Asian Championships માં મેડલ જીતનાર ભવાની દેવી પહેલી ભારતીય તલવારબાજ બની
ભારતની એક દીકરીએ આજે ફરી ભારતીયોનું નામ રોશન કર્યું છે. તલવારબાજ ભવાની દેવીએ એશિયન ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ પાક્કો કર્યો છે. તે પ્રતિષ્ઠિત એશિયાઈ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પહેલી તલવારબાજ બની છે. ભવાની દેવીએ ક્વાર્ટર ફાઈનલમાં હાલની વર્લ્ડ ચેમ્પિયન જાપાનની મિસાકી એમુરાને 15-10 થી હરાવીને સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય તલવારબાજ બની છે.
મહત્વનું છે કે, ચીનના વુક્સીમાં એશિયાઈ તલવારબાજી ચેમ્પિયનશિપની મહિલા સ્પર્ધાની સેમિફાઈનલમાં પહોંચીને ભવાની દેવીએ મેડલ પાક્કો કર્યો છે. તેમણે આ સ્પર્ધામાં ભારત તરફથી રમીને પહેલો મેડલ પાક્કો કરીને ઈતિહાસ રચ્યો છે. સેમિફાઈનલમાં ભવાની દેવીની સ્પર્ધા ઉજ્બેકિસ્તાનની જેનાબ ડેયિબેકોવા સાથે થશે.
આ પહેલા તેને રાઉન્ડ ઓફ 64માં તેને બાય મળી હતી. બાય એટલે કે કોઈપણ હરીફ વગર સ્પર્ધામાં આગળ વધવું. આગળના રાઉન્ડમાં તેણે કઝાખસ્તાનની ડોસ્પે કરીનાને હરાવી હતી. તેણે પ્રી કવાર્ટર ફાઈનલમાં મોટો ઉલટફેર કરીને ઓજાકી સેરીને 15-11 થી હરાવી હતી.
ભવાની દેવીનો જન્મ તામિલનાડુનાં ચેન્નાઈમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા એક પાદરી અને તેમનાં માતા ગૃહિણી હતાં. ભવાની દેવીએ ટીમ ઇવૅન્ટ્સમાં મેડલ જીતીને પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ભારતીય તલવારબાજ (ફેન્સિંગ) ટીમે 2009માં મલેશિયામાં યોજાયેલી જુનિયર કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપ, થાઇલૅન્ડમાં 2010માં ઇન્ટરનેશનલ ઓપન અને ફિલિપિન્સમાં 201૦માં કૅડેટ એશિયન ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શું મોકલી ભેટ ?


