બનાસકાંઠાના ભાભરમાં અબાળા ગામે ધીંગાણું : સરપંચ અને પૂર્વ સરપંચના જૂથો આમને-સામને, 8 લોકો ઘાયલ
- બનાસકાંઠાના ભાભરના અબાળામાં બે જૂથ વચ્ચે ધીંગાણું
- દબાણ દૂર કરવા મુદ્દે સરપંચ અને પૂર્વ સરપંચ વચ્ચે ઘીગાણું
- દબાણને લઈને બે જૂથો આવ્યા આમને સામને
- આઠ લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ
- સમગ્ર ઘટનાની જાણ થતા ભાભર પોલીસ ઘટના સ્થળે
- સમગ્ર ઘટનાના વીડિયો આવ્યા સામે
ભાભર : બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાળા ગામે દબાણ દૂર કરવાના મુદ્દે સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો વચ્ચે ગંભીર ધીંગાણું થયું છે. આ મારામારીમાં બંને પક્ષોના 8થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લાકડીઓ અને દાતરડાથી હુમલો થતો જોવા મળ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અબાળા ગામમાં દબાણ દૂર કરવાના મુદ્દે સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે શનિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યારે બંને જૂથો આમને-સામને આવી ગયા હતા. ઝઘડા દરમિયાન ધોકા, લાકડીઓ અને દાતરડાનો ઉપયોગ કરવામાં આવ્યો જેના કારણે બંને પક્ષના 8થી વધુ લોકોને ઈજાઓ થઈ. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ભાભરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી કેટલાકને આગળની સારવાર માટે રીફર કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મારામારી દરમિયાન વાહનોમાં પણ તોડફોડ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો- ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ; પુતિનની યુરોપને એટમી ચેતવણી- પરમાણુ હેડક્વાર્ટરની લીધી મુલાકાત
ઘટનાની જાણ થતાં ભાભર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લીધી છે. સીસીટીવી ફૂટેજ અને ઘટનાના વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ભાભર પોલીસના પીઆઈ એસ. ડી. ચૌધરીએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ હુમલામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. ઘટનાએ ગામમાં ફફડાટ ફેલાવ્યો છે, અને સ્થાનિક બજારો બંધ થઈ જતાં સુનકાર વ્યાપી ગયો હતો.
આ ઘટનાએ અબાળા ગામમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. પોલીસે વધુ તણાવ ન વધે તે માટે ગામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. આ ઘટના ઉપરાંત, ભાભરમાં અગાઉ પણ બે જૂથો વચ્ચે ધીંગાણાની ઘટનાઓ બની હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ઠાકોર અને દરબાર સમાજ વચ્ચેના વિવાદોનો સમાવેશ થાય છે.
આ ઘટના બાદ સ્થાનિક સમુદાયોમાં રોષ જોવા મળ્યો છે. અગાઉ મે 2025માં ભાભર હાઈવે પર બે જૂથો વચ્ચે થયેલા ધીંગાણામાં ઠાકોર સમાજના 5 લોકો ઘાયલ થયા હતા, જેના વિરોધમાં મૌન રેલી યોજાઈ હતી. આ ઘટનામાં પણ બંને પક્ષોના લોકો દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો- Gondal : ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસે ‘સન્ડે ઓન સાયકલ’ રેલી યોજી


