ભારતનું આર્થિક માયાજાળ : મસમોટા આંકડાઓના રસ્તે આવી રહેલી રોજિંદી મુશ્કેલીઓ!
દિલ્હીની શાનદાર લાઈફ-સ્ટાઇલથી ભરેલી ગલીઓમાં કે બેંગલુરુની ચકચકાટ કરતી ટેકનોલોજી ગલીઓમાં કોઈ પણ વિચારી શકે કે ભારતની અર્થવ્યવસ્થા કોઈ રોકેટ છે, જે સુપરપાવર તરફ ઝડપથી દોડી રહી છે.
સરકારી આંકડાઓને તો જાણે રંગીન ચશ્માંથી જોવામાં આવે છે. 2025-26ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP એટલે કે દેશની અર્થવ્યવસ્થા 7.8%ની ઝડપે વધી અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) કહે છે કે 2025માં આપણી અર્થવ્યવસ્થા 4.19 લાખ કરોડ ડોલરની થઈ ગઈ છે.
પરંતુ અર્થશાસ્ત્રીઓની ખુસર-પુરસ કે પછી કેટલાક લોકોનો ઊંચો અવાજ જણાવે છે કે આ ચમક-દમક કોઈ સ્થાયી રોશની નથી, પરંતુ એક એવી જ્યોત છે જે ગમે ત્યારે ઓલવાઇ શકે છે.
કેટલાક સરકારના ટીકાકારો ભારત પર 2015થી આર્થિક આંકડાઓને “મસાલો લગાવીને” પીરસવાનો આરોપ લગાવી રહ્યાં છે.
આ ટીકાકારો દ્વારા કહેવામાં આવ્યું કે GDPને 2 લાખ કરોડ ડોલર સુધી ફુલાવી દેવામાં આવી છે! નોંધબંધીને આર્થિક ધરતીકંપ અને GSTને લાગુ કરવામાં ગોટાળા કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ એવો દાવો કરાયો છે કે આપણી અર્થવ્યવસ્થા વિદેશોમાં પરસેવો રેડનાર ભારતીયોની કમાણી પર ટકેલી છે. ભ્રષ્ટાચારને રોજિંદા “ગુપ્ત કર” ગણાવ્યો અને તંજ કસાયો કે ભારતીયો પોતાની ધાર્મિકતાને સમૃદ્ધિથી વધુ પ્રેમ કરે છે.
જોકે, ટીકાકારોની કેટલીક વાતોને આપણે ગધેડાની લાત જેવી ગણી શકીએ છીએ, પરંતુ તેમાં ઓછામાં ઓછી કેટલીક બાબતોને આપણે નકારી શકીએ નહીં. જે સત્ય સાથે વરેલી છે. તેથી તે બાબતોનો આપણે ઈન્કાર પણ કરી શકીએ તેમ નથી. ભારતના વિકાસની વાતો સત્ય છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને સિસ્ટમનો સડો પણ જોવા મળી રહ્યો છે. જે આંકડાઓ સાથે રમત કરતો દેખાઈ રહ્યો છે.
તો ચાલો, આ ભારતીય અર્થવ્યવસ્થા અને તેના આંકડાઓની માયાજાળને થોડા વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીએ તે પણ એકદમ અલગ અંદાજમાં અને ગંભીરતા સાથે.
GDPનો જાદુ-ટોનો
ટીકાકારો દ્વારા GDPને 2 લાખ કરોડ ડોલર સુધી ફુલાવવાનો દાવો એવો છે જાણે કોઈ કહે કે આપણે ચંદ્રને જમીન પર ઉતારી લાવ્યા છીએ! પોસ્ટમાં GDPને 2.3 લાખ કરોડ ડોલર ગણાવ્યું, જે ઇટાલી અને કેનેડાથી પણ પાછળ છે. આ આંકડો જાણે હવામાંથી ઉડીને આવ્યો હોય એવું લાગી રહ્યું છે.
અસલમાં 2025ના અનુમાનો કહે છે કે ભારતની GDP 4.19 લાખ કરોડ ડોલર છે અને આપણે જાપાનને ધૂળ ચટાડીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ.
IMFનો એપ્રિલ 2025નો અંદાજ પણ એ જ કહે છે કે 4.187 લાખ કરોડ ડોલર. પરંતુ GDPની “હવામાં ઉડવાની” વાત હાથ-પગ વગરની છે. આ સવાલ 2019માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે 2015માં બદલવામાં આવેલી "ગણતરી પદ્ધતિ"એ 2011થી 2017 સુધી દર વર્ષે GDPને 2.5% વધુ દર્શાવી છે. તેથી વર્તમાન સમયમાં પણ બતાવવામાં આવતી જીડીપી એક મૃગજળ જેવી જ છે.
ત્યારે આધાર વર્ષને 2004-05થી બદલીને 2011-12 કરવામાં આવ્યું અને કોર્પોરેટ મંત્રાલયની ફાઇલિંગ જેવા નવા સ્ત્રોતો ઉમેરવામાં આવ્યા. આલોચકોનું કહેવું છે કે આથી 80 ટકા રોજગાર આપતા અસંગઠિત ક્ષેત્રનું સાચું આકલન થઈ શક્યું નથી અને નોટબંધી જેવા આંચકાઓએ તો આ ક્ષેત્રને વધુ કચડી નાખ્યું છે.
2025માં પણ આ આશંકા કાયમ છે. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયે એપ્રિલ-જૂન 2025માં 7.8% વાસ્તવિક GDP વૃદ્ધિ જણાવી, જે પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ છે. કારખાનાઓના ઉત્પાદન (7%) અને સેવાઓ (7.2%)એ તેને થોડી સ્પીડ આપી.
પરંતુ HSBC બેંક અને ગોલ્ડમેન સૅક્સ જેવા મોટા ખેલાડીઓ ચીસો પાડી રહ્યા છે કે આ આંકડા “હવાઈ” છે. તેમનું કહેવું છે કે GDP ડિફ્લેટર અથવા માનક—જે મુદ્રાસ્ફીતિ દૂર કરીને વાસ્તવિક વૃદ્ધિ દર્શાવે છે—ખૂબ જ ઓછું છે.
HSBCનું માનવું છે કે જો સેવાઓ માટે સાચું ડિફ્લેટર (5-6% ગ્રાહક મુદ્રાસ્ફીતિ) લેવામાં આવે તો આર્થિક વૃદ્ધિ 5.5% સુધી ઘટી જશે!
નોમુરા પણ કહે છે કે આંકડાઓની બાજીગરી વાસ્તવિક કમજોરીઓ છુપાવી રહી છે. કોર્પોરેટ વેચાણની નરમાઈ અને વ્યક્તિગત ખપત (GDPનો 60%)ની 7.4% નજીવી વૃદ્ધિ પણ આ ચમકને ફીકી કરી દે છે.
આંકડાઓનો ગડબડ ગોટાળો
ઓછા ડિફ્લેટરના કારણે કિંમતોની વૃદ્ધિ ઓછી દેખાય છે. ખાસ કરીને સેવાઓમાં જે GDPનો 55% છે. ભારતનું સેવા ક્ષેત્ર ડિફ્લેટર ઘણીવાર માલની જથ્થાબંધ કિંમતો (2%ની આસપાસ)ને માને છે, નહીં કે શિક્ષણ, આરોગ્ય અને પરિવહનની 5-6% મુદ્રાસ્ફીતિને. આ કોઈ “બનાવટી” નથી પરંતુ ગણતરીની ભૂલ છે, જે આશાઓને હવા આપવા લાગે છે.
વિશ્વ બેંક અને IMFએ પણ શંકા વ્યક્ત કરી છે. IMFનો અંદાજ છે કે 2025માં 6.4% વૃદ્ધિ થઈ છે, જેનો અવાજ સરકારી ઢોલથી ઘણો ઓછો છે. જો આ સાચું હોય તો વાસ્તવિક GDP 4 ને બદલે 3 લાખ કરોડ ડોલરની આસપાસ હોઈ શકે. પરંતુ 2 લાખ કરોડની વૃદ્ધિનો દાવો તો ષડયંત્ર જેવો લાગે છે, જાણે ખોળામાં ચંદ્ર ઉતરી આવ્યો હોય!
GDPમાં કર ભરનારાઓનું પ્રમાણ જોઈએ તો કદાચ વાત થોડી સ્પષ્ટ થઈ શકે. ભારતના કર-થી-GDP પ્રમાણ 18% છે, જે ભારતની પ્રતિ વ્યક્તિ આવકના સમકક્ષ ઊભેલા દેશોની તુલનામાં ઓછી છે.
140 કરોડની વસ્તીમાં માત્ર 7% (10 કરોડ) લોકો ટેક્સના કાગળો ભરે છે અને માત્ર 1.3 કરોડ લોકો કર ચૂકવે છે. એટલે કે આપણું અસંગઠિત ક્ષેત્ર અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો છે જ્યાં રોકડ વ્યવહારોને ટેક્સ લેનારા પકડી શકતા નથી.
વિદેશી મુદ્રાનો તમાશો
2025માં આપણું વિદેશી મુદ્રા ભંડાર 670 અબજ ડોલર છે, જે નાના-મોટા આર્થિક આંચકાઓમાં આપણી ઢાલ બની શકે છે! પરંતુ ટીકાકારો સાચું કહે છે કે 7 લાખ રૂપિયા ($8,400)થી વધુની વિદેશી મુદ્રા ખરીદવા પર 20% ટેક્સ (TCS) લાગે છે, સિવાય શિક્ષણ અને ચિકિત્સા (5%)ના ક્ષેત્રે. આનાથી સમાંતર અર્થતંત્રને પ્રોત્સાહન મળ્યું છે.
આથી વ્યવહારો મુશ્કેલ થઈ જાય છે અને કાળું બજાર વધે છે. મધ્યમ વર્ગના ખિસ્સા પર ડાકો પડે છે, કારણ કે ટેક્સ રિટર્નથી જ આ પૈસા પાછા મળે છે. આ તો એ જ વાત થઈ કે પહેલા ફટકા મારો પછી મલમ લગાવો!
નોટબંધીનો ઘા
2016ની નોટબંધીમાં 86% બેકાર થયેલી નોટો આજે પણ દિલ દુખાવે છે. કાળું ધન તો નીકળ્યું નહીં ઉલટું અર્થવ્યવસ્થા લથડી ગઈ. GDP વૃદ્ધિ 2016-17માં 8.3%થી ઘટીને 6.8% થઈ ગઈ અને પ્રભાવિત વિસ્તારોમાં રોજગાર 1.5% ઘટ્યો.
રોકડ પર ટકેલા નાના ધંધા બંધ થઈ ગયા, મજૂરો પાસે કામ ન બચ્યું. એક અભ્યાસ કહે છે કે રોકડ-પ્રધાન વિસ્તારોમાં ઉત્પાદન 2-3% ઘટ્યું. માત્ર 1.8% નોટો પાછી ન આવી અને કાળા ધનનો ખજાનો તો બસ સપનું રહ્યું. આજે ખરેખર UPIથી દર મહિને 14 અબજ વ્યવહારો થઈ રહ્યા છે, પરંતુ આ માટે આટલી મોટી કિંમત ચૂકવવાની શું જરૂર હતી?
કહેવાઈ રહ્યું છે કે અર્થવ્યવસ્થા જો મજબૂત છે તો તેની પાછળ સમજદાર નીતિઓ નથી. તે લોકો લડાયક ભાવના સાથે આગળ વધી રહ્યા છે!!
GSTનો ઝોલ
2017માં GSTને “એક દેશ, એક કર”નો તમગો આપવામાં આવ્યો પરંતુ આ એક સમસ્યા બની ગઈ. ઘણા સ્લેબ (0%, 5%, 12%, 18%, 28%), ખરાબ ઓનલાઇન પોર્ટલ અને ઊંધા કર માળખાએ નાના કારોબારીઓની ઊંઘ ઉડાડી દીધી. નિકાસ અટકી, રિફંડ રોકાયા. હવે રાજસ્વ 224 અબજ ડોલર વાર્ષિક છે, પરંતુ જટિલતા યથાવત છે.
GSTમાં હવે સ્લેબ ઘટાડવામાં આવ્યા છે પરંતુ ફર્સ્ટ બેંક કહે છે કે આથી 20 અબજ ડોલરનું નુકસાન થશે. GSTએ ઔપચારિકતા વધારી પરંતુ અસંગઠિત ક્ષેત્રની ચમકને ધૂળ ચટાડી દીધી.
રેમિટન્સની રીઢ
2024માં પણ દેશોમાંથી 129 અબજ ડોલરની આવક થઈ જે GDPનો 3.5% છે. આથી અર્થવ્યવસ્થાને થોડો સહારો મળ્યો. ખાડીના મજૂરો, અમેરિકાના “ટેક”વાળા અને યુરોપની નર્સો રૂપિયાને મજબૂતી આપે છે. આ પૈસા ન આવે તો ગ્રામીણ માંગની નબળાઇ અને 17%થી વધુ યુવા બેરોજગારી (2024) અર્થવ્યવસ્થાને ડુબાડી દે.
કારોબારનો કાંટાવાળો રસ્તો
ભારતને દુનિયાભરમાં કારોબાર માટે “સૌથી મુશ્કેલ” જગ્યા ગણાવામાં આવે છે. વિશ્વ બેંકની 2020 રેન્કિંગમાં ભારત 63મા નંબરે હતું, જે પહેલાં કરતાં સુધર્યું છે પરંતુ સાથે આશાઓ પણ વધી છે! પરંતુ નોકરશાહીનું જંગલ હજુ પણ ગાઢ છે. કંપનીઓ ચલાવવા માટે 1,500થી વધુ નિયમો હજુ પણ છે અને રોજ વધી જ રહ્યા છે. જમીન ખરીદી અને જૂના ટેક્સના ઝઘડા, જેવા કે વોડાફોનનો કેસ રોકાણકારોને સતાવે છે. આ તો એવું થયું કે મહેમાનને ઘરે બોલાવો પરંતુ દરવાજો બંધ રાખો!
રિશ્વરતખોરી
ટ્રાન્સપેરન્સી ઇન્ટરનૅશનલની 2024 રેન્કિંગમાં ભારત 180 દેશોમાં 96મા નંબરે છે. 60%થી વધુ ભારતીયોને લાગે છે કે લાંચખોરી વધી છે! ઓછો પગાર (ક્લર્કને 25,000 રૂપિયા મહિને), જટિલ નિયમો (ફેક્ટરી માટે 69 મંજૂરીઓ), અને “ચા-પાણી”ની (ટેબલ નીચેથી) આદત આની જડ છે. નાની-મોટી લાંચ વાર્ષિક 10 અબજ ડોલરનું નુકસાન કરે છે.
અદાણી જેવા મોટા ગોટાળા અવિશ્વાસને વધુ ગાઢ કરે છે. છતાં આધાર સાથે જોડાયેલી સબસિડીએ 30 અબજ ડોલર બચાવ્યા અને ડિજિટલ ટેન્ડરે લાંચ થોડી ઘટાડી. પરંતુ આ તો એવું છે જેવું તાવમાં પરસેવો નીકાળવાની કોશિશ. રોગ તો અંદર જ રહે છે.
ધર્મ અને દોલતની રમત
ભારતીયો “ધર્મને સમૃદ્ધિથી વધુ પ્રેમ કરે છે” થોડો રૂઢિગત છે. GDPની શેખી પર છાતી ફૂલે છે, પરંતુ પ્રતિ વ્યક્તિ GDP $2,600 (143મો સ્થાન) સાંભળીને નાક અને ભવા ચડી જાય છે. આમા સુધારાની આશા જગાડવામાં આવી છે, જેમ કે મોદીનું “વિકસિત ભારત” 2047 સુધી 30 લાખ કરોડ ડોલરનું સપનું.
વિશ્વ ખુશી રિપોર્ટ 2024માં ભારત 126મા નંબરે છે, પરંતુ ગરીબી વચ્ચે તહેવારોની ધૂમ જોવા મળી રહી છે. એક તરફ પેટનો ખાડો પૂરવા પૂરતા સ્ત્રોત નથી તો બીજી તરફ મોઢામાં મીઠાઈ છે.
આગળનો રસ્તો
ભારતની અર્થવ્યવસ્થા કોઈ માયાજાળ નથી, પરંતુ ઢગલાબંધ ગડબડો રહેલી છે. ફૂલેલા આંકડા સંસાધનોનો ખોટો ઉપયોગ કરાવે છે; લાંચખોરી તાકાત ચૂસી રહી છે. ઈલાજ? સ્વતંત્ર સાંખ્યિકી તપાસ, સરળ ટેક્સ વ્યવસ્થા અને ડિજિટલ સખ્તાઈ. વિદેશી મુદ્રાની આવકથી થોડી સાંસ મળી પરંતુ કારખાનાઓમાં વધુ કૌશલ્ય જોઈએ.
કોઈ ને કોઈ ચૂંટણી હંમેશા માથે રહે છે અને વૈશ્વિક પડકારો (ટ્રમ્પના ટેરિફ?) વધી રહ્યા છે. આ બધાથી લડવા માટે આપણે સત્યને ગળે લગાવવું પડશે.
ભારતીયોને માત્ર ભક્તિ નહીં પરંતુ સમૃદ્ધિ પણ જોઈએ. રસ્તો કાંટાવાળો છે, પરંતુ મંઝિલ બોલાવી રહી છે.
આ પણ વાંચો- Bihar Elections 2025 : બિહાર વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે, 6-11 નવેમ્બરે મતદાન, 14 નવેમ્બરે પરિણામ


