અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો કરનાર પાંચ આરોપીઓની ધરપકડ
- પેલેડિયમ મોલ બહારનો આરોપીઓનો વીડિયો વાયરલ થયેલ
- તલવાર-ધોકા સાથેનો આતંક મચાવતો વીડિયો વાયરલ થયો
- અંગત અદાવતમાં બે જૂથ સામ-સામે આવેલ હતા
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા લુખ્ખાતત્વોએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં આરોપીઓ વિરોધ ગુનો નોંધાયો હતો. જેને લઈને પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આરોપીઓ આતંક મચાવીને મહારાષ્ટ્રમાં છુપાયા હતા જેથી પોલીસને બાતમી મળતા પોલીસે મહારાષ્ટ્રમાંથી પાંચ આરોપીઓને દબોચ્યા હતા.
પોલીસે આરોપીઓની મહારાષ્ટ્રથી ધરપકડ કરી
પ્રિન્સ જંગીડ, મિહિર દેસાઈ, જીગર દેસાઈ, પવન ઠાકોર અને કૈલાશ દરજીની ધરપકડ કરી. અમદાવાદ શહેર ઝોન-1ના ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું કે, આરોપીઓને જૂની અદાવત હતી જેથી આરોપીઓને શંકા હતી કે તેમની પર હુમલો થઈ શકે છે, જેથી તે લોકો હથિયાર સાથે રાખ્યા હતા. આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા લુખ્ખાઓએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યા હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલ ઊઠ્યા છે. 10 જાન્યુઆરીએ લુખ્ખાઓએ જૂની અદાવતમાં બે લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ પણ નોંધી છે. હુમલાનો જે વીડિયો વાઇરલ થયો છે એમાં ત્રણ કારમાં 10થી 15 જેટલા લોકો આવે છે અને હાથમાં તલવારો અને ધોકા સાથે ઊતરી રસ્તા પર ઊભેલા બે યુવક પર હુમલો કરે છે અને બાદમાં આસપાસ ઊભેલા અન્ય વાહનચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી હતી.
જૂની અદાવતમાં મારામારીનો બનાવ બન્યો
રાણીપમાં રહેતા વિજય ભરવાડે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરેથી થોડે દૂર રહેતા પ્રિન્સ જાંગીડ નામના યુવક સાથે 10થી 15 દિવસ પહેલાં સિંધુભવન રોડ ઉપર દ્વારકાધીશ ચાની કીટલી પર બેઠા હતા. જે દરમિયાન કન્સ્ટ્રક્શનના સામાનના ધંધા અર્થે બોલાચોલી થતાં મારામારી થઈ હતી. આ મામલે પ્રિન્સે વિજય ભરવાડ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓ જામીન પર છૂટી ગયા હતા. જામીન પર છૂટ્યા બાદ પ્રિન્સે ધમકી આપી હતી કે અમે તમને છોડવાના નથી, તમે બહાર બજારમાં ફરો છો એ વખતે અમે તમને જોઈ લઈશું એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
10મી જાન્યુઆરીએ પેલેડિયમ મોલ નજીક હુમલો કર્યો
10 જાન્યુઆરીના રોજ રાત્રે 12 વાગે વિજય ભરવાડ તેમના મિત્ર વિજય, ભોલુ, મિતેશ એમ ચાર જણા ક્રેટા ગાડી લઈને ઝાયડસ હોસ્પિટલથી પેલેડિયમ મોલ ખાતે જતા રસ્તા ઉપર ઊભા હતા. ત્યારે પેલેડિયમ મોલ ખાતે લાઇટિંગ સારી હોવાથી તેઓ ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા. ત્યારે 1 વાગ્યાની આસપાસ એક ફોર્ચ્યુંનર ગાડી પૂરપાટ ઝડપમાં આવીને તેમના તરફ ઊભી રહી ગઈ હતી. આ ગાડી આવતાં તેમના મિત્ર વિજયભાઈ પડી ગયા, જેથી તેમના ઢીંચણ છોલાઈ ગયા હતા. આ ગાડીની પાછળ ક્રેટા અને સ્કોર્પિયો ગાડી પણ આવી હતી. આમ ત્રણેય ગાડીઓમાંથી કેટલાક યુવકો હાથમાં તલવાર અને લાકડીઓ લઈને નીચે ઊતર્યા હતા. આ યુવકોમાં પ્રિન્સ અને મિહિર દેસાઈ નામના યુવક પાસે તલવાર હતી. આ ઉપરાંત બીજા 10થી 12 માણસો પાસે પણ તલવાર અને લાકડી હતી. તેમણે જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને વિજય ભરવાડ અને તેમના મિત્રો પર હુમલો કર્યો હતો.
પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલા જ હુમલાખોરો ફરાર થઈ ગયા
પ્રિન્સે તલવાર વડે વિજય ભરવાડ પર હુમલો કરવા જતાં કમરના પાછળના ભાગે વાગી હતી, જેના કારણે સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે અજાણ્યા ઈસમોએ પણ લાકડી વડે હુમલો કરતાં તેમના આંગળીના નીચેના ભાગે ફેક્ચર થયું છે. વિજય ભરવાડના મિત્રોને પણ ધક્કો મારીને માર માર્યો હતો. ત્યાર બાદ બૂમાબૂમ થતાં આ તમામ માણસો ગાડીમાં બેસીને ત્રણથી ચાર રાઉન્ડ મારીને ત્યાંથી નીકળી ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે ક્યાંય મળશો તો તમને જાનથી મારી નાખીશું. આ મામલે વિજય ભરવાડે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
પોલીસ પેટ્રોલિંગને લઈ સવાલો ઊઠ્યા
આ સમગ્ર બનાવનાં દૃશ્યો જાણે કોઈ બોલીવૂડની ફિલ્મનાં દૃશ્યો હોય એવું લાગી રહ્યું હતું. પહેલા એક ફોર્ચ્યુંનર આવી, ત્યાર બાદ ક્રેટા અને સ્કોર્પિયો એમ બીજી બે ગાડી આવી હતી. આ ત્રણેય ગાડીમાંથી ફિલ્મમાં જેમ ગુંડાઓ હથિયાર સાથે ઊતરીને દોડાદોડી કરતા હોય એમ આ ગાડીઓમાંથી 10થી 15 જેટલા શખસો ઊતરીને હાથમાં તલવાર અને દંડા લઈને શહેરના એસજી હાઇવે વિસ્તારને બાનમાં લીધો હતો. રસ્તા પર આવતા-જતા વાહનચાલકોમાં પણ આ બનાવના કારણે જાણે ડર ફેલાયો હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. આ શખસો નિર્દોષ લોકોને પણ હથિયાર બતાવી ડરાવી રહ્યા હતા. સુરક્ષિત અમદાવાદના દાવા કરતી પોલીસ પણ આ સમગ્ર બનાવમાં ક્યાંય જોવા મળી ન હતી. શહેરના પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમમાં પણ કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: Rajkot: ઉત્તરાયણ બની ઘાતક!, 10 લોકોના ગાળા કપાયા, 21 અકસ્માતની ઘટના


