Gujarat : ભાજપ કાર્યકર્તાનો હત્યારો મોન્ટુ નામદાર જેલોમાં સુવિધાઓ ભોગવે છે, વીડિયો સામે આવતા જેલ સત્તાધીશોએ તપાસનું નાટક આરંભ્યું
Gujarat : જેલ એટલે સજાનું એક સ્થાન, પરંતુ તમારી પાસે મહિને લાખો રૂપિયા ખર્ચવાની ક્ષમતા હોય તો રાજ્યની જેલોમાં મહેલ જેવી સુવિધાઓ મળે છે. રાજ્યના ગૃહ વિભાગ (Home Department Gujarat) ના તાબામાં આવતા જેલ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર આજકાલનો નથી. સાબરમતી જેલ (Sabarmati Jail) માં અમદાવાદ બ્લાસ્ટ કેસના આતંકીઓએ ખોદેલી 213 ફૂટ લાંબી સુરંગની અતિ ગંભીર ઘટનાથી લઈને રાજ્યની જેલોમાંથી મળી આવતી પ્રતિબંધિત વસ્તુઓની ઘટના ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. અમદાવાદમાં ભાજપ કાર્યકર્તા હત્યા કેસના આરોપી મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર (Montu Namdar) ના વાયરલ થયેલા વીડિયો બાદ જેલોના વડા ડૉ. કે.એલ.એન.રાવે (Dr. K L N Rao) તપાસના આદેશ આપ્યાં છે. તપાસમાં અધિકારીને કેટલાં પુરાવા મળશે અને કોની સામે કાર્યવાહી થશે તે કહેવું મુશ્કેલ છે.
Gujarat ની જેલો કેવાં કેવાં કાંડ થઈ ગયા છે ?
અમદાવાદ મધ્યસ્થ જેલમાં કેદ ડૉન અબ્દુલ લતીફે (Don Abdul Latif) 90ના દાયકામાં મોબાઈલ ફોન પર સાગરિતોને સૂચના આપી તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) ના અંગત મનાતા બિલ્ડર સગીર અહેમદને ગોળીઓથી વીંધી નખાંવ્યો હતો. Gujarat ની સૌથી સુરક્ષિત મનાતી સાબરમતી જેલમાં કેદ યુપીના ગેંગસ્ટર અતિક અહેમદે વર્ષ 2023ની શરૂઆતમાં વોટ્સએપ ચેટીંગ અને વીડિયો કોલ કરી ષડયંત્ર રચી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરાવી નાંખી હતી. ભચાઉની સબ જેલમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસ (Jayanti Bhanushali Murder Case) નો આરોપી જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરા સબ જેલની અંદર કેદીઓ સાથે દારૂની મહેફિલ માણતા મે-2019માં ઝડપાયો હતો. જયંતિ ડુમરા જેલમાં હાથપગ દબાવવા સહિતની સેવા ચાકરી કરવા માટે પોતાના માણસને ગેરકાયદેસર રીતે રાખ્યો હતો. ગુજરાતની સુરક્ષિત જેલમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આતંકીઓએ વર્ષ 2013માં 213 ફૂટ ખોદી કાઢેલી સુરંગનો ચકચારી કાંડ. આવા નાના-મોટા અનેક કાંડ Gujarat Police ના ચોપડે નોંધાઈ ચૂક્યાં છે.
View this post on Instagram
Gujarat ની કઈ જેલમાં મોન્ટુએ વીડિયો બનાવ્યા ?
જેલમાં કેદ અન્ય વૃધ્ધ કેદીની મદદથી ખુલ્લા આકાશ નીચે સ્નાન કરતો અને ગાળો બોલતા મોન્ટુ નામદારના વીડિયોએ જેલ સત્તાધીશોને દોડતા કર્યા છે. જૂન-2022થી જેલમાં કેદ મોન્ટુ નામદાર Gujarat ની અમદાવાદ, નડીયાદની બિલોદરા જેલ અને હાલ વડોદરા મધ્યસ્થ જેલમાં છે. જેલની અંદર ખુલ્લા સ્થાન પર સ્નાન કરતો, કસરત કરતો તેમજ જેલની બેરેકની અંદરના મોન્ટુ નામદારે ઉતારેલા/ઉતરાવેલા વીડિયો લીક થયાં છે. આ વીડિયો જાહેર થતાંની સાથે જ જેલ સત્તાધીશો દોડતા થઈ ગયા હતા અને તપાસના આદેશ અપાયા. આ મામલાની તપાસનું સુપરવિઝન કરી રહેલા વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડા (Usha Rada) ની પ્રાથમિક તપાસમાં વીડિયો નડીયાદ જિલ્લા જેલમાં બન્યા હોવાની વાત સામે આવી છે. તપાસ ટીમે ગુરૂવારે નડીયાદ-બિલોદરા જેલની મુલાકાત લીધી હતી અને વીડિયો કયા-કયા સ્થળે ઉતારવામાં આવ્યા તેની જાણકારી મેળવી હતી. એકાદ દિવસમાં આ મામલાનો સત્તાવાર રિપૉર્ટ જેલોના વડા ડૉ. રાવને સોંપવામાં આવશે.
કોણ છે મોન્ટુ નામદાર અને તેના કાંડ ?
અમદાવાદના ખાડીયા વિસ્તારમાં વર્ષો સુધી જુગારનો અડ્ડો ચલાવી કરોડપતિ બનેલા મોન્ટુ નામદારની જૂન-2022માં BJP Worker Murder Case માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. અમદાવાદ જેલમાં ખતરો હોવાનું જણાવી સાતેક મહિનામાં જ મોન્ટુ નામદાર નડીયાદ જિલ્લા જેલમાં પહોંચી ગયો હતો. આ જેલમાં તેને ખાવા-પીવાની અને મોબાઈલ ફોનની સુવિધાઓ મળતી હતી. પેરોલ જમ્પ તેમજ કેદી જાપ્તાને થાપ આપીને નાસી છૂટવાના મામલા મોન્ટુ સામે નોંધાયેલા છે. માર્ચ-2025માં ખેડા પોલીસે નડીયાદ-બિલોદરા જેલમાં સર્ચ કરી મોન્ટુ નામદાર પાસેથી મોબાઈલ ફોન કબજે લઈ ગુનો નોંધ્યો હતો. આ ઘટનાના દસેક દિવસ બાદ નડીયાદ જિલ્લા જેલ અધિક્ષકે મોન્ટુ નામદારને અમદાવાદ સિવાયની હાઈ સિક્યુરિટી ધરાવતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવા અમદાવાદની અદાલતમાં રિપૉર્ટ કર્યો હતો.
નડીયાદ જિલ્લા જેલમાંથી પત્ર ગુમ
મોન્ટુ નામદારને નડીયાદ જેલમાંથી ખસેડવા માટે જેલ અધિક્ષકની પહેલાં અમદાવાદ સેશન્સ કોર્ટ (Ahmedabad Sessions Court) માં ફરિયાદીએ અરજી કરી હતી. હત્યા કેસના ફરિયાદીની અરજી બાદ અમદાવાદ સેશન્સ કોર્ટે જેલ અધિક્ષકને લખેલો એક પત્ર ગુમ થઈ ગયો હતો. જેલ બદલવાના મામલે બબ્બે અરજી થતાં સરકારી વકીલે જેલ સત્તાધીશોને અરજી પરત લેવડાવી હતી. 24 એપ્રિલ 2024ના રોજ એડિશનલ સેશન્સ જજ બી. બી. જાદવે (Bharat Bhaskarbhai Jadav Judge) મોન્ટુ નામદારને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવા હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: Mehsana : વિસનગરમાં સગીરા પર ગેંગરેપ મામલે 6 આરોપીનાં રિમાન્ડ મંજૂર


