Vadodara : 'ભાજપ વિરૂદ્ધ જઈને તેમને શું મળ્યું 11 તારીખે ખબર પડી જશે' : શૈલેષભાઈ મહેતા
- ડભોઇ એપીએમસીની ચૂંટણી રસાસકીભરી થવાના એંધાણ
- ધારાસભ્યએ પોતાના જ લોકો વિરોધીઓને મદદ કરતા હોવાનું જણાવ્યું
- જાહેર મંચ પરથી ધારાસભ્યએ આરોપ મુકતા ખળભળાટ
Vadodara : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇમાં (Dabhoi) ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ડભોઇ એપીએમસીની (Dabhoi APMC) ચૂંટણીમાં ભાજપના જ અસંતુષ્ટો વિરોધીઓને મદદ કરતા હોવાનો ધારાસભ્ય શૈલેશભાઇ મહેતા (સોટ્ટા) (BJP MLA - Shailesh Mehta) એ જાહેર મંચ પરથી આરોપ લગાવ્યો છે. આરોપને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે. શૈલેષભાઇ મહેતાએ વિરોધીઓને સાફ શબ્દોમાં કહ્યું કે, ભાજપ વિરૂદ્ધ જઈને તેમને શું મળ્યું 11 તારીખે ખબર પડી જશે. આ જોતા ડભોઇ એપીએમસીની ચૂંટણી વધારે રસાકસી ભરી રહેનાર હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ ચૂંટણીના પરિણામો પર સૌ કોઈની નજર રહેશે.
તમામ લોકોના નામ મારી પાસે આવી ગયા
હાલ વડોદરા જિલ્લામાં આવતા ડભોઇની એપીએમસીની ચૂંટણીને લઇને માહોલ જામી રહ્યો છે. તાજેતરમાં જ એપીએમસીમાં વર્ચસ્વ ધરાવતા કેટલાક મોટા માથાઓ ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ ડભોઇ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આ વાતનો ખુલાસો ખુદ ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં એક જાહેર સંબોધનમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું કે, આપણા જ લોકો પાછળથી વિરોધીઓને મદદ કરી રહ્યા છે. તમામ લોકોના નામ મારી પાસે આવી ગયા છે. 10, તારીખે એપીએમસીની ચૂંટણી થશે, અને 11 તારીખે તેમને ખબર પડી જશે, કે ભાજપના વિરૂદ્ધમાં જઇને તેમને શું મળ્યું છે.
ગદ્દારી કરનારાઓ એક પણ સીટ જીતાડીને બતાવે
ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું કે, ગદ્દારી કરવા નીકળેલા લોકોને હું પડકાર આપવા માંગું છું, ગદ્દારી કરનારાઓ એક પણ સીટ જીતાડીને બતાવે. અત્રે નોંધનીય છે કે, આ વખતે એપીએમસીની ચૂંટણી વધારે રસાકસી વાળી થવા જઇ રહી છે. આ ચૂંટણીના પરિણામો પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો ----- Rajkot : હોસ્પિટલ બહાર ફાયરિંગ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ