BZ Group Scam: મળતીયાઓએ સોશિયલ મીડિયાના વિવિધ ગૃપોમાં CIDની તપાસને ષડયંત્ર ગણાવી
- BZ Group સામે સીઆઈડીની તપાસ સામે સોશિયલ મીડિયામાં શંકાકુશંકા
- કાયદાકીય કાર્યવાહી અંગે મળતીયાઓએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલ્યા
- તપાસને અવળે પાટે ચઢાવવા કૌભાંડને ષડયંત્ર ગણાવવાનો હિન પ્રયાસ
Gujarat: ગુજરાતમાં રૂપિયા 6000 કરોડનું કૌભાંડ આચરનાર બી-ઝેડ કંપની મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલા પર કાયદાનો ગાળીયો વધુ કસાઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તેમના કેટલાક મળતીયાઓએ સોશ્યલ મીડીયાના વિવિધ ગૃપોમાં સીઆઈડીની તપાસને ષડયંત્ર ગણાવતા આક્ષેપો કરાઈ રહ્યાં છે. જોકે તપાસનીશ અધિકારીઓ રોજબરોજ સોશ્યલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં થતી ટીકા ટીપ્પણીની પરવા કર્યા વિના સત્ય બહાર લાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
સોશ્યલ મીડિયાના ગ્રુપમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટેના સંદેશા મુકાઈ રહ્યાં છે
સૂત્રોમાંથી મળતી મહિતી મુજબ અત્યાર સુધીમાં ખાસ કરીને સાબરકાંઠામાં અનેક આર્થિક કૌભાંડને કેટલાક ભેજાબાજો ઉજાગર કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતુ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું મનીચેઈન કૌભાંડના મુળ સુધી સીઆઈડી ક્રાઈમ હવે પહોંચી ગઈ છે. દરમ્યાન ભૂપેન્દ્રસિંહ ઝાલાની રહેમ નજર હેઠળ તગડા થયેલા કેટલાક મળતીયાઓના પગ નીચે આગામી દિવસોમાં તપાસનો રેલો આવે તો તેમની સામાજીક આબરૂનું ધોવાણ થવાની શકયતાને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલાક સોશ્યલ મીડિયાના ગ્રુપમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટેના સંદેશા મુકાઈ રહ્યાં છે.
આગામી સમયમાં કેટલાક મળતીયાઓની માહિતી સીઆઈડી ક્રાઈમે મેળવી લેશે તેવી આશા
એટલુ જ નહીં પણ આવા ફેક સંદેશાનો વિચાર કેટલાક સહકારી અધિકારીઓના દોરી સંચારથી સોશ્યલ મીડિયામાં મુકાઈ રહ્યાં છે. જેથી કદાચ આગામી સમયમાં કેટલાક મળતીયાઓની માહિતી સીઆઈડી ક્રાઈમે મેળવી લેશે તેવી આશા છે. એટલુ જ નહીં પણ તપાસને અવળે પાટે ચઢાવવાના આશયથી જે વિગતો મુકાઈ રહી છે તેના માટે સીઆઈડીના અધિકારીઓએ ગુપ્ત તપાસ શરૂ કરીને કોણે એકાઉન્ટ શરૂ કર્યુ અને તે કયાંથી ઓપરેટ થઈ રહ્યું છે તેની રજેરજની માહિતી એકત્ર થઈ ગયા બાદ તપાસની તલવાર વિંઝાય તેવી શકયતા સૂત્રોમાંથી વ્યક્ત કરાઈ રહી છે.


