Navratri Pavagadh: આસો નવરાત્રીનો આજથી શુભારંભ, શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર
- Navratri Pavagadh: જગતજનની મહાકાળી માતાના ધામમાં ઉમટ્યા ભક્તો
- પ્રથમ નોરતે મંદિરને ફૂલથી સજાવવામાં આવ્યુ
- રાતથી જ દર્શનાર્થીઓ માતાના દર્શન માટે પહોંચ્યા
Navratri Pavagadh: આસો નવરાત્રીનો આજથી શુભારંભ થયો છે. જેમાં શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. જગતજનની મહાકાળી માતાના ધામમાં ભક્તો ઉમટ્યા છે. પ્રથમ નોરતે મંદિરને ફૂલથી સજાવવામાં આવ્યુ છે. રાતથી જ દર્શનાર્થીઓ માતાના દર્શન માટે આવી પહોંચ્યા હતા. તેમજ નિજ મંદિરના દ્વાર ખુલતા જ સમગ્ર પરિસર જય ઘોષના નાદથી ગુંજ્યુ છે.
નવરાત્રીના નવ દિવસ માતાજીને અલગ અલગ સાડી પરિધાન કરાવવા સાથે શણગાર
મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીને અલગ અલગ સાડી પરિધાન કરાવવા સાથે શણગાર કરાશે. સાથે દર્શનાર્થે આવનારા યાત્રાળુઓની સંભવીત સંખ્યાને લઇ સુખડીના પ્રસાદ માટે 25 ટન સામગ્રી એકઠી કરી લેવાઇ છે. પાવાગઢ યાત્રાધામ અને શક્તિપીઠ ખાતે યોજાનાર આસો નવરાત્રીને લઈ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા પ્રસાશને પુરી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. નવરાત્રી દરમિયાન રોજ લાખોની સખ્યામાં યાત્રાળુઓ આવવાની વકીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે ગોઠવાયો છે.
Navratri Pavagadh: સુરક્ષાને ધ્યાને લઇ 800 ઉપરાંત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફરજ પર
સુરક્ષાને ધ્યાને લઇ 800 ઉપરાંત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ એસઆરપી કુમુક ફરજ બજાવશે. નવરાત્રીના પ્રથમ દિવસે દર્શન માટે સવારે પાંચ કલાકે મંદિરના નિજ દ્વાર ખુલ્લા મુકાયા છે. ત્યાર બાદ માતાજીની આરતી થઇ છે. બપોરે બાર કલાકે માતાજીને થાળ ધરાવશે. સાંજે સાત વાગે માતાજીની આરતી બાદ આઠ વાગે મંદિરના દ્વાર બંધ કરાશે. નવરાત્રી દરમિયાન માતાજીને નવ એ નવ દિવસ રોજ નિતનવા શણગાર કરાશે. પહેલા દિવસે સફેદ સાડી અને ચુંદડી, બીજા દિવસે ગુલાબી સાડી, ત્રીજા દિવસે લાલ સાડી, ચોથા દિવસે વાદળી સાડી, પાંચમા દિવસે પીળી સાડી, છઠ્ઠા દિવસે મોરપીંછ કલર સાડી, સાતમા દિવસે સોનેરી સાડી, આઠમા દિવસે સફેદ સાડી અને નવમા દિવસે લાલ સાડી ચુંદડીનો શણગાર કરાશે. સાથે મંદિરના ગર્ભગૃહને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે.
માંચી અને ડુંગર પર આરોગ્યની ટીમ તૈનાત કરાઇ છે
યાત્રાળુઓને પ્રસાદમાં સુખડી અપાશે. સુખડીના પ્રસાદ રોજ ત્રણ ટનનું વિતરણ થવાની સંભાવના વચ્ચે ગોળ ઘી અને લોટ સહિત 25 ટનની સામગ્રી એકઠી કરાઈ છે. પાવાગઢ ખાતે આસો નવરાત્રીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર પણ શરૂ કરવાના છે. મંદિર ખાતે યાત્રાળુઓ સરળતાથી દર્શન કરે તે માટે યોગ્ય સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે માંચી અને ડુંગર પર આરોગ્યની ટીમ તૈનાત કરાઇ છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 22 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


