ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વ્યાજખોરોનો ત્રાસથી પિતાને બચાવવા દિકરીએ કહ્યું- 'મારી કિડની વેચીને પૈસા ચૂકવી દો'

લાખો રૂપિયા વસૂલ્યા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલું રાખતા પરિવારની મુશ્કેલી વધી ગઈ હતી...
10:06 PM Aug 15, 2025 IST | Mujahid Tunvar
લાખો રૂપિયા વસૂલ્યા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલું રાખતા પરિવારની મુશ્કેલી વધી ગઈ હતી...

ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા એક ગરીબ પરિવારને પાલીતાણા રૂરલ પોલીસે દેવદૂત બનીને ન્યાય અપાવ્યો છે. માત્ર 25 દિવસના ગાળામાં પોલીસે કડક કાર્યવાહી કરીને પરિવારના 3.50 લાખ રૂપિયાના ઘરેણાં પરત અપાવ્યા અને વ્યાજખોર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. આ ઘટનાએ સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો છે, જે વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકો માટે આશાનું કિરણ બન્યો છે.

મોટી પાણીયારી ગામના રહેવાસી મગનભાઈ જે હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમના 10 વર્ષના દીકરાની ડાયાબિટીસની બીમારીની સારવાર માટે 2020માં ગામના જ વ્યાજખોર જેમાભાઈ કાળુભાઈ વાળા પાસેથી 10 ટકાના વ્યાજે 3 લાખ રૂપિયાની લોન લીધી હતી. મગનભાઈએ ત્રણ વર્ષ સુધી વ્યાજની રકમ ચૂકવી પરંતુ વ્યાજખોરે મૂળ રકમ માટે કડક ઉઘરાણી ચાલુ રાખી હતી. આ દબાણ હેઠળ મગનભાઈએ પરિવાર સાથે ચર્ચા કરીને પત્નીના 3.50 લાખ રૂપિયાના ઘરેણાં પણ વ્યાજખોરને આપી દીધા. છતાં વ્યાજખોરે વધુ 1.50 લાખ રૂપિયાની માંગણી કરી જેના કારણે પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો હતો. આપઘાત સુધીના વિચાર આવવા લાગ્યા હતા.

આ પણ વાંચો-કચ્છ : ખાવડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ડરનો માહોલ

આ હતાશાની ઘડીમાં મગનભાઈની 20 વર્ષની દીકરીએ આત્મવિશ્વાસ દાખવીને પિતાને કહ્યું, “એવું કરો કે મારી કિડની વેચીને પૈસા પરત કરી દો.” આ વાતે મગનભાઈને હચમચાવી દીધા અને તેમણે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારીએ મગનભાઈની ફરિયાદ સાંભળીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત સાવકારી નિયમન અધિનિયમ, 2011 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી અને આરોપી જેમાભાઈ કાળુભાઈ વાળાને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો. પોલીસે માત્ર 25 દિવસમાં 3.50 લાખ રૂપિયાના ઘરેણાં પરત અપાવીને પરિવારને વ્યાજખોરના ચુંગાલમાંથી મુક્ત કર્યો. આ કાર્યવાહીથી પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો અને અન્ય લોકોને પણ વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસનો સંપર્ક સાધવાની અપીલ કરી હતી.

ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આવા લોકોના શોષણનો શિકાર બને છે. ઉંચા વ્યાજદર, કડક ઉઘરાણી, અને ધમકીઓ આવા પરિવારોને આર્થિક અને માનસિક રીતે તોડી નાખે છે. અગાઉ પણ રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, ભાવનગર પોલીસની આ કાર્યવાહી એક આશાનું કિરણ બની છે, જે દર્શાવે છે કે સમયસર પોલીસની મદદ લેવાથી ન્યાય મળી શકે છે.

આ પણ વાંચો-Ahmedabad : હસમુખભાઈ પટેલ તાલીમ વિના માત્ર બે રંગની બોલપેનથી બનાવે છે શિવજીની વિવિધ મુદ્રાની અદભુત તસવીરો

Tags :
#MagabhaiRescue#PalitanaRural#UsuryScambhavnagarpoliceJusticeServed
Next Article