Bharuch મનરેગા કૌભાંડ : કોંગ્રેસ નેતા હીરા જોટવાને જામીન, 7.30 કરોડની છેતરપિંડીમાં છ આરોપી
- Bharuch જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડનો કેસ
- કોંગ્રેસ નેતા હીરા જોટવાના જામીન મંજૂર
- કોંગ્રેસ નેતા હીરા જોટવા અને પુત્ર સહિત છ લોકો આરોપી
- ખોટા બિલ પાસ કરાવી કરોડોનું કૌભાંડ કર્યાનો આરોપ
- વેરાવળમાં ઘૂંટાયો હતો મનરેગા કૌભાંડનો એકડો!
- એજન્સીના માલિક સરપંચ બન્યા પછી થયું કૌભાંડ!
ભરૂચ : ભરૂચ જિલ્લામાં ( Bharuch ) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ 7.30 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હીરા જોટવાને તાજેતરમાં કોર્ટે જામીન મંજૂર કર્યા છે, જેનાથી આ કેસે રાજકીય વર્તુળોમાં નવો વિવાદ જન્માવ્યો છે. આ કૌભાંડમાં આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં 430 કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતીક ઉદયસિંહ ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવાયું હતું કે મનરેગા યોજના હેઠળ રોડ, માટી ધંધા અને મકાન રિપેર જેવા કામોમાં ખોટા બિલો રજૂ કરીને 7.30 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ કામોમાં માનવ શ્રમનો ઉપયોગ કર્યા વિના મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, નીચી ગુણવત્તાનું મટિરિયલ વાપરીને વધુ બિલિંગ દર્શાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત અનેક કામો ફક્ત કાગળ પર જ દર્શાવીને નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો- બોટાદ : સાળંગપુર રોડના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં સ્નાન કરીને કર્યો અનોખો વિરોધ
આ કૌભાંડમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ (પિયુષ નુકાણી) અને મુરલીધર એન્ટરપ્રાઇઝ (જોધા સભાડ) નામની એજન્સીઓ મુખ્ય રીતે સંડોવાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ એજન્સીઓએ ગ્રામ પંચાયતોની મંજૂરી વિના ખોટી દરખાસ્તો તૈયાર કરી અને સરકારી ભંડોળની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત, હીરા જોટવા અને તેમના પરિવારજનોના ખાતામાં જેમાં ‘દિગ્વિજય રોડવેઝ’ અને ‘જોટવા એન્ટરપ્રાઇઝ’નો સમાવેશ થાય છે, 3-4 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું ખુલ્યું હતું.
ભરૂચ પોલીસે 26 જૂન 2025ના રોજ હીરા જોટવાને ગીર સોમનાથથી અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ 27 જૂનના રોજ તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને ભરૂચ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હીરા જોટવા અને રાજેશ ટેલરને 6 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીઓને સબજેલમાં મોકલ્યા પરંતુ હીરા જોટવાને તાજેતરમાં જામીન મળ્યા છે.
પોલીસ અને વહીવટની કાર્યવાહી
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચવામાં આવી હતી, જેણે 70થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા અને કૌભાંડની તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, જલારામ અને મુરલીધર એજન્સીઓએ ખોટા જોબકાર્ડ બનાવીને અને ઓનલાઇન બિલો પાસ કરીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કરાર આધારિત 21 કર્મચારીઓને છૂટા કર્યા અને બે કર્મચારીઓના રાજીનામા મંજૂર કર્યા.
ભરૂચ પોલીસ વડા મયુરસિંહ ચાવડાએ જણાવ્યું, “મનરેગા જેવી જનહિત યોજનામાં ભ્રષ્ટાચાર થાય એ અફસોસજનક છે. અમે કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છીએ અને કોઈ દોષિતને છોડવામાં નહીં આવે. વધુ નામો સામે આવે તેવી શક્યતા છે.”
આ પણ વાંચો- Gandhinagar : બહિયલ ગામમાં કોમી હિંસા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત, રામજી મંદિરમાં કરી આરતી


