ડભોઇ - દર્ભાવતિ નગરમાં ભારે ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન
અહેવાલ - પીન્ટુ પટેલ
આનંદ ચૌદશના દિવસે ગણપતિજીનું વિસર્જન કરવાનું હોય છે. જે મુજબ ડભોઇ - દર્ભાવતિ નગરીમાં હીરા ભાગોળ બહાર આવેલ ઐતિહાસિક ગોવિંદેશ્વર તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉંમટી પડ્યાં હતાં. ડભોઇ નગરમાં શેરીએ શેરીએ તથા ભકતજનોના ઘરોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ દ્રારા નાની - મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી.
ડભોઇ નગર તેમજ સોસાયટી વિસ્તારમાં થઈ બસો ઉપરાંત શ્રીજીની નાની - મોટી મૂર્તિઓની સ્થાપના કરી હતી. શ્રીજીની સ્થાપનાના દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચમા, અને સાતમા દિવસ બાદ અને છેલ્લે દશમાં દિવસે આનંદ ચૌદશે પ્રતિમાઓનું નદી અને તળાવોમાં વિસર્જનની પરંપરા છે. નગરનાં મુખ્ય માર્ગો અબીલ - ગુલાલની છોડો સાથે તથા ગણપતિ બાપા મોરીયા. . પુઢય્ચા વર્ષી લવકરયાના નારાઓથી ગૂંજી ઉઠયાં હતાં. નગરનાં માર્ગો ઉપર વિવિધ વેશભૂષામાં સજજ બાળકો અને ડીજેના તાલ સાથેની ગરબાની રમઝટે ખાસ આકર્ષણ જમાવ્યું હતું. દશ દિવસથી મોંઘેરુ આતિથ્ય માણી રહેલ મંગલ મૂર્તિને ભાવ ભરી વિદાય અપી હતી.
આજરોજ આનંદ ચૌદશના દિવસે વિસર્જન કરવાનું હોવાથી નાની મૂર્તિઓની સ્થાપના કરેલ કેટલાક મંડળોએ પોતાના વિસ્તારમાં અને ઘરમાં કરેલ શ્રીજીની મૂર્તિઓનું ઘર આંગણે જ વિસર્જન કરવામાં આવ્યું હતું. મોટી મૂર્તિઓનું હીરાભાગોળ બહાર આવેલ ગોવિંદેશ્વર તળાવ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું . શ્રીજીના વિસર્જન સમયે ભકતજનો ભાવુક બન્યાં હતાં. આવતાં વર્ષે વહેલાં પધારવાના કોલ લઈ બાપાને ભાવભરી વિદાય અપાઈ હતી.
આ ગણેશ વિસર્જનના પ્રસંગે નગરનાં ટાવર ચોક ખાતે શ્રીજીની સવારીઓનું નગરનાં આગેવાનો દ્રારા ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં ડભોઈ - દર્ભાવતિના ધારાસભ્ય શૈલષ મહેતા ( સોટ્ટા), ભાજપા પ્રદેશ કારોબારીના સભ્ય શશીકાંતભાઈ પટેલ, જિલ્લા ભાજપનાં મહામંત્રી ડૉ.બી.જે.બ્રહમભટ્ટ, જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ (વકીલ), શહેર ભાજપ પ્રમુખ ડૉ. સંદીપભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, યુવા અગ્રણી અને પાલિકાનાં સદસ્ય વિશાલ શાહ, ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ સતિષભાઈ રાવલ ( વકીલ), તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, સહિત વિવિધ રાજકીય - સામાજિક આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં. ડભોઇ પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન સમયે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હતી જેથી શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન થયું હતું.
આ પણ વાંચો - નર્મદા નદી ઉપર માલસર પાસે રૂ.225 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજનું PM મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે





