પાકિસ્તાનની જાફર એક્સપ્રેસમાં મોટો વિસ્ફોટ, ટ્રેન પાટા પરથી ઉતરી જતા અનેક મુસાફરો ઘાયલ
- મસ્તુંગ જિલ્લામાં સોમવારે ટ્રેન જાફર એક્સપ્રેસમાં મોટો વિસ્ફોટ થયો છે
- આ વિસ્ફોટને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગયા હતા
- આ ટ્રેનમાં વિસ્ફોટના લીધે અનેક મુસાફરો ઘાયલ થયા છે
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં સોમવારે જાફર એક્સપ્રેસ ટ્રેનમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગયા હતા અને તેના કેટલાક ડબ્બા પલટી ગયા હતા. જેના પરિણામે અનેક મુસાફરોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.આ ઘટનામાં કેટલા લોકો મર્યા છે તેની સત્તાવાર માહિતી સામે હજુસુધી આવી નથી.
પાકિસ્તાનની જાફર એક્સપ્રેસમાં મોટો વિસ્ફોટ
નોંધનીય છે કે આ ઘટના મસ્તુંગના દશ્ત વિસ્તારમાં બની હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટ્રેનનો એક ડબ્બો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને અન્ય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક લોકો અને બચાવ ટીમો ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જાફર એક્સપ્રેસમાં મોટો વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ
આ એક જ દિવસમાં આ વિસ્તારમાં બનેલી બીજી ઘટના છે. આ વિસ્ફોટના થોડા કલાકો પહેલા જ, આ જ વિસ્તારમાં પાકિસ્તાની સેનાના જવાનોને પણ એક વિસ્ફોટનો ભોગ બનવું પડ્યું હતું. આ ઘટના બાદ સુરક્ષા દળો અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોએ પણ ફસાયેલા મુસાફરોને બચાવવા માટે મદદ કરી હતી. જોકે, આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેનો સત્તાવાર આંકડો હજુ સુધી જાહેર થયો નથી. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને સ્વીકારી નથી.
આ પણ વાંચો: યુએન મહાસભામાં ટ્રમ્પનો હુંકાર: ભારત-ચીન પર યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ


