Chhota Udepur: મતદાર યાદી સુધારણામાં કઈ મુશ્કેલીને લીધે આપવું પડ્યું આવેદનપત્ર?
- chhota Udepur માં મતદાર સુધારણા(Voter Reform)માં મુશ્કેલી
- ભાજપે તકલીફો દૂર કરવા અધિક કલેક્ટરને આવેદન આપ્યું
- બેંક પાસબુક, આધાર કાર્ડ જેવા દસ્તાવેજોને પુરાવા માન્ય રાખવા માંગણી
- બી.એલ.ઓ.ને ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં નિવારણની રજૂઆત
Chhota Udepur:ભારતના ચૂંટણી પંચ(Election Commission) દ્વારા ચાલી રહેલા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત છોટાઉદેપુર(Chhota Udepur) જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી સંતોષકારક હોવા છતાં મતદારોને હજુ કેટલીક તકલીફો પડી રહી છે. આ તકલીફોનું ત્વરિત નિવારણ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે આજે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. આ રજૂઆત સમયે નગર અને તાલુકાના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદી સુધારણાને વધુ સરળ અને સર્વગ્રાહી બનાવવાના ઉદ્દેશ્યથી BJP દ્વારા આ આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં મુખ્યત્વે સાત મહત્વના મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે, જેનો સીધો સંબંધ જિલ્લાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકો સાથે છે.
Chhota Udepur: રોજગાર અર્થે બહાર ગયેલા લોકો અને પુરાવાઓની સરળતા
આવેદનપત્રમાં રજૂ કરાયેલ સૌથી મહત્ત્વનો મુદ્દો રોજગાર અને મજૂરી અર્થે અન્ય ગામો કે રાજ્યોમાં વસવાટ કરતા લોકો અંગેનો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લામાંથી ઘણા લોકો ખેતી-મજૂરી કે અન્ય રોજગાર અર્થે બહારગામ રહે છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે જેથી તેમના નામ મતદાર યાદીમાંથી કાયમ માટે નીકળી ન જાય. બીજો અગત્યનો મુદ્દો આદિવાસી સમાજની વસ્તીને ધ્યાનમાં રાખીને પુરાવાઓને માન્ય રાખવા બાબતેનો હતો. રજૂઆત મુજબ, છોટાઉદેપુર જિલ્લામાં મોટાભાગે અનુસૂચિત જનજાતિ સમાજની વસ્તી હોવાથી, વહીવટી તંત્ર દ્વારા હાલની બેંક પાસબુક, આધાર કાર્ડ, તલાટીનો દાખલો, રેશન કાર્ડ અથવા શાળાનું એલ.સી. (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) જેવા દસ્તાવેજોને પુરાવા તરીકે માન્ય રાખવા માટે ખાસ જોગવાઈ કરવી જોઈએ, જેથી સામાન્ય અને ગરીબ મતદારોને તકલીફ ન પડે.
ઓનલાઈન પ્રક્રિયા અને સરહદી વિસ્તારના પ્રશ્નો
નવા યુવા મતદારોની નોંધણી પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં આવેદનપત્રમાં જણાવાયું હતું કે BLO (બૂથ લેવલ ઓફિસર) પાસે ઘણી વખત નવા ફોર્મ ઉપલબ્ધ હોતા નથી. આથી બી.એલ.ઓ. પાસે હંમેશા પૂરતા ફોર્મ્સ રાખવામાં આવે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને તે માટે ઘટતું કરવામાં આવે. ટેક્નોલોજી સંબંધિત પડકાર પર ધ્યાન દોરતા ભાજપ ટીમે જણાવ્યું કે બી.એલ.ઓ.ને ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં નેટવર્કની સમસ્યાને કારણે ઘણી તકલીફ પડી રહી છે. આથી, નેટવર્કની વ્યવસ્થા સુધારાય અને ચૂંટણી પંચની એપ સરળતાથી ચાલે તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી.
આ ઉપરાંત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદી વિસ્તારનો એક વિશિષ્ટ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. અન્ય રાજ્યોમાંથી લગ્ન કરીને છોટાઉદેપુર આવેલી મહિલા મતદારોને તેમના પિયરપક્ષના વિસ્તારમાંથી નામ શોધવામાં અને ટ્રાન્સફર કરાવવામાં તકલીફ પડી રહી છે, જેનું યોગ્ય સમાધાન લાવવા માંગ કરવામાં આવી હતી. અંતમાં, ગ્રામ પંચાયત કક્ષાએ મતદાર સહાયતા કેન્દ્ર શરૂ કરવા, વર્ષ 2002 ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ કરાવવા અને અંતરિયાળ વિસ્તારમાં મતદાર જાગૃતિ માટે વ્યવસ્થિત પ્રચાર-પ્રસાર થાય તેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ આવેદન આપતી વખતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાથે મહિલા મોરચાના આગેવાન સજ્જનબેન રાજપૂત, ભાજપ નગર પ્રમુખ અંકુરભાઈ પંચોલી, નગરના ચૂંટાયેલા કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપે આશા વ્યક્ત કરી હતી કે વહીવટી તંત્ર આ તમામ મુદ્દાઓનું ઝડપથી નિરાકરણ લાવી મતદાર સુધારણા કાર્યક્રમને વધુ સફળ બનાવશે.
અહેવાલઃ સલમાન મેમણ
આ પણ વાંચોઃ Chhota Udepur: સડેલું મકાઈનું બિયારણ મળતા હાહાકાર, ખેડૂતો વિતરણ કેન્દ્રએ પહોંચતા..!


