કેશ કાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થશે
- કેશકાંડમાં સંડોવાયેલા જસ્ટિસની મુશ્કેલીઓ વધશે
- મહાભિયોગની કાર્યવાહી માટે સંસદમાં પૂરતુ સમર્થન મળ્યું
- જસ્ટિસ યશવંત વર્માએ કાર્યવાહીનો સુપ્રીમ કોર્ટમાં પડકારી છે
JUSTICE VERMA IMPEACHMENT : રોકડ કૌભાંડમાં (CASH AT HOME RAW) ફસાયેલા ન્યાયાધીશ યશવંત વર્માને (JUSTICE YASHWANT VERMA) તેમના પદ પરથી દૂર કરવા માટે સંસદમાં મહાભિયોગની (IMPEACHMENT) કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. હાઇકોર્ટ (HIGHCOURT) ના ન્યાયાધીશ વર્માના નિવાસસ્થાનેથી બિનહિસાબી રોકડ મળી આવ્યા બાદ તેઓ ગેરવર્તણૂકના આરોપોનો સામનો કરી રહ્યા છે. સોમવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 145 લોકસભા સાંસદોએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા. અને રાજ્યસભામાં 54 સાંસદોએ હાઇકોર્ટના ન્યાયાધીશ વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.
ભાજપ, કોંગ્રેસ, ટીડીપી, જેડીયુ, સીપીએમ સહિત વિવિધ પક્ષોનો ટેકો
લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને સાંસદો દ્વારા હસ્તાક્ષર કરાયેલ મેમોરેન્ડમ સુપરત કર્યા પછી જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની આગળની કાર્યવાહી શરૂ થઈ છે. બંધારણની કલમ ૧૨૪, ૨૧૭ અને ૨૧૮ હેઠળ દાખલ કરાયેલા મહાભિયોગ પ્રસ્તાવને ભાજપ, કોંગ્રેસ, ટીડીપી, જેડીયુ, સીપીએમ સહિત વિવિધ પક્ષોના સાંસદોએ ટેકો આપ્યો હતો. આ પ્રસ્તાવ પર અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી, સુપ્રિયા સુલે, કેસી વેણુગોપાલ અને પીપી ચૌધરી જેવા સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા.
જરૂરી સંખ્યા કરતાં વધુ સાંસદો તરફથી નોટિસ મળી
ઉપલા ગૃહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, તેમણે જસ્ટિસ વર્માને હટાવવાની માંગ કરતો ઠરાવ મળ્યો છે, જેના પર 50 થી વધુ રાજ્યસભા સાંસદો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી સંખ્યા કરતાં વધુ સાંસદો તરફથી નોટિસ મળી છે. જો કોઈ ગૃહમાં કોઈ પ્રસ્તાવ આવે છે, તો પ્રમુખ અધિકારીને તેને સ્વીકારવાનો કે નકારવાનો અધિકાર છે. પરંતુ જો પ્રસ્તાવ બંને ગૃહોમાં એક જ દિવસે આવે છે, તો તે ગૃહનો મામલો બની જાય છે.
આ પ્રસ્તાવને સંસદના બંને ગૃહોમાં પૂરતું સમર્થન છે
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ, હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક સભ્યની બનેલી ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિના અહેવાલ પછી, સ્પીકર અથવા અધ્યક્ષ પ્રસ્તાવ પર નિર્ણય લઈ શકે છે. અધ્યક્ષ જગદીપ ધનખડે રાજ્યસભાના મહાસચિવને પુષ્ટિ કરવા કહ્યું કે, આ પ્રસ્તાવ લોકસભામાં પણ આવ્યો છે. આ અંગે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, લોકસભામાં પણ સભ્યોએ સ્પીકરને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સભ્યની બીજી સહી અમાન્ય ગણવામાં આવશે
આ વાતની પુષ્ટિ થયા પછી રાજ્યસભાના અધ્યક્ષે મહાસચિવને મહાભિયોગ પ્રક્રિયા આગળ વધારવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. ધનખડે એમ પણ કહ્યું કે, તેમને મળેલા પ્રસ્તાવ પર 55 સહીઓ છે, પરંતુ તેના પર સહી કરનારા સભ્યોની સંખ્યા ફક્ત 54 છે. અમે પુષ્ટિ કરીશું કે કયા સભ્યએ બે વાર સહી કરી છે. તે સભ્યની બીજી સહી અમાન્ય ગણવામાં આવશે. બંધારણ મુજબ, રાષ્ટ્રપતિના આદેશ પછી સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટે, ઓછામાં ઓછા 100 લોકસભા અથવા 50 રાજ્યસભા સાંસદો દ્વારા સહી થયેલ ઠરાવ પસાર કરવો જરૂરી છે. દરખાસ્ત સ્વીકારવી કે નહીં તે નક્કી સ્પીકર અથવા ચેરમેન કરે છે.
નિવાસસ્થાનેથી બળી ગયેલી નોટો મળી આવી
15 માર્ચે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગ્યા બાદ મોટી સંખ્યામાં બળી ગયેલી ચલણી નોટો મળી આવ્યા બાદ જસ્ટિસ યશવંત વર્મા સામે ગેરવર્તણૂકના આરોપો મૂકવામાં આવ્યા હતા. તે સમયે તેઓ દિલ્હી હાઈકોર્ટમાં જજ હતા. રોકડ કૌભાંડમાં ફસાયા બાદ, સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. હવે તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ થતાં સંસદ હવે આ મામલાની તપાસ કરશે. ન્યાયાધીશ વર્માએ કોઈપણ ગેરવર્તણૂકમાં સંડોવણીનો ઇનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટની તપાસ પેનલે આ બાબતને ગંભીર ગણાવી
જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી ત્રણ સભ્યોની તપાસ પેનલે શોધી કાઢ્યું હતું કે, જસ્ટિસ વર્મા અને તેમના પરિવારનો તેમના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોર રૂમ પર નિયંત્રણ હતો. જ્યાં બળી ગયેલી નોટો મળી આવી હતી. પેનલે તારણ કાઢ્યું કે, ગેરવર્તણૂક એટલી ગંભીર હતી કે, તેમને પદ પરથી દૂર કરવા જોઈએ. જસ્ટિસ યશવંત વર્માએ તેમની સામે લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમનો દલીલ છે કે, તપાસ સમિતિ મહત્વપૂર્ણ તથ્યોની તપાસ કરવામાં નિષ્ફળ ગઈ અને એક વ્યક્તિ અને બંધારણીય કાર્યકર્તા તરીકેના તેમના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટનાએ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગે વ્યાપક ચિંતાઓ ઉભી કરી છે.
આ પણ વાંચો ---- 2006 Mumbai Train Blasts Case: હાઈકોર્ટનો મોટો નિર્ણય, 19 વર્ષ પછી બધા આરોપીઓ નિર્દોષ જાહેર


