Banaskantha : ખેડૂતોની સંમતિ વગર તેમના ખેતરમાં થાંભલા નાંખવાની જેટકોની કામગીરી, ખેડૂતોનો ઉગ્ર વિરોધ
- Banaskantha : યાવરપુરા ગામે જેટકો વિરુદ્ધ ખેડૂતોનો ઉગ્ર વિરોધ : પોલીસ સાથે ટીમ આવી, જમીન પર ઘૂસણખોરી અને આંદોલનની ચેતવણી!
- ડીસા તાલુકામાં વીજળી થાંભલા વિવાદ : ખેડૂતોની જમીન પર જેટકોની કામગીરી, વળતરની માંગ અને પોલીસના ડરાવણા આરોપ
- બનાસકાંઠામાં ખેડૂતો વિ. જેટકો : યાવરપુરા ગામે આમને-સામને ટકરાવ, ગૌચર જમીનમાંથી લાઈન કાઢવાની માંગ
- જેટકોની વીજ લાઈન માટે ખેડૂતોના ખેતરોમાં ખાડા : યાવરપુરા વિરોધમાં તણાવ, હાઇકોર્ટ જવાની તૈયારી
- ખેડૂતોને લાચાર બનાવવાનું કાવતરું? ડીસા યાવરપુરા ઘટના : પોલીસ પ્રોટેક્શનમાં જેટકો કામગીરી, ઉગ્ર આંદોલનના એંધાણ
ડીસા : બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં આજે ખેડૂતો અને જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન) કંપનીના અધિકારીઓ વચ્ચે તીવ્ર ટકરાવ જોવા મળ્યો છે. જેમાં વીજળીના થાંભલા નાંખવાની કામગીરીને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો અને અધિકારીઓ સાથે આમને-સામને આવી ગયા! જેટકોની ટીમ પોલીસના કડક પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરોમાં થાંભલા માટે ખાડા ખોદવાની અને સર્વેની કામગીરી શરૂ કરી દીધી હતી. આ કામગીરીને લઈને ખેડૂતોને પહેલાથી જાણ કરવામાં આવી નહતી. તે ઉપરાંત ખેડૂતોની પરવાનગી પણ લેવામાં આવી નહતી. જેટકોની ટીમ ખેડૂતોના ખેતરમાં પહોંચી અને થાંભલા નાંખવા માટે ખાડા ખોદવા લાગી હતી. તે ઉપરાંત સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
ખેડૂતોની માંગણી છે કે જ્યાં ગૌચર છે ત્યાંથી જેટકોની લાઈન કાઢવામાં આવે અને જો ત્યાંથી કાઢવામાં ન આવે તો જેટકો કંપની દ્વારા ખેતરમાં જે લાઈટના થાંભલા નાખવામાં આવે છે તે થાંભલાનું ખેડૂતોને ભાડું ચૂકવવામાં આવવું જોઈએ. તે ઉપરાંત જે ખેડૂતોને ઓછી જમીન છે અને ખેડૂતોની જમીન કપાય છે તેની બદલે બીજે જમીન આપવામાં આવવી જોઈએ. ખેડૂતોની જમીનનું પૂરેપૂરું વળતર આપવામાં આવે અને ખેડૂતો એ અધિકારીઓને વિનંતી કરી કે તેમને બે દિવસનો સમય આપવામાં આવે જેથી તેઓ સરકારમાં રજૂઆત કરે અને સરકાર તરફથી નિર્ણય લેવામાં આવે ત્યારબાદ ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવવો જોઈએ.
જોકે, ખેડૂતોની માંગણીઓને નજર અંદાજ કરીને અધિકારીઓ દ્વારા તેમની વાતને માનવામાં આવી ન હતી અને ખાડા ખોદવાની સર્વેની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ખેડૂતોએ તેમની કામગીરીનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
પરંતુ ખેડૂતોએ તેમની જમીન પરની આ 'ઘૂસણખોરી'ને નકારી કાઢી અને વિરોધમાં ઉતરી આવ્યા હતા. આ ઘટનાએ ગામમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે, અને ખેડૂતો તરફથી ઉગ્ર આંદોલન અને હાઇકોર્ટમાં અરજીની ચેતવણી આપવામાં આવી છે. શું આ એક નાની ઘટના છે કે મોટા રાજકીય તોફાનની શરૂઆત?
Banaskantha માં ખેડૂતો VS જેટકો
જેટકો કંપની વીજળીની નવી લાઈન યાવરપુરાના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થવા જઈ રહી છે, પરંતુ ખેડૂતોની પરવાનગી વગર જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ અંગે પહેલા પણ ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નહતી. સ્થાનિક ખેડૂતો કહે છે કે, "અમારી જમીન પર થાંભલા નાખીને અમને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, અને તેના બદલામાં કોઈ વળતર કે વિકલ્પ આપવામાં આવતો નથી!" આ વિરોધ દરમિયાન ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ અને પોલીસની હાજરીને કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. એક ખેડૂતે અનામી રીતે કહ્યું, "પોલીસ અમને ડરાવી રહી છે, પરંતુ અમે અમારી જમીન માટે લડીશું. આ તો કંપનીઓના નફા માટે અમને લાચાર બનાવવાનું કાવતરું છે!"
પોલીસ સાથે પહોંચેલા જેટકોના અધિકારીઓ ખેડૂતોને તેમની જ જમીન ઉપર ખખડાવી જોવા મળ્યા હતા.
ખેડૂતોની જમીન પર વારંવારના વિવાદો અને સરકારી પ્રોજેક્ટ્સનો વિરોધ
બનાસકાંઠા જિલ્લો ખેડૂતોના વિરોધનું કેન્દ્ર બની રહ્યો છે. અગાઉ ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન માટે ઓછા વળતરના આરોપો સાથે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ડીસા તાલુકામાં પણ ખેડૂતો વારંવાર રાસાયણિક ખાતરોના ભાવ વધારા અને પાકના નુકસાનને લઈને આંદોલન કરી રહ્યા છે. આ વખતે જેટકોની વીજળી લાઈનને લઈને વિવાદ ઊભો થયો છે, જેમાં ખેડૂતોના ખેતરોમાંથી લાઈન પસાર કરવામાં આવી રહી છે.
સ્થાનિક સૂત્રો કહે છે કે, આ પ્રોજેક્ટ રાજ્યના વીજળી વિસ્તારને મજબૂત કરવા માટે છે, પરંતુ તેના કારણે ખેડૂતોની જમીન કપાઈ રહી છે અને તેમની આજીવિકા પર અસર પડી રહી છે. વર્તમાન સમયમાં સરકાર અને કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનોને 'પડાવી લેવાના' આરોપો વધી રહ્યા છે, જેમાં પોલીસનો ઉપયોગ કરીને તેમને ડરાવવામાં આવે છે.
આ ઘટના રાજ્યભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનોનો ભાગ જેવી લાગે છે. જ્યાં કોર્પોરેટ અને સરકારી પ્રોજેક્ટ્સને લઈને વિરોધ વધી રહ્યો છે. અગાઉ ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પણ રામધૂન સાથે અનોખા વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ ઘટના પછી ખેડૂતો તરફથી ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. જો માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓ હાઇકોર્ટમાં અરજી કરશે અને વ્યાપક વિરોધ કરશે. બનાસકાંઠામાં પહેલેથી જ વરસાદી નુકસાન અને ભાવ વધારા જેવા મુદ્દાઓથી ખેડૂતો ત્રસ્ત છે. શું આ વિરોધ એક મોટા આંદોલનમાં પરિણમશે? સરકાર અને કંપનીને હવે ખેડૂતોની વાત સાંભળવી પડશે!
અહેવાલ- કમલેશ નાંભાણી, બનાસકાંઠા- ડીસા/પાલનપુર
આ પણ વાંચો- Gujarat BJP : હવે તો નક્કી! પૂર્વ ડે. CM નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માને પાઠવ્યા અભિનંદન, કહી આ વાત


