Ahmedabad rain : વટવા વિસ્તારમાં આવેલ તળાવ છલકાયું, મનપાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી
- અમદાવાદને પ્રથમ વરસાદે ઘમરોળ્યું
- ઘોડાસરથી વટવાને જોડતા રોડ પર હજુ પણ વરસાદી પાણી
- છેલ્લા 8 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો દાવો
- અમદાવાદ મનપાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ રોડ પર પાણી યથાવત છે. ઘોડાસરથી વટવાને જોડતા રોડ પર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા રહેવા પામ્યા છે. ગુજરાત ઓફસેટ બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. છેલ્લા 8 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો દાવો કર્યો હતો. અમદાવાદ મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી.
અમદાવાદમાં વટવા વિસ્તારમાં આવેલ તળાવ છલકાયું હતું. પી.ડી.પંડ્યા કોલેજથી વટવા રોડ પર આવેલ વાંદરાવટ તળાવ છલકાયું હતું. તળાવનું પાણી રોડ પર ફરી વળ્યું હતું. વહેલી સવારે પડેલ વરસાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. પ્રથમ વરસાદમાં અમદાવાદ શહેરની હાલત બગડી જવા પામી હતી. મોટાભાગના વિસ્તારમાં ઘૂંડણીસમા પાણી ભરાયા હતા.
SDRF ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી
અમદાવાદ કલેક્ટર દ્વારા ભારે વરસાદને કારણે જ્યાં પાણી ભરાયા છે. ત્યાં આગળ પોલીસ અને જિલ્લા તંત્ર કામ કરી રહ્યું છે. હાલ કોઈ પણ હાઈવે બંધ કરવામાં આવ્યા નથી. SDRF ની એક ટીમ બાવળા ખાતે રાખવામાં આવી છે. વધારે વરસાદ આવે તેના ભાગરૂપે SDRF ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રત્નસાગર હાઈટ્સની દિવાલ ધરાશાયી
અમદાવાદમાં રાણીપમાં રત્નસાગર હાઈટ્સની દિવાલ ધરાશાયી થવા પામી હતી. વરસાદ બાદ કંપાઉન્ડની વોલ ધરાશાયી થવા પામી હતી. વીજળીના કડાકા બાદ દીવાલ પડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
વરસાદને લઈ શહેરમાં 5 અંડરપાસ બંધ કરાયા હતા:DyMC
અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા અમદાવાદની જનતા પરેશાન થવા પામી હતી. વરસાદને લઈ DyMC મિરાંત પરીખનુ નિવેદન આપ્યું હતું કે, અત્યાર સુધી સીઝનનો કુલ 10.48 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં 104 જગ્યાઓ પર પાણી ભરાયા હતા. તમામ જગ્યા પર 2 કલાકથી વધુ પાણી ભરેલા રહ્યા હતા. વરસાદને લઈ શહેરમાં 5 અંડરપાસ બંધ કરાયા હતા. મીઠાખળી, અખબારનગર અંડરપાસ બંધ કરાયો હતો. મકરબાના 2 અને ડી કેબિન અંડરપાસ બંધ કરાયા હતા. અખબારનગર અંડરપાસમાં દોઢ ફૂટથી વધુ પાણી ભરાઈ જવા પામ્યું હતું. 3 જગ્યાઓ પર હાલ બ્રેક ડાઉન થયા હતા.
કોંગ્રેસ નેતાએ કર્યા પ્રહાર
અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાતા કોંગ્રેસના નેતાએ પ્રહાર કર્યા હતા. જમાાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જોવા મળી છે. શહેરના તમામ ઝોનમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરમાં આવેલી કેચપીટ સાફ કરવામાં આવી નથી. પ્રથમ વરસાદમાં શહેરમાં લોકો પરેશન થયા છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં લોકો પરેશાન થયા છે.


