Ahmedabad: વિદેશ જવાની ઘેલછા ભારે પડી! એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો
Ahmedabad: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. બનાવટી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવડાવી યુ.કે જવાની કોશિશ કરનાર યુવક ઝડપાયો છે. અમદાવાદ (Ahmedabad) ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશન અધિકારીને શંકા જતા મુસાફરની તપાસ દરમિયાન પાસપોર્ટ બોગસ બનાવ્યો હોવાની હકીકત સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ઈમીગ્રેશન અધિકારીએ એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા તેની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીએ બોગસ પાસપોર્ટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકનું સાચુ નામ દિલીપ રાજુભાઈ મોઢવાડિયા
અમદાવાદ (Ahmedabad) એસઓજીની કસ્ટડીમાં રહેલા આ યુવકનું નામ દિલીપ રાજુભાઈ મોઢવાડિયા છે. આરોપી મૂળ પોરબંદરનો રહેવાસી છે અને બે દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી યુ.કે જવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે એરપોર્ટ ઈમીગ્રેશન અધિકારીએ શંકા આધારે તેને રોકીને તપાસ અને પૂછપરછ કરતા તેનો પાસપોર્ટ બોગસ હોવાનું સામે આવ્યું છે. રાજુ બગોન નાનમા યુકેના રહેવાસીએ યુવક દિલીપને પોતાનો પુત્ર બતાવી વિઝા અપાવ્યા હતા. જે પાસપોર્ટ બનાવવા માટે યુવકે 22 લાખ રુપિયા ચુકવ્યા હતા. જે હકિકત સામે આવતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી એસઓજીએ તપાસ શરુ કરી છે.
પાસપોર્ટ એજન્ટ રાજુ બગોન પાસેથી બનાવ્યો હતો પાસપોર્ટ
નોંધનીય છે કે, યુવક પાસેથી મળી આવેલા પાસપોર્ટમાં તેનું નામ રામ રાજુ બગોન હતું. આ મામલે એસઓજીએ વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે, યુવકે આ બોગસ પાસપોર્ટ એજન્ટ રાજુ બગોન પાસેથી બનાવ્યો હતો. તેમજ છ મહિનાના વિઝા પણ મેળવ્યા હતા. જે પાસપોર્ટ માટે દ્વારકાના ખીજદડમાં જન્મ સ્થાન બતાવી વલસાડના ખોટા દસ્તાવેજોના આધારે આ પાસપોર્ટ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે બોગસ પાસપોર્ટ માટે ઉપયોગમાં લેવાયેલા તમામ દસ્તાવેજોની તપાસ શરુ કરી છે.
પાસપોર્ટ બનાવવા માટે યુવકે આપ્યા હતા 22 લાખ રુપિયા
મળતી વિગતો પ્રમાણે પાસપોર્ટ બનાવવા માટે યુવકે 22 લાખ રુપિયા આપ્યા હતા. તે રુપિયા કેવી રીતે એજન્ટ સુધી મોકલ્યા અને આ યુવક સિવાય અન્ય કેટલા લોકોને બોગસ પાસપોર્ટના આધારે વિદેશ આ રીતે મોકલવામાં આવ્યા છે, સાથે જ બનાવટી દસ્તાવેજો બનાવવાના રેકેટમાં કેટલા લોકોની સંડોવણી છે તે અંગે પણ તપાસ શરુ કરી છે. નોંધનીય છે કે, પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે? તે જોવુ મહત્વનું છે.


