ઠગ ટોળકીએ Allahabad Bank ને છેતરી તો બેંકે બીજા કોઈની મિલકત સીલ કરી દીધી
'કરે કોઈ ભરે કોઈ' આ કહેવત અમદાવાદમાં થયેલા Allahabad Bank Mortgage Loan Fraud ના કિસ્સામાં યર્થાથ સાબિત થઈ છે. વર્ષ 2013માં અમદાવાદની ઠગ ટોળકીએ બોગસ દસ્તાવેજો બનાવી અલ્હાબાદ બેંકમાંથી 1.20 કરોડની લોન લઈને ફુલેકું ફેરવી દીધું. વર્ષો બાદ જાગેલી Allahabad Bank એ પોતાના રૂપિયા રિકવર કરવા સરદારનગર વિસ્તારમાં આવેલી અન્ય વ્યક્તિની માલિકીની જમીન/મિલકતનો કબજો મેળવી સીલ મારી દીધું. બેંક અને ઠગ ટોળકી વચ્ચેના વ્યવહારોનો ભોગ બનેલા ત્રાહિત જમીન માલિકે શરૂ કરેલી લડતમાં અનેક ઘટસ્ફોટ થતાં એરપૉર્ટ પોલીસ સ્ટેશન (Airport Police Station) ખાતે 1 કરોડ 50 લાખના નુકસાન/છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલમાં...
કેવી રીતે ઠગ ટોળકીએ Allahabad Bank માંથી લોન મેળવી ?
અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ના ચોપડે લૉન કૌભાંડમાં ચઢી ચૂકેલો દીપક આહુજા ઉર્ફે દીપુ ટાંકી (Deepak Ahuja alias Deepu Tanki) મુખ્ય સૂત્રધાર છે. વર્ષ 2013માં દીપુ ટાંકીએ પોતાના નોકર ઈશ્વર ત્રિકમદાસ સોકવાણી, સુરેશ કનૈયાલાલ સોમાણી અને સુરેશના ભાઈ મનિષ સાથે મળીને સરદારનગર વિસ્તારની જમીનના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. ઈશ્વર સોકવાણીએ ત્રણ અલગ-અલગ મહિલાઓ પાસેથી 333 ચો.મી.ના ત્રણ પ્લૉટ સેલ ડીડ આધારે વેચાણ રાખી ગણતરીના દિવસોમાં તે ત્રણેય પ્લૉટ સુરેશ સોમાણીને સેલ ડીડથી વેચાણ કરી દીધા હતા. સુરેશ સોમાણીએ તેના ભાઈ મનિષ સોમાણીની તુલસી સિલ્વર ઈન્ડસ્ટ્રીઝ કંપનીના નામે Allahabad Bank આશ્રમ રોડ શાખામાંથી 1 કરોડ 20 લાખની લૉન મેળવી હતી. મોર્ગેજ લૉન મેળવવા બોગસ દસ્તાવેજ, નકશા, ઓડિટ રિપોર્ટ, સિક્કા અને Fake PAN Card અલ્હાબાદ બેંકમાં રજૂ કર્યા હતા અને બેંકે દસ્તાવેજો અને સ્થળ ચકાસણી કર્યા વિના 11 વર્ષ અગાઉ લૉન મંજૂર કરી દીધી હતી.
વયોવૃદ્ધ ફરિયાદીના પુત્રએ પુરાવા એકત્ર કર્યા
એરપૉર્ટ પોલીસ સ્ટેશનમાં 71 વર્ષીય જુજારસિંગ સલુજાએ ઠગ ટોળકી સહિતના શખ્સો સામે કાવતરૂં રચીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં Allahabad Bank એ સરદારનગર ભીલવાસ ચાર રસ્તા પાસેની 584 ચો.મીટર (સર્વે નં. 1898) જમીન સહિત કુલ 999 ચો.મી. જગ્યાનો કબજો મેળવી સીલ મારી દીધું. આ માહિતીની જાણ થતાં ફરિયાદીના પુત્ર ગુરદેવસિંગ સલુજા ઉર્ફે રાજુભાઈએ Debt Recovery Tribunal, સિટી સર્વે અને સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કેટલાંક દસ્તાવેજો મેળવ્યા. સુરેશ સોમાણીએ ત્રણ વેચાણ દસ્તાવેજોની ચૂકવણી પેટે દર્શાવેલા ADC Bank ના ચેક નંબરોના આધારે એડીસી બેંકમાં તપાસ કરતા ઈશ્વર સોકવાણીના બેંક ખાતામાં રૂપિયો પણ જમા નહીં થયો હોવાની વાત સામે આવી હતી. બે ચેક નંબરની તપાસમાં રોકડ ચૂકવણી અને એકમાં તો જયંતિભાઈ મણીભાઈ સોલંકીનું બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત Allahabad Bank માં રજૂ કરેલો કંપનીનો ઑડિટ રિપોર્ટ તૈયાર કરનારા CA વર્ષ 2010માં અન્ય રાજ્યમાં ચાલ્યા ગયા હોવાની માહિતી મળી હતી.
Airport Police Station માં કોની-કોની સામે થઈ FIR ?
એરપૉર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સુરેશ સોમાણી (Suresh K Somani), સુરેશનો ભાઈ મનિષ, દીપક આહુજા ઉર્ફે દીપુ ટાંકી અને દીપુનો નોકર ઈશ્વર સોકવાણીને આરોપી દર્શાવાયા છે. ફરિયાદ અનુસાર આ કેસની તપાસ પીઆઈ નરેન્દ્ર ધનજીભાઈ નકુમ (PI N D Nakum) કરી રહ્યાં છે. એરપૉર્ટ પોલીસ મનિષ સોમાણીની ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવી ચૂકી છે. મનિષ હાલ જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. જ્યારે અન્ય આરોપીઓ ધરપકડ ટાળવા પોલીસથી નાસતા ફરે છે.
આ પણ વાંચો- SMC Raid : પોરબંદરના રાણાવાવમાં દારૂની ભઠ્ઠી પર SMCના દરોડા, 1500 લીટર દેશી દારૂ જપ્ત