Ahmedabad ની Seventh Day School માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
- Seventh Day School: દોઢ મહિના બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે
- નયનની હત્યા બાદ થયેલ તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું
- હાઇકોર્ટના નિર્દેશ બાદ આજે શાળા ફરી શરૂ થઈ છે
Seventh Day School: અમદાવાદની ખોખરા વિસ્તારની સેવન્થ ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ છે. નયનની હત્યા બાદ થયેલ તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું. દોઢ મહિના બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. હાઇકોર્ટના નિર્દેશ બાદ આજે શાળા ફરી શરૂ થઈ છે. ધો 10 થી 12 ના વર્ગો આજથી શરૂ છે. ધારાસભ્ય અમુલ ભટ્ટ, DEO અને કોર્પોરેટરો પણ ઉપસ્થિત છે. પહેલા દિવસે મૃતક નયનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તકેદારીના ભાગ રૂપે શાળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જાણો સમગ્ર ઘટના વિશે
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ હતુ. આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીએ શાળામાં બે ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે, જેથી શાળાની ગતિવિધિઓ પર નજર રાખી શકાય અને યોગ્ય મોનિટરિંગ થઈ શકે. આ ઉપરાંત, શાળાની અનિયમિતતાઓની તપાસ માટે રચાયેલી સમિતિ પણ કામગીરી કરી રહી છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં વિચારણામાં છે. આ દરમિયાન વાલીઓનું એક જૂથ શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેની હિમાયતમાં DEO કચેરીમાં રજૂઆત કરી ચૂક્યું છે.
ઓબ્ઝર્વરો શાળામાં ફરીથી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થાય ત્યારે મોનિટરિંગની જવાબદારી સંભાળશે
ઓગસ્ટ 2025માં ખોખરા વિસ્તારની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ ઘટના બાદ શાળા દ્વારા સુરક્ષા અને વહીવટી નિષ્ફળતાના આરોપોને લઈને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો હતો, અને શાળાના મેનેજમેન્ટ પર ગંભીર સવાલો ઉભા થયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટનાને ગંભીર ગણાવી અને શાળામાં બે ઓબ્ઝર્વરની નિમણૂક કરી હતી. જે શાળાની ગતિવિધિઓ, સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી કામગીરી પર નજર રાખશે. આ ઓબ્ઝર્વરો શાળામાં ફરીથી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થાય ત્યારે મોનિટરિંગની જવાબદારી સંભાળશે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
શાળામાં શિક્ષણ ચાલું કરવા વાલીઓની રજૂઆત હતી
છેલ્લા એક સપ્તાહથી વાલીઓનું એક જૂથ શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની માંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં રજૂઆત કરી રહ્યું છે. વાલીઓનું કહેવું છે કે શાળા બંધ રહેવાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન થઈ રહ્યું છે, અને ઓનલાઈન શિક્ષણ પ્રત્યક્ષ શિક્ષણનો વિકલ્પ નથી. તેમણે DEOને વિનંતી કરી છે કે શાળામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે. શાળાની અનિયમિતતાઓ અને વિદ્યાર્થીની હત્યાની ઘટનાની તપાસ માટે રચાયેલી સમિતિ હાલ તપાસ કરી રહી છે.
આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં વિચારણામાં છે
આ સમિતિ શાળાના સુરક્ષા પ્રોટોકોલ, વહીવટી નિષ્ફળતાઓ અને મેનેજમેન્ટની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં વિચારણામાં છે, જ્યાં વાલીઓ અને અન્ય પક્ષકારોએ શાળાની બેદરકારી અને સુરક્ષા ખામીઓ અંગે રજૂઆત કરી છે. હાઈકોર્ટે આ મામલે શાળા મેનેજમેન્ટ અને જિલ્લા શિક્ષણ વિભાગને નોટિસ પાઠવી છે, અને આગામી સુનાવણીમાં વધુ નિર્ણયોની શક્યતા છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 3 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


