ડાઘ જોવા મળ્યા
કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે કહ્યું, “ગુનો કર્યા પછી આરોપી ઘરે ગયો અને શુક્રવારે મોડી સવાર સુધી સૂતો રહ્યો. જાગ્યા પછી, તેણે પુરાવાનો નાશ કરવા માટે ગુના દરમિયાન પહેરેલા કપડા ધોયા. તલાશી દરમિયાન તેના પગરખાં મળી આવ્યા હતા જેના પર લોહીના ડાઘા હતા." કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે તેમ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું, "હાલ સુધી કોઈ પુરાવા નથી." ગોયલે કહ્યું કે પોલીસ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે કારણ કે તેઓ તેને તેમની તપાસના તારણો સાથે જોડવા માંગે છે. એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પોલીસ અધિકારીઓની ટીમે ફોરેન્સિક યુનિટ સાથે રવિવારે હોસ્પિટલના સેમિનાર હોલમાંથી સેમ્પલ એકત્ર કર્યા હતા.
આ પણ વાંચો----Strike : આજે દેશભરમાં ડોક્ટર્સની હડતાળ
આરોપી કેવી રીતે પોલીસના હાથે ઝડપાયો?
પોલીસને ગુનાના સ્થળે બ્લુટુથ હેડફોન મળી આવ્યો હતો. આ બ્લુટુથ હેડફોનના કારણે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. વાસ્તવમાં બ્લૂટૂથ હેડફોન આરોપીના હતા. આ કેસમાં તેની સામે આ મુખ્ય પુરાવો બની ગયો. આ ઉપરાંત, તે ઘટનાના સંભવિત સમયે સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી અન્ય પુરાવા પણ એકત્ર કર્યા છે. દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોય સામે અત્યાર સુધીના સૌથી મોટા પુરાવા મળ્યા છે. પીડિતાના નખમાંથી મળેલું લોહી અને ચામડી આરોપી સંજય રોયની છે.
મહિલા ડૉક્ટર પોતાને બચાવવા માટે સંઘર્ષ કરતી રહી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાએ અડધી ઊંઘમાં પણ આરોપીનો સંપૂર્ણ પ્રતિકાર કર્યો. આ સંઘર્ષ દરમિયાન આરોપીને હાથ પર ઉંડી ઈજાઓ અને ઉઝરડા પડ્યા હતા. જે આ કેસમાં મોટી લીડ સાબિત થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ ગળું દબાવવાથી થયું હતું. પીડિતાના ચહેરા, આંખ અને ગરદન પર ઈજાના નિશાન છે. એક અધિકારીએ કહ્યું, "પીડિત અને આરોપી એકબીજાને ઓળખતા હોવાના કોઈ પુરાવા નથી", પરંતુ ઉમેર્યું હતું કે આ બાબતની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે તેમને ખબર પડી કે પીડિતાની થોડા મહિના પહેલા કોઈની સાથે ઝઘડો થયો હતો, પરંતુ તે વ્યક્તિ આરોપી સંજય હતો. આ અંગે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.
પોલીસ હજુ કયું રહસ્ય ઉકેલવા મથી રહી છે?
એકત્ર કરાયેલા પુરાવાના આધારે એસઆઈટી એ જાણવા માંગે છે કે પીડિતાના શરીર પરના ઈજાઓ એકલા સંજય રોયના કારણે થઈ હતી કે પછી તેની સાથે કોઈ અન્ય વ્યક્તિ પણ હાજર હતી. પીડિતાના મિત્રો અને પરિવારજનો માટે આ પ્રશ્ન કોયડો બનીને રહ્યો છે. પીડિતાના પિતાએ તેમના ઘરે એડિશનલ પોલીસ કમિશનરને મળ્યા બાદ મીડિયાને કહ્યું, "અમે (વધારાના) પોલીસ કમિશનરને પૂછ્યું હતું કે શું બીજો આરોપી છે. અમને કહેવામાં આવ્યું છે કે પોલીસ તે પાસાની પણ તપાસ કરી રહી છે." કમિશનર ગોયલે પણ વિદ્યાર્થીઓને વિનંતી કરી કે "જો તમને લાગે કે આમાં કોઈ સામેલ છે, તો કૃપા કરીને અમને માહિતી આપો", અને આવા તમામ દાવાઓની તપાસ કરવાનું વચન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આજુબાજુ ફેલાતી ઘણી અફવાઓથી સાવધ રહેવા પણ કહ્યું હતું.
પ્રાથમિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું?
પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પીડિતાની આંખો, મોં અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહેતું હતું. તેના ડાબા પગ, ગરદન, હાથ અને હોઠ પર ઈજાઓ હતી. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંજોગોવશાત્ પુરાવા એ પણ શક્યતા તરફ નિર્દેશ કરે છે કે ડૉક્ટરની પહેલા હત્યા કરવામાં આવી હતી અને પછી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું, "અમે ગુરુવારે રાતથી બીજા દિવસે સવાર સુધી ડ્યુટી પર રહેલા લોકો સાથે પણ વાત કરી રહ્યા છીએ. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે." પોલીસે ક્રાઈમ સીન પણ રીક્રિએટ કર્યો હતો.
ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન
પોલીસે શનિવારે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં ન્યાયની માંગણી સાથે રવિવારે ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. આ વિરોધને કારણે પશ્ચિમ બંગાળની સરકારી હોસ્પિટલોમાં સેવાઓ પ્રભાવિત થઈ હતી. આજે પણ દેશભરમાં ડોક્ટર્સની ન્યાયની માગ સાથે હડતાળ છે. આ મામલે સીબીઆઇ તપાસની માગ કરવામાં આવી છે
હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત
દરમિયાન, કોલકાતા પોલીસે રવિવારે હોસ્પિટલમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અધિકારીએ કહ્યું, "કોઈપણ વ્યક્તિને યોગ્ય ઓળખ વિના હોસ્પિટલના પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અમે હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરીશું." અન્ય એક અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલ સત્તાવાળાઓએ ઇમરજન્સી વોર્ડમાં કોન્ટ્રાક્ટ પર નિયુક્ત બે સુરક્ષા કર્મચારીઓને તેમની ફરજો યોગ્ય રીતે ન નિભાવવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.
આ પણ વાંચો---- મહિલાઓને બતાવતો હતો પોર્ન ફિલ્મ, કર્યા છે અનેક લગ્ન; KOLKATA ના દુષ્કર્મ અને મર્ડર કેસના આરોપીની ક્રૂરતા તમને ચોંકાવી દેશે