Gujarat ACB ના ઇતિહાસમાં ડિજિટલ કરપ્શનનો પ્રથમ કેસ, ક્યૂઆર કૉડ મોકલી તલાટીએ લાંચ લીધી
વિકસિત ગુજરાતમાં હવે ભ્રષ્ટાચાર પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાત સરકાર (Government of Gujarat) ના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓથી લઈને વર્ગ 4ના કર્મચારીઓ કરપ્શનમાં ગળાડૂબ છે. Gujarat ACB પાસે આવતી ભ્રષ્ટાચારની ફરિયાદો રાજ્યમાં ફૂલી ફાલી રહેલા કરપ્શનની દ્રષ્ટીએ કદાચ 1 ટકો પણ નહીં હોય. આજે વાત છે, 11 વર્ષથી તલાટીની નોકરી કરતાં 35 હજારના પગારદાર ભ્રષ્ટાચારી તલાટીની હિંમતની. ડિજિટલ પેમેન્ટ થકી લાંચ (Bribery through Digital Payment) લેવામાં આવી હોય તેવો Gujarat ACB નો આ પ્રથમ કેસ છે.
2.50 લાખની સહાય માટે તલાટીએ લાંચ માગી
જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામે રહેતાં યુવકે કોર્ટ મેરેજ કર્યા હતા. આંતર જ્ઞાતિ લગ્ન કરનાર યુગલને સરકાર તરફથી 2.50 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે અને તે માટે સંબંધિત લગ્ન સ્થળેથી તલાટી કમ મંત્રી દ્વારા અપાતા મેમોરેન્ડમ જરૂરી હોય છે. આથી લગ્ન કરનારા યુવકના ભાઇએ પરબવાવડી ગામના તલાટી જયદીપ જનકભાઈ ચાવડાનો સંપર્ક કર્યો હતો. મેમોરેન્ડમ આપવા પેટે તલાટી જયદીપ ચાવડા (Talati Jaydeep Chavda) એ 1500 રૂપિયાની લાંચ માગી હતી.
આ પણ વાંચો - Gujarat High Court ના લાઈવ સ્ટ્રીમીંગનો વીડિયો વાયરલ થયો, ચાંદખેડા PI ને હાઇકોર્ટે ઝાટક્યા
Gujarat ACB ના અધિકારીઓ ચોંકી ગયા
તલાટી જયદીપ ચાવડાને 1500 રૂપિયા લાંચ આપવા નહીં માગતા ફરિયાદીએ એસીબી અધિકારીનો સંપર્ક કર્યો હતો. જયદીપ ચાવડાએ લાંચ મેળવવા માટે ફરિયાદીને ક્યૂઆર કૉડ મોકલી આપ્યો છે તે માહિતી એસીબીના પીઆઈ આર. આર. સોલંકી (PI R R Solanki) અને મદદનીશ નિયામક કે. એચ. ગોહિલ (K H Gohil DySP) ને જાણવા મળી ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. Gujarat ACB ના અધિકારીઓએ આ હકિ્કત જાણ્યા બાદ ટ્રેપ ગોઠવી દીધી.
આ પણ વાંચો -Vadodara : વાઘોડિયામાં રેલવે સ્ટેશનની ઓરડીમાં ઠંડી બિયર, ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા! Video વાઇરલ
તલાટીના લાંચ કેસમાં એસીબીની મહેનત બચી ગઈ
સામાન્ય રીતે Gujarat ACB લાંચનો કેસ કર્યા બાદ આક્ષેપિત દ્વારા સ્વીકારવામાં આવેલી સિરિઝ લખેલી તેમજ પાવડરવાળી રોકડ રકમ કબજે કરે છે. ત્યારબાદ આક્ષેપિતના હેન્ડ વૉશ લેવામાં આવે છે. જો, આક્ષેપિતે લાંચની રકમ પેન્ટ અથવા શર્ટના ખિસ્સામાં મુકી હોય તો તે પણ કબજે લેવામાં આવે છે. જ્યારે આ કિસ્સામાં આક્ષેપિતે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનો ક્યુઆર કૉડ મોકલી લાંચ (Bribe by sending QR code) સ્વીકારી હતી. જેથી Gujarat ACB ને એક માત્ર મોબાઈલ ફોન કબજે લેવો પડ્યો હતો. આ કેસના તપાસ અધિકારી હવે આરોપી જયદીપ ચાવડાના બેંક એકાઉન્ટ સહિતની વિગતો મેળવશે અને અન્ય કોઈ લોકો પાસેથી લાંચ લેવામાં આવી છે કે નહીં તેની પણ તપાસ કરશે.


