HEALTH : બાળકને કેચઅપનો ચટાકો લાગ્યો હોય તો ખાસ ધ્યાન રાખજો
- બાળકો માટે કેચઅપ નિયમિત ખાવો જોખમી
- કેચઅપમાં રહેલી ખાંડ, સોડિયમ અને કૃત્રિમ રંગ રોગ નોતરી શકે છે
- બાળકોને વધુ સારા અને પૌષ્ટિક વિકલ્પો આપવા જોઇએ
HEALTH : આજના સમયમાં બાળકોની ખાવાની આદતો (CHILD HABITS) ઘણી બદલાઈ ગઈ છે. વ્યસ્ત જીવન, માતાપિતાના વ્યસ્ત સમયપત્રક અને બજારમાં ઉપલબ્ધ તૈયાર ખોરાકના વિકલ્પોને કારણે બાળકોને ગમતો ખોરાક આપવાનું સરળ લાગે છે. રોટલી સાથે કેચઅપ આપવો વિકલ્પોમાંથી એક છે. બાળકોને કેચઅપ (TOMATO KETCHUP) નો મીઠો અને ખાટો સ્વાદ એટલો ગમે કે, તેઓ તેને દરેક વસ્તુ સાથે ખાવાનું પસંદ કરે છે. ઘણી વખત માતાઓ તેમના બાળકો માટે લંચ બોક્સમાં રોટલી, પરાઠા અથવા સેન્ડવીચ કેચઅપ સાથે પેક કરે છે. પરંતુ નિયમીત કેચઅપ ખાવું બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
કેચઅપ ખાંડથી ભરેલું છે
ટોમેટો કેચઅપનો સ્વાદ લોકપ્રિય બનાવવા માટે તેમાં ઘણી બધી ખાંડ ઉમેરવામાં આવે છે. એક ચમચી કેચઅપમાં લગભગ એક ચમચી ખાંડ હોય છે, જે નાની ઉંમરના બાળકો માટે ખૂબ વધારે છે. તેથી નિયમિત ધોરણે વધુ પડતું કેચઅપ ખાવાથી સ્થૂળતા, ડાયાબિટીસ તેમજ દાંતની સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત વધુ પડતી માત્રામાં ખાંડનું સેવન કરવાથી બાળકોમાં એકાગ્રતાનો અભાવ સર્જાય છે, અને તેઓ સ્વભાવે ચીડિયા પણ બની શકે છે.
મીઠું અને પ્રિઝર્વેટિવ્સ પણ હાનિકારક છે
તમને જાણીને નવાઈ લાગશે કે, કેચઅપમાં સોડિયમનું પ્રમાણ પણ વધુ હોય છે. આનાથી બાળકોના બ્લડ પ્રેશર પર અસર થઈ શકે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો થઈ શકે છે. આ ઉપરાંત કેચઅપમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ અને કૃત્રિમ રંગો પેટની પાચન ક્રિયા પર ખરાબ અસર કરે છે. કેટલાક સંશોધનો અનુસાર, પ્રિઝર્વેટિવ્સ બાળકોમાં એલર્જી અને ત્વચાની સમસ્યાઓ સહિતની સમસ્યાઓનું કારણ બની શકે છે.
તો મોઢું ચઢાવી દે છે
જો બાળકોને વારંવાર કેચઅપ આપવામાં આવે છે, ત્યારે તેમની જીભ આ સ્વાદથી ટેવાઈ જાય છે. પરિણામે તેઓ અન્ય શાકભાજી અને સ્વસ્થ ખોરાકના વિકલ્પોથી દૂર રહેવાનું શરૂ કરે છે. ધીમે ધીમે આ આદતના કારણે બાળકો ઘરે બનાવેલ સ્વસ્થ ખોરાક જોતાં જ મોઢું ચઢાવી દે છે. બાળકોની આ આદત તેમની રોગપ્રતિકારક શક્તિ અને માનસિક વિકાસ પર સીધી અસર કરે છે.
વધુ સારા વિકલ્પો પૂરા પાડવા જોઇએ
બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, તેમને કુદરતી, પૌષ્ટિક અને તાજો ખોરાક આપવો મહત્વપૂર્ણ છે. જો બાળકોને ટામેટાંનો સ્વાદ ગમે છે, તો ઘરે કુદરતી ટામેટાંની ચટણી બનાવો. આ સાથે, તેમને ફળો, લીલા શાકભાજી અને ઘરે બનાવેલા સ્વસ્થ ખોરાક ખાવાની ટેવ પાડો.
આ પણ વાંચો ---- Late Night Snacks: રાત્રે લાગનારી ભૂખને આ ખોરાક શરીરને રાખશે હેલ્ધી


