ચીનની મદદથી દિલ્હીની પ્રદૂષિત હવા થશે સ્વચ્છ? બેઇજિંગની પ્રદૂષિત હવા આ રીતે શુદ્વ કરી હતી!
- Delhi Pollution China Aid: દિલ્હીની હવા વધુને વધુ ઝેરીલી બનતી જાય છે
- ચીને દિલ્હીની હવા શુદ્વ કરવા માટે મદદની કરી ઓફર
- ચીને બેઇજિંગના વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી લીધું
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક બન્યું છે, ત્યારે ચીને ભારતને આ સમસ્યાના ઉકેલ માટે સહાયની ઓફર કરી છે. 2010ના દાયકાની શરૂઆતમાં, દિલ્હી અને ચીનની રાજધાની બેઇજિંગ બંને શહેરો ધુમ્મસ અને અત્યંત ખતરનાક વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા હતા. તે સમયે PM 2.5 નું પ્રમાણ નિયમિતપણે પ્રતિ ઘન મીટર 500 માઇક્રોગ્રામથી વધુ રહેતું હતું, જે વિશ્વ આરોગ્ય સંગઠનની વાર્ષિક માર્ગદર્શિકા કરતાં 50 ગણું વધારે હતું. જોકે, ચીને સતત સખત પગલાં લેતાં નવેમ્બર 2025 સુધીમાં બેઇજિંગના વાયુ પ્રદૂષણ પર નોંધપાત્ર નિયંત્રણ મેળવી લીધું છે.
China offers to help India tackle its severe air pollution crisis
Read @ANI Story | https://t.co/rLIbY6bdtI#China #airpollution #smog pic.twitter.com/aZFmfyraNm
— ANI Digital (@ani_digital) November 5, 2025
Delhi Pollution China Aid: ચીને દિલ્હીની હવા શુદ્વ કરવા મદદની કરી ઓફર
ચીને દિલ્હીને મદદની ઓફર કરતાં, એ જાણવું જરૂરી છે કે બેઇજિંગે આટલી સફળતા કેવી રીતે મેળવી. ચીની સરકારે આ માટે રાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરી, નવી નીતિઓ બનાવી અને તેનો કડક અમલ કર્યો. બેઇજિંગને પ્રથમ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું કારણ કે અહીં વિદેશી દૂતાવાસો આવેલા છે, અને પ્રદૂષણની સમસ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન માટે શરમજનક બની રહી હતી. બેઇજિંગમાં ઘણી નવી તકનીકોનું પરીક્ષણ કરાયું અને સકારાત્મક પરિણામો મળ્યા બાદ તેને અન્ય શહેરોમાં લાગુ કરાયું.
Delhi Pollution China Aid: ચીને બેઇજિંગના વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી લીધું
બેઇજિંગે પ્રદૂષણ નિયંત્રણમાં સફળતા મેળવવા માટે ઘણા મુખ્ય પગલાં લીધા. શહેરની વ્યૂહરચનામાં લો એમિશન ઝોન (LEZ) જેવી પહેલોએ મુખ્ય ભૂમિકા ભજવી, જેણે વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનોને શહેરમાં પ્રવેશતા અટકાવ્યા અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપ્યું. આ ઉપરાંત, પ્રદૂષણ ફેલાવતી ઔદ્યોગિક સુવિધાઓ બંધ કરવામાં આવી અને હીટિંગ સિસ્ટમ્સને અપગ્રેડ કરીને કોલસાનો વપરાશ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો. બેઇજિંગે 2017 સુધીમાં 3,000 નાના બોઈલર બંધ કર્યા અને કોલસાનો ઉપયોગ 30 ટકા ઘટાડ્યો, જેની જગ્યાએ કુદરતી ગેસ અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધાર્યો. શહેરમાં 4 ગીગાવોટ સૌર અને પવન ઉર્જા ક્ષમતા પણ ઉમેરવામાં આવી.
ચીને હવા પ્રદૂષણ નિયંત્રણ માટે લીધા આ પગલાં
વાહનોના પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે, બેઇજિંગે લાયસન્સ પ્લેટ લોટરી દ્વારા વાહનોની સંખ્યા મર્યાદિત કરી અને મેટ્રો નેટવર્કને 1,000 કિલોમીટર સુધી વિસ્તૃત કર્યું. જાહેર પરિવહન, સાયકલિંગ અને ઇલેક્ટ્રિક વાહનો (EVs) ને અપનાવવાથી પરિવહન ક્ષેત્રે પરિવર્તન આવ્યું. 2020 સુધીમાં, સબસિડી અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે નવા વાહન વેચાણમાં EVs નો હિસ્સો 40 ટકા હતો. બીજી બાજુ, દેખરેખના મોરચે પણ ઘણું કામ થયું; 1,500 સ્ટેશનોના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દ્વારા રીઅલ-ટાઇમ PM2.5 ડેટા જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાયો.
આ કડક પગલાંના કારણે, 2013 થી 2017 સુધીમાં, બેઇજિંગમાં PM2.5 સ્તર 35 ટકા ઘટ્યું. હવાની ગુણવત્તામાં સુધારો થવાથી બેઇજિંગના સ્થાનિક લોકોના આયુષ્યમાં આશરે 4.6 વર્ષનો વધારો થવાનો અંદાજ છે. 2013 અને 2020 ની વચ્ચે, વાયુ પ્રદૂષણમાં કુલ વૈશ્વિક ઘટાડામાં લગભગ ત્રણ-ચતુર્થાંશ યોગદાન ચીનનું હતું, જે તેની સફળતા દર્શાવે છે.


