Gondal : વીજ લાઈન નાખવા પોલ પર ચડતા કરંટ લાગ્યો, બે યુવાન કર્મચારીઓનાં મોત
- ગોંડલનાં વોરા કોટડા રોડ પર આવેલ સબજેલ પાસેની ઘટના (Gondal)
- PGVCL ની નવી લાઈન નાખતી વખતે કરંટ લાગવાથી બે કોન્ટ્રાક્ટ કર્મીઓનાં મોત
- વીજ લાઈન નાખવા પોલ પર ચડતા કરંટ લાગ્યો, બંને મજૂર નીચે પટકાયા
- મૃતકોનાં મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Gondal : રાજકોટ જિલ્લાનાં ગોંડલનાં વોરા કોટડા રોડ પર આવેલ સબજેલ પાસે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) નવી લાઈન નાખતી વખતે વીજ કરંટ લાગવાથી બે કોન્ટ્રાક્ટ બેઇઝ કામ કરતા કર્મચારીનાં મોત નિપજ્યા છે. આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
રિપેરિંગ સમયે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા બનાવ બન્યો
ગોંડલનાં (Gondal) વોરા કોટડા રોડ પર સબજેલ સામે આવાસ ક્વાર્ટરમાં 7 જુલાઈને સોમવારનાં રોજ વિજયનગર અર્બન ફીડર વિસ્તારમાં (Vijayanagar Urban Feeder Area) નવી 11 kv કોટેડ વીજલાઈન નાખવામાં આવી રહી હતી. આ કામ આશરે 5 થી 6 દિવસ ચાલવાનું હતું. કામ માત્ર અંદાજે 30 થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝ મજૂરો કામગીરીમાં જોડાયા હતા અને અંદાજે 90% વધુ કામ પૂર્ણ પણ થઈ જવા પામ્યું હતું. જ્યારે, આજે સવારે 7 વાગ્યાની આસપાસ વીજ પુરવઠો બંધ કરી રાબેતા મુજબ, નવી લાઈન નાખવાનું કામકાજ શરૂ કર્યું હતું. દરમિયાન, મજૂરો વીજ લાઈન નાખવા પોલ પર ચડતા કરંટ લાગ્યો હતો, જેથી બંને મજૂર નીચે પટકાયા હતા અને બને યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદમાં મોડી સાંજે મેઘરાજાની ધબધબાટી, જાણો હવામાન વિભાગની આગાહી
મૃતકનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયા
વીજ કરંટની ઘટનામાં ભગવાનસિંહ રામલાલ ભીલ (ઉ.વ.22, રહે. ગામ.રિચવા, તા.અકલેરા, જી.જાલાવર રાજસ્થાન) અને સુરજકુમાર બનીસિંહ ભીલ (ઉ.વ.20, રહે. ગામ. આમટા, તા. અકલેરા, જી. જાલાવર) રાજસ્થાનનાં બંને વતની હતા અને 4 દિવસ પહેલા જ ગોંડલ આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસનાં લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ પર પહોંચી મૃતકોનાં મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Morbi : 'ચેલેન્જની ચૂંટણી' માં વધુ એક નેતાની 'Entry', જીતુ સોમાણીએ કહ્યું- ગોપાલ ઈટાલિયા જીતશે તો હું..!
દુર્ઘટના બાદ કામકાજ બંધ કરાયું
ગોંડલ વોરકોટડા રોડ પર બનેલ ઘટના બાદ PGVCL ડેપ્યુટી એન્જિનિયર કણસાગરા સહિતનાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને હાલ સ્થળ પર તમામ પ્રકારનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે. બંને યુવાનોને વીજ કરંટ રિટર્ન પાવરથી લાગ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જ્યારે, PGVCL ની અલગ-અલગ ટિમો દ્વારા આસપાસનાં વિસ્તારોમાં આવેલા કારખાનાઓમાં જનરેટર ચાલુ કરી પાવર રિટર્ન થાય છે કે કેમ તેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વીજ કંપનીઓનાં પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને સાવચેતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગોંડલ બી ડિવિઝન પોલીસ (Gondal B Division Police) દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Vadodara Bridge Collapse : આણંદ BJP નેતાએ કહ્યું- આ કુદરતી હોનારત, તંત્રની બેદરકારી નહીં..!


