સાયબર ગઠિયાઓનો નવો અવતાર, 'હું ડેટા પ્રોટેક્શન ઓફીસર બોલું છું'
- સાયબર ગઠિયાઓએ ડિજીટલ એરેસ્ટનું સ્વરૂપ બદલ્યું
- અધિકારીનું નામ લઇને લોકોને ઝાંસામાં ફસાવવાનો પ્રયાસ
- લોકોએ સમય સાથે બદલાતા ગઠિયાઓને જલ્દી ઓળખવાની જરૂર
- સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર મયુર ભુસાવળકર દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી
CYBER FRAUD : છેલ્લા બે વર્ષોમાં ડિજિટલ એરેસ્ટ (DIGITAL ARREST) ના ઘણા કેસો આપણી સામે આવ્યા છે. જેમાં ઘણા ભોગ બનેલ લોકોએ ભયને કારણે પોતાના મહેનતથી કમાવેલા રુપિયા ખોવાનો પણ વારો આવ્યો છે. સરકાર, પોલીસ, મીડિયા અને વિવિધ સામાજીક સંસ્થાઓએ ડિજિટલ એરેસ્ટ બાબતે સમાજમાં સાઈબર જાગૃતિ (CYBER AWARENESS) પણ ફેલાવી ,જેને લીધે ડિજિટલ એરેસ્ટના કેસ ઘટવા પામ્યા છે. લોકો સાઈબર જાગૃત બન્યા છે, પણ છેલ્લા એક મહિનાથી સાઈબર અપરાધીઓ એ "ડિજિટલ એરેસ્ટ 2.0" થી લોકો સાથે ઠગાઇ કરવાનું ચાલુ કર્યું છે, વધુમાં અત્યાર સુધીના ડિજિટલ એરેસ્ટના તમામ પ્રકારના કેસોમાં સાઈબર અપરાધીઓ નકલી પોલીસ, સીબીઆઈ,ઈડી,કસ્ટમ ઓફિસર્સ, જજ બનીને યૂઝર્સ ને કોલ કરતાં હતા, પરંતુ "ડિજિટલ એરેસ્ટ 2.0" (DIGITAL ARREST 2.0) અંતર્ગત હવે સાઈબર અપરાધીઓ ડેટા પ્રોટેક્શન ઓફીસરના નામથી કોલ (FAKE DATA PROTECTION OFFICAL SCAM) કરીને લોકોને લૂંટવાનો પ્રયાસ કરી રહયા છે. વધુમાં સાઈબર અપરાધીઓ એવા યૂઝર્સ ને પણ ટાર્ગેટ કરી રહયા છે, જે કાંતો ડિજિટલ એરેસ્ટ ના ભોગ બન્યા હોય અથવા તો ભોગ બનતાં બચ્યા હોય, તો બધાએ આવા સ્કૅમથી સાવધ અને જાગૃત રહેવાની જરુર છે. આ અંગે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર મયુર ભુસાવળકર (CYBER EXPERT - MAYUR BHUSAVALKAR) દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે.
કેસ સ્ટડી :
તેમણે જણાવ્યું કે, હાલમાં જ વડોદરા ની એક મહિલાને વેસ્ટ બંગાળ ના મોબાઈલ નંબર પરથી ડેટા પ્રોટેક્શન અધિકારી બનીને એક ઈસમે કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે હું ડેટા પ્રોટેક્શન ઓફીસર બોલું છે અને જણાવ્યું કે તમારા મોબાઈલ થકી ડેટાનો દુરુપયોગ થઈ રહયો છે,આટલું જ સાંભળતા મહિલાએ ફોન કોલ કાપી નાખ્યો હતો,અને નંબર બાબતે જાણકારી મેળવવા અને ડેટા પ્રોટેક્શન અધિકારી શું હોય છે, તે માટે મારો સંપર્ક સાધ્યો હતો , આજ મહિલા ને "મે 2024" માં કોઈ અજ્ઞાત ઈસમે "ટ્રાઈ દિલ્હી" નો નકલી અધિકારી બનીને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ડેટા પ્રોટેક્શન ઓફીસર કૌભાંડની મૉડેસ ઓપરેન્ડી ચાર પગલાંઓમાં
(1) સાઈબર અપરાધીઓ ડેટા પ્રોટેક્શન ઓફીસર નો સ્વાંગ ધારણ કરીને કોલ કરતા હોય છે , અને ફોન રિસીવ કરનારને વિવિધ પ્રકારની ધમકીઓ આપતા હોય છે, જેમકે અમારા ઈન્વેસ્ટીગેશનમાં એ બાબત સામે આવી છે કે, છેલ્લા બે મહિનાઓથી તમારો મોબાઈલ નંબર અને આઈ.પી એડ્રેસ થકી પોર્ન સાહિત્યનું વિતરણ કરવામાં આવી રહયું છે, તમે વિવિધ વેબ સાઈટ પરથી ડેટાની ચોરી કરી રહયા છો, તમે બીજાની વેબસાઈટ પરથી કોપીરાઈટ ધરાવતા ડેટાની ઉઠાંતરી કરી છે અને સોશ્યિલ મીડિયા પર વગર પરવાનગીએ તે ડેટાને મૂક્યો છે વગેરે વગેરે, પરિણામે તમારા પર કાયદાકીય પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે, તમે અત્યારે ઈન્વેસ્ટીગેશન અંતર્ગત છો, જો તમે બીજા કોઈને આ બાબત વિશે જણાવશો, તો તમારી ત્વરિત ધરપકડ કરવામાં આવશે.
(2) હવે જયારે યૂઝર સાઈબર અપરાધીની વાતમાં ફસાઈ જાય ત્યારબાદ યૂઝરને પૂછવામાં આવે છે કે શું તારે આ કેસ આગળ ચલાવવો છે કે, ફોન પર જ પૂર્ણ કરવો છે, તો ગભરાયેલ યૂઝર મોટે ભાગે ફોન પર જ કેસ પૂર્ણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે,અને ત્યારબાદ સાઈબર અપરાધી યૂઝરને તમારા ડેટા અમારે વેરીફાય કરવા પડશે, તેમ જણાવી રિમોટ એક્સેસ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવે છે, અને યૂઝરના સમગ્ર ફોનનું નિયંત્રણ મેળવી લે છે,વધુમાં સાઈબર અપરાધીઓ ધ્વારા ભોગ બનનારનું પેનકાર્ડ,આધારકાર્ડ ,બેંક ની માહિતી,સંપત્તિ ની માહિતી ,લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝ ફોટો અને આવક બાબતે પણ માહિતી યૂઝર પાસેથી મેળવતા હોય છે.
(3) ત્યારબાદ યૂઝરને સાઈબર અપરાધી જણાવે કે છે કે, તમારા ફોનના ડેટા અમે વેરીફાય કરી દીધા છે ,હવે તમારે 25 થી 30 જેટલો દંડ ભરવો પડશે , કારણકે તમારા મોબાઈલના ડેટાની તપાસ દરમ્યાન ઘણી વાંધાજનક બાબત અમારે ધ્યાને આવી છે, તો શું કરવું છે તમારે,દંડ ભરવો છે, કે જેલમાં જવું છે.
(4) અને જયારે ગભરાયેલ વ્યક્તિ દંડ ભરવા માટે તૈયાર થઈ જાય , ત્યારે તેને ડેબિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ થી જ પેમેન્ટ કરવાની ફરજ પાડવામાં આવે છે,અને જયારે યૂઝર ડેબિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ થી પેમેન્ટ કરતો હોય ત્યારે સાઈબર અપરાધી યૂઝર ની ડેબિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને લગતી માહિતી રિમોટ એક્સેસ એપ્લીકેશન થી મેળવી લે છે, અને ત્યારબાદ યૂઝરના બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ સેરવી લે છે.
સાવચેતીના પગલાંઓ
(1) ડેટા પ્રોટેક્શન અધિકારી ક્યારેય કોઈને ડાયરેક્ટ કોલ કરતા નથી હોતા, તે બાબત હંમેશા યાદ રાખવી જોઈએ.
(2) જો ડેટા પ્રોટેક્શન અધિકારી ને નામે જો કોઈ ઈમેઈલ તેમજ મેસેજ આવે તો ગભરાયા વગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને તે મેસેજની યથાર્થતા ચકાસવી જોઈએ.
(3) ક્યારેય પણ "રીમોટ એક્સેસ એપ્લીકેશન" મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવી જોઈએ નહીં.
(4) ક્યારેય પોતાની અંગત માહિતી જેવી કે પેનકાર્ડ,આધારકાર્ડ ,બેંક ની માહિતી,સંપત્તિ ની માહિતી ,લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝ ફોટો અને આવક ત્રાહિત
વ્યકિત સાથે ક્યારેય શેર ન કરવા જોઈએ.
(5) ક્યારેય ગભરાઇને રુપિયા ટ્રાન્સફર ન કરવા જોઈએ.
(6) જો કોઈ ધાક ધમકી વાળો મેસેજ ફોન પર આવે છે તો, તે મેસેજનો સ્ક્રીનશોટ લઈ લેવો જોઈએ,કારણકે સાઈબર અપરાધીઓ થયેલ ચેટ ને ત્વરિત ડિલીટ કરી દેતા હોય છે.
(7) લિક પર ક્લિક કરતાં પહેલા તે લિક ને ચકાસવી અત્યંત જરુરી હોય છે.
(8) મોબાઈલમાં ઉપલબ્ધ બધી જ એપ્લીકેશનો ને સતત અપડેટ રાખવી જોઈએ.
(9) જો બેંક એકાઉન્ટમાંથી નાણાં ડેબિટ થાય તો 1930 પર કોલ કરીને ગોલ્ડન અવર માં જ ફરીયાદ નોંધાવવી જોઈએ.
આ પણ વાંચો ---- Man Defeats AI Model: એક વ્યક્તિએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં OpenAI ને હરાવ્યું


