હાઇકૉર્ટમાં રજૂ કરેલા Covid ના બૉગસ સર્ટિફિકેટની પોલ ખુલી જતાં આરોપી અને તેના સાગરિતને અદાલતે 3-3 વર્ષની સજા ફટકારી
જેલમાં રહેલાં આરોપીઓ બહાર નીકળવા માટે બૉગસ મેડિકલ સર્ટિફિકેટ તેમજ લગ્નની આમંત્રણ પત્રિકા સહિતના દસ્તાવેજો ગુજરાત હાઇકૉર્ટ (Gujarat High Court) માં રજૂ કરી ચૂક્યાં છે. આ મામલે હાઇકૉર્ટે સોંપેલી તપાસમાં ઘટસ્ફોટ થયા હોવાના અનેક કિસ્સા ભૂતકાળમાં સામે આવ્યા છે અને પોલીસ ચોપડે પણ ચઢ્યા છે. આવો જ એક કિસ્સો કૉવિડ મહામારી (Covid Pandemic) દરમિયાન સામે આવ્યો હતો. વર્ષ 2022માં જેલમાં કેદ ઠગાઈના આરોપીએ વચગાળાના જામીન પૂર્ણ થતાં કૉવિડનો શિકાર બન્યો હોવાનું બૉગસ સર્ટિફિકેટ રજૂ High Court સમક્ષ રજૂ કર્યું હતું. આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય કૉટના જજ જે.એ.બક્ષી (Judge J. A. Bakshi) એ બે શખસોને ત્રણ-ત્રણ વર્ષની કેદ અને 5-5 હજારનો દંડ ભરવાની સજા ફટકારી છે. અત્રે નોંધનીય છે કે, Covid નું નકલી સર્ટિ હાઇકૉર્ટમાં રજૂ કરનારી આરોપીની પત્ની હાલમાં પણ લાપતા છે.
Covid Pandemic નો લાભ લઈને બૉગસ સર્ટિફિકેટ રજૂ કર્યું
ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન (Infocity Police Station) માં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં વિજય હરિભાઈ ટાંકની ધરપકડ બાદ તેને અમદાવાદ સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) માં કેદ કરાયો હતો. હાઇકૉર્ટે 15 ફેબ્રુઆરી 2022ના રોજ વિજય ટાંકને વચગાળાના જામીન પર મુક્ત કર્યો હતો. સપ્તાહ બાદ 21 ફેબ્રુઆરીના રોજ વિજય ટાંકને જેલમાં પરત ફરવાનું હતું. દરમિયાનમાં વિજયની પત્ની વિણાબહેને હાઉકૉર્ટ સમક્ષ કૉવિડ પૉઝિટિવ સર્ટિફિકેટ (Covid Positive Certificate) રજૂ કર્યું હતું. ન્યુબર્ગ સુપ્રાટેક લેબૉરેટરી (Neuberg Supratech Laboratory) ના સર્ટિફિકેટની તપાસ કરવા હાઇકૉર્ટે આદેશ આપતા પોલીસ તપાસમાં તે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેથી સોલા પોલીસે (Sola Police) આ મામલે વિજય ટાંક, વિજયની પત્ની વિણા અને નકલી સર્ટિ બનાવનારા પ્રશાંત કાલાણી સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો - Cannabis Farming ગ્રામ પંચાયતની જમીન ભાડે રાખી સિક્યુરિટી ગાર્ડ ગાંજાની ખેતી કરાવતો હોવાનો ઘટસ્ફોટ
નકલી કોવિડ સર્ટી. બનાવનારે મોબાઈલ ફોનનો નાશ કર્યો
વિજય ટાંકને જેલની બહાર રહેવા માટે મદદ કરનાર અને નકલી સર્ટિ (Fake Covid Certi) બનાવી આપનાર પ્રશાંત કાલાણી સુધી સોલા પોલીસ પહોંચી ગઈ હતી. પ્રશાંતની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જે મોબાઈલ ફોનમાં બિમારીનું નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું તે ફોન સાબરમતી નદીમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો છે. અદાલતમાં આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ મહેન્દ્ર પી. ભરવાડે (Mahendra Bharwad Public Prosecutor) સાક્ષી તપાસી તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરી કૉર્ટમાં રજૂઆત કરી હતી. સરકારી વકીલે રજૂઆત કરતા કહ્યું હતું કે, આરોપીએ મોબાઈલ ફોન દ્વારા નકલી સર્ટિ બનાવ્યું અને મોબાઈલના પુરાવાનો નાશ કર્યો છે તથા આરોપીઓએ કાવતરું રચ્યું હોવાના પુરાવા છે. સમગ્ર કેસ નિઃશંક પણે પુરવાર થાય છે અને આવા કિસ્સા અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે અને સમાજમાં દાખલો બેસે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે બન્ને આરોપીઓને કેદની સજા ફટકારી છે.
આ પણ વાંચો - Cannabis Farming in Gujarat : સ્ટેટ મોનિટરિંગ સેલને બોટાદ જિલ્લામાંથી ગાંજાનું ખેતર મળ્યું, 99 લાખનો ગાંજો જપ્ત


