Chhota Udepur: સડેલું મકાઈનું બિયારણ મળતા હાહાકાર, ખેડૂતો વિતરણ કેન્દ્રએ પહોંચતા..!
- Chhota Udepur: કૃષિ વૈવિધ્યકરણ યોજના આપેલું મકાઈનું બિયારણ સડેલું નીકળ્યું
- સડેલા બિયારથી 1 હજારથી વધુ ખેડૂતોને હાલત કફોડી
- ખેડૂતોની મહેનત અને ખર્ચ પાણીમાં ગયા
- વાવણીનો સમય પણ વીતી ગયો.
- આક્રોશિત ખેડૂતો વિતરણ કેન્દ્ર પર પહોંચ્યા
- ડેપો મેનેજરે બિયારણ બદલી આપવાની તૈયારી દર્શાવી
Chhota Udepur:છોટાઉદેપુર જિલ્લાના 1 હજારથી વધુ ખેડૂતો માટે રાજ્ય સરકારની ‘કૃષિ વૈવિધ્યકરણ યોજના’ આશીર્વાદને બદલે શ્રાપરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ ખેડૂતોને રાહત દરે વિતરણ કરવામાં આવેલું મકાઈનું બિયારણ સદંતર ગુણવત્તા વિહીન અને સડેલું નીકળતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જે ખેડૂતોએ હોંશે હોંશે પોતાના ખેતરોમાં વાવણી કરી હતી, તેઓને હવે પાક ન ઊગતાં રડવાનો વારો આવ્યો છે.
બિયારણ નકલી!
કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ખેડૂતોને મકાઈનું બિયારણ, દવા અને અન્ય કીટ માત્ર રુ. 500 ના રાહત દરે આપવામાં આવી હતી. છોટાઉદેપુરના મોટી સંખ્યામાં ખેડૂતોએ આ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી અને 1 હજારથી વધુ ખેડૂતોએ સરકારી યોજનાનો લાભ લઈ કીટ મેળવી હતી.
આ ખેડૂતોએ સમયસર પોતાના ખેતરમાં બિયારણની વાવણી કરી દીધી. જોકે, દિવસો વીતવા છતાં ખેતરમાં મકાઈનો છોડ ન નીકળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. બીજી તરફ, જે ખેડૂતોને આ યોજનાનો લાભ નહોતો મળ્યો અને તેમણે ખાનગી બિયારણના વેપારી પાસેથી ખરીદી કરી વાવણી કરી હતી, તે મકાઈનો પાક યોગ્ય રીતે ઊગી નીકળ્યો હતો. આ તફાવત જોઈને સરકારી યોજના હેઠળ બિયારણ મેળવનાર ખેડૂતોએ તપાસ કરી તો માલૂમ પડ્યું કે વાવેતર કરેલું બિયારણ જેનું તેવું જ જમીનમાં પડ્યું છે. આ બિયારણ યોગ્ય ન હોવાથી ખેડૂતોનો વાવણી ખર્ચ, મહેનત અને પાણી પાછળનો ખર્ચ સંપૂર્ણપણે પાણીમાં ગયો.
વાવણીનો સમય વીત્યો, ખેડૂત નિરાશ
ખેડૂતોએ આશા રાખી હતી કે સરકારના સહારે તેમને ગુણવત્તાયુક્ત બિયારણ મળશે, પરંતુ આ નકલી બિયારણને કારણે ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે મકાઈના વાવેતરનો યોગ્ય સમયગાળો હવે વીતી ગયો છે. જો ખેડૂતો હવે ફરીથી વાવેતર કરવા જાય તો પણ તે નકામું સાબિત થાય તેમ છે.
અગાઉ પણ છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરના પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું, જેનું પૂરતું વળતર હજી સુધી ખેડૂતોને મળ્યું નથી. ગમે તેમ કરીને આશા ન છોડતાં ખેડૂતોએ ફરી સરકારી યોજનાનો લાભ લઈ મકાઈનું વાવેતર કર્યું હતું, પણ ગુણવત્તા વિહીન બિયારણે તેમની આશા તોડી નાખી. સરકારી યોજનાનો લાભ મેળવનાર 1 હજાર જેટલા ખેડૂતો હવે પોતાને છેતરાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. જ્યારે ખાનગી બિયારણના વેપારીઓ સામે નકલી બિયારણની ફરિયાદો આવે છે, ત્યારે સરકાર દ્વારા જ અપાતું બિયારણ પણ જો યોગ્ય ન હોય તો ખેડૂત કોના પર વિશ્વાસ મૂકે, તેવો સવાલ ઉભો થયો છે.
Chhota Udepur ના ખેડૂતોમાં આક્રોશ
સડેલું બિયારણ ખેતરમાં નાખવાને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં બિયારણ વિતરણ કેન્દ્ર પર પહોંચી ગયા હતા. ખેડૂતોના વિરોધને પગલે ડેપો મેનેજરે તાત્કાલિક બિયારણ બદલી આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે, આ બાબતે સવાલ એ ઉભો થાય છે કે, જો બિયારણની ગુણવત્તામાં કોઈ ખામી ન હોય તો તપાસ કર્યા વગર કેમ તેને બદલી આપવાની વાત કરવામાં આવી? કેટલાક ખેડૂતોએ આના પરથી બિયારણ નકલી હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી. જ્યારે આ અંગે ડેપો મેનેજરને પૂછવામાં આવ્યું તો તેમણે બિયારણની કંપની સાથે વાત કરવી પડશે, તેવો ગોળગોળ જવાબ આપ્યો હતો.
અહેવાલઃ સલમાન મેમણ
આ પણ વાંચોઃ ChhotaUdepur માં પાણીજન્ય રોગોનો કાળો કેર! દૂષિત પાણીથી નગરજનો પર આરોગ્ય સંકટ