ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ઓપરેશન બ્લુ સ્ટારને ગણાવી મોટી ભૂલ, ભૂતપૂર્વ PM ઇન્દિરા ગાંધીએ આ ભૂલની કિંમત જીવથી ચૂકવી
- દેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે Operation Blue Star અંગે કરી મોટી વાત
- ઇન્દિરા ગાંધીની આ ભૂલના લીધે જાન ગુમાવવી પડી હતી
- ચિદમ્બરમે એક લેખકના કાર્યક્રમમાં ઓપરેશન બ્લુસ્ટાર વિશે વાત કરી હતી
દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમે 1984માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવાદાસ્પદ ઓપરેશન બ્લુ સ્ટારની ટીકા કરી છે. તેમણે આ ઓપરેશનને ખોટો અભિગમ ગણાવ્યો અને કહ્યું કે ઇન્દિરા ગાંધીએ આ ભૂલની કિંમત પોતાના જીવથી ચૂકવી હતી.શનિવારે ખુશવંત સિંહ સાહિત્ય મહોત્સવ 2025માં લેખક હરિન્દર બાવેજા સાથે "ધે વિલ શૂટ યુ, મેડમ: માય લાઈફ થ્રુ કોન્ફ્લિક્ટ" વિષય પર ચર્ચા દરમિયાન ચિદમ્બરમે આ વાત કહી હતી.
#WATCH | Kasauli, Solan, HP: Former Home Minister and Congress leader P Chidambaram says, "... No disrespect to any military officers here, but that (Blue Star) was the wrong way to retrieve the Golden Temple. A few years later, we showed the right way to retrieve the Golden… pic.twitter.com/QpFJEGYNQQ
— ANI (@ANI) October 12, 2025
Operation Blue Star એ મોટી ભૂલ હતી
કાર્યક્રમમાં પી. ચિદમ્બરમે સ્પષ્ટતા કરી કે જૂન ૧૯૮૪માં થયેલું ઓપરેશન બ્લુ સ્ટાર (Operation Blue Star) કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહોતો, પણ સેના, પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને નાગરિક સેવાઓએ ભેગા મળીને લીધો હતો. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું કે, લશ્કરી અધિકારીઓનું સન્માન જાળવીને પણ કહી શકાય કે સુવર્ણ મંદિરને ફરીથી કબજે કરવા માટે બ્લુ સ્ટાર ઓપરેશનનો રસ્તો ખોટો હતો.તેના બદલે, તેમણે થોડા વર્ષો પછી થયેલા ઓપરેશન બ્લેક થંડર (Operation Black Thunder) ને યોગ્ય ગણાવ્યું. ચિદમ્બરમે કહ્યું કે બ્લેક થંડર દરમિયાન સેનાને મંદિરની અંદર મોકલ્યા વગર સુવર્ણ મંદિરને ફરીથી મેળવવાનો યોગ્ય અને સફળ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને જોકે આ નિર્ણય માટે માત્ર ઇન્દિરા ગાંધીને જ દોષી ઠેરવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે "તમે આ માટે એકલા ઇન્દિરા ગાંધીને દોષી ઠેરવી શકો નહીં.
Operation Blue Star શું હતું?
ઓપરેશન બ્લુ સ્ટાર એ ૧ જૂનથી ૧૦ જૂન, ૧૯૮૪ સુધી ચાલેલું ૧૦ દિવસનું લશ્કરી ઓપરેશન હતું.6 જૂન, ૧૯૮૪ના રોજ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશથી પંજાબમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલેના નેતૃત્વ હેઠળના શીખ બળવાને દબાવવા માટે ભારતીય સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પર હુમલો કર્યો હતો.એવો અહેવાલ હતો કે ભિંડરાનવાલેએ તેના સશસ્ત્ર અનુયાયીઓ સાથે સુવર્ણ મંદિર સંકુલમાં શસ્ત્રોનો મોટો ભંડાર છુપાવ્યો હતો.આ ઓપરેશનની ભારે ટીકા થઈ હતી અને તેના થોડા મહિનાઓ પછી, ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪ ના રોજ, ઇન્દિરા ગાંધીના બે શીખ અંગરક્ષકો, બિઅંત સિંહ અને સતવંત સિંહે, નવી દિલ્હીના તેમના નિવાસસ્થાને તેમની હત્યા કરી હતી.


