Gir Somnath : કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોની મગફળી ગટરોમાં વહી ગઈ
- Gir Somnath : કમોસમી વરસાદનો કહેર : ખેડૂતોની મગફળી ગટરોમાં વહેતી થઈ
- કોડીનારના ફાસરિયા ગામે આઘાતજનક દૃશ્ય : મગફળી ગટરમાં વહી
- ગીર સોમનાથમાં વરસાદી તારાજી : મગફળીનો પાક ગટરમાં
- કમોસમી વરસાદે ગીર સોમનાથને રડાવ્યું : ખેડૂતોની મહેનત પાણીમાં
- ખેડૂતોની આંખોમાં આંસુ : સતત વરસાદે સર્જી વિનાશની તસવીર
Gir Somnath : ગીર સોમનાથમાં કમોસમી વરસાદે ખેડૂતોને રીતસરના રોવડાવી દીધા છે. સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો છે. જેથી ખેતરોના ખેતરો ભરાઈ ગયા છે તો ક્યાંક તો ખેતર ઉભરાઈ પણ ગયા છે, જેથી ખેડૂતોનો પાક ખેતરની બહાર વહી ગયો છે. કેટલાક ઠેકાણે તો ખેડૂતોનો પાક પોતાના ખેતરમાંથી તણાઈને ગટર સુધી પહોંચી ગયો છે. આમ ખેડૂતોની ચાર મહિનાની મહેનત એક જ દિવસમાં ગટર ભેગી થઈ ગઈ હતી. કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાન અંગે સરકાર સહાય આપશે તેવી બાંહેધરી આપવામાં આવી રહી છે. તે માટે રાજ્ય સરકારે નુકશાનીના સર્વેનો આદેશ પણ આપી દીધો છે.
ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં પડેલા સતત કમોસમી વરસાદે ખેડૂતોના જીવનમાં વિનાશની તસવીર ઉભી કરી છે. કોડીનાર તાલુકાના ફાસરિયા ગામ નજીકના ખેતરોમાંથી મગફળીનો પાક ગટરો સુધીમાં પહોંચી ગયાના આઘાતજનક દૃશ્યો સામે આવ્યા છે. ખેડૂતો પોતાની મહેનતનું ફળ ગટરમાં વહેતું રોકી શક્યો નથી. વરસાદની ધોધમાર તીવ્રતાએ ખેડૂતોની મહેનત અને આશાઓ પર પાણી ફેરવી નાંખ્યું છે. આ ઘટનાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો નહીં, પરંતુ આખી થાળી છીનવી લીધી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગીર સોમનાથ પંથકમાં ખેતરોના ખેતરો ભરાઈ ગયા છે, જેમાં મગફળી સહિતના પાકો પણ સ્વાહા થઈ ગયા છે.
ફાસરિયા ગામના ખેડૂતો અનુસાર, મગફળીનો પાક તૈયાર હતો અને લણણીની તૈયારી ચાલી રહી હતી. અનેક ખેતરોમાં મગફળી કાઢેલી પડી હતી, તો કેટલાક ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા હતા. પરંતુ અચાનક આવેલા કમોસમી વરસાદે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી ખેતરમાંથી વહીને ગટર સુધી પહોંચી ગઈ છે. "ખેડૂતો આખું વર્ષ મહેનત કરે છે પરંતુ આ વરસાદે તેમની સઘળા પાકોને નષ્ટ કરી નાંખ્યા છે.
આ પણ વાંચો-Surat : વરાછામાં નકલી તમાકુ-પાન મસાલાનો 29.67 લાખનો મુદ્દામાલ ઝડપાપો
સતત વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતીપાકોને વ્યાપક નુકસાન થયું છે. મગફળી ઉપરાંત જીરું, કપાસ અને અન્ય પાકો પણ પાણીમાં ડૂબી ગયા છે. ખેડૂતોની આજીવિકા પર આધારિત આ પાકોનું નુકસાન તેમના પરિવારો માટે મોટી આર્થિક કટોકટી બની શકે છે. સ્થાનિક વહીવટ તંત્રને આ અંગેની જાણ થતાં જ તાત્કાલિક નુકસાનનું મૂલ્યાંકન કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ગીર સોમનાથ પંથકમાં ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે. ચોમાસામાં જે રીતે વરસાદ આવે છે, તેવું વરસાદ વરસતા ખેતરોના ખેતરો ભરાઈ ગયા છે. તો ખેતરની બાજુંમાં નહેર જેવી ગટરો સુધીમાં ખેડૂતોની મગફળીઓ પહોંચી ગઈ છે. તેવામાં ગીર સોમનાથના ખેડૂતો પણ સરકાર સામે આશાની મીટ માંડીને જોઈ રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, સરકારે પોતાની કેબિનેટ બેઠકમાં ખેડૂતોને સહાય આપવાની ચર્ચા કરી છે. તેથી રાજ્ય સરકારે કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.
આ આદેશ સાત દિવસમાં પૂર્ણ કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. તો ગીર સોમનાથ જિલ્લા સહિત અન્ય જિલ્લાના ખેડૂતોને પણ સહાય મળે તેવી આશા બંધાઈ છે, જેથી ખેડૂતોને આર્થિક રીતે ટેકો થઈ શકે છે.
આ પણ વાંચો-Gandhinagar : કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતોના પાક નુકસાનના સર્વેનો આપ્યો આદેશ


